અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખલાલ ઝવેરી/વિષણ્ણ વય વૃદ્ધ!


વિષણ્ણ વય વૃદ્ધ!

મનસુખલાલ ઝવેરી

વિષણ્ણ વય વૃદ્ધ! આયુભરનાં બધાં સાથી ને
સમોવડ વિદાય થાય; સ્હી જાય તું એકલો!
ગ્રહી જ તવ કરાંગુલિ ડગુમગુ શીખ્યાં ચાલતાં
જનો, અવ બધાંય તે નવલ પોતપોતાતણી
રહ્યાં સ્વપનસૃષ્ટિની તરફ આંખ મીંચી ધસી.
તને વળગી જે હતાં જન રહેલ તેને હવે
જવું વળગવા રહ્યું અહહ તાહરે, ભાગ્ય એ.
જતો વળગવા તું; ને ખસી જવા ચહે દૂર એ!

નવાં — નહિ નવાં, જુદાં પણ ખરાંય એવાં — જનો,
(ન મેળ મનના મળે ક્યહીંય જેમની સંગ રે!)
તહીં વસવું માત્ર ના, રિઝવી એમને જીવવું!

શરીરતણી ક્ષીણતા ખટકતી નથી એટલી,
રહે ખટકી જેટલી ઉરની આ નિરાધારતા,
વિષણ્ણ વય વૃદ્ધ! દુઃસહ ચિરાયુકેરી સજા!

૧૦-૮-૧૯૫૮




આસ્વાદ: પાદર થયાં પરદેશ — જગદીશ જોષી

પ્રેમાળ રખેવાળ મનસુખભાઈનું આ કાવ્ય વાંચતાં – જૂના સંસ્કારો જાગતાં – મન કંઈક બેચેન થાય છે: અને. ‘અંગમ્ ગલિતમ્’ એવી વૃદ્ધાવસ્થા માટે કેટકેટલા કવિઓએ પોતાના મનોભાવ દર્શાવ્યા છે તે બધું સ્મરણે ચઢે છે. ‘કશૂંય નહિ કાબુમાં, ન મન, નોર્મિ, દેહે નહીં’ કહેતા બળવંતરાય, ‘બધું ભૂંસી, ભૂલી, નયન મીંચી જંપી જ જવું છે’ કહેતા ઉશનસ્, ‘શરીરને મેં બહુ છેતર્યું છે’ કહેતા ઉમાશંકર, ‘ઍન્ડ ડ્રીમ ઑફ ધ સૉફ્ટ લુક’ કહેતો યેટ્સ કે કોઈ વૈદાતી શાણપણની મીમાંસા આપતો શેક્સપિયરનો કિંગ લિયર… કેટલું બધું સ્મરણે ચઢે છે!

આયુષ્યનાં અવશેષ વર્ષોમાં ‘સમોવડ’ – ધ ઓલ્ડ ફૅમિલિયર ફેસીસ – ધીરે ધીરે વિદાય થતા હોય, આપણી જ આંગળી પકડીને જે ‘ડગુમગુ ચાલતાં’ શીખ્યા હોય, આપણી જ આંગળીએ જેને ‘ડુંગરે દેખાડી ઊંચી દેરી જી’ હોય એ બધાં પંખીઓ ‘ફૂટતાં પાંખ’ ઊડી જતાં હોય ‘વિશ્વનો ઉન્નતિકમ’ સાધવા… આ દોડી જતી, દોડ્યે જતી, જુવાની માટે ‘ઘટમાં ઘોડા થનગને’ અને પોતપોતા તણી ‘સ્વપ્નસૃષ્ટિ’નાં આંખમાં અંજન અંજાય તે પણ સ્વાભાવિક છે: પરંતુ ધસી રહેલી યુવાની માટે કવિ અહીં ‘આંખ મીંચી’ શબ્દો યોજે છે તે વૃદ્વાવસ્થાના શાણપણને, યુવાનીની દોટને અને કવિતાના વાસ્તવને ઓપ આપે એવા માર્મિક છે.

હવે પછીની પંક્તિની બારોભાર વેદનાથી ‘મુકુન્દરાય’નો ‘માગું એક નખ્ખોદ’નો અંતિમ આર્તનાદ તાજો થાય છે. જે આપણને વળગતાં આવ્યાં હતાં એને હવે આપણે વળગવા જવું? આ પ્રશ્ન જ કેટલો બેહૂદો અને કરુણ છે? અને એના કરતાંય વધુ કરુણ તો છે વૃદ્ધાવસ્થાની સભાન વાસ્તવિકતા! બધું જાણવા છતાં, બધું પ્રમાણવા છતાં, વૃદ્ધજન ખરેખર તેને ‘વળગવા’ જાય છે જ; અને અનિવાર્ય રીતે પેલો માંડ હજી તો ઊગીને ઊભો થયેલો – ગોઠણભરમાંથી હજી તો હમણાં જ પગભર થયેલો – જુવાનિયો દૂર ‘ખસી જવા’ ચહે! ‘સુપૂજ્ય પણ વિકલ’ એવા વૃદ્ધની ભીની થયેલી પાંપણ પર ઝમેલા એક બિંદુ ઉપર જ ડહાપણના હજારો સૂર્યો પરાવર્તિત થઈને ચૂરચૂર થઈ જાય છે…

નવા સંબંધો બાંધવાનો ‘સમય રસભીનો’ પણ વહી ગયો છે. આ બધાં જનો નવાં ન જ હોય; પણ હવે ‘જુદાં’ થઈ ગયાં છે. એમના જુદાપણામાં ઉન્નતિ હોય તો તો બળ્યું, પણ અહીં તો નરી ઉદ્ધતાઈ છે. આમ પણ એમની સાથે હૃદિયાનો મેળ મળતો નથી; એમાં એમની ‘સંગે’ નહીં, પણ એમના ‘રંગે’ રહેવું, એમને રીઝવી-રીઝવીને રહેવાનું, વૃદ્ધે ભેગી કરેલી ‘નામ’ અને ‘દામ’ની સમૃદ્ધિનો સમૃદ્ધ વારસો તો ભોગવવો છે; પણ એ વૃદ્ધને જીરવવો પડે છે તે તેમને ખટકે છે. પોતાનાં વડીલો અને પોતાના વતનની વાત કરતાં પણ જેઓ શરમ અનુભવે છે એવા ‘મૉડર્ન’ યુવાનો આજે દીવો લઈને ગોતવા જવા પડે તેમ નથી, પણ પ્રશ્ન એ થાય છે કે ‘સ્નેહદૌર્બલ્યે’ કુટુમ્બ અને જેને કૌટુમ્બિક ગણી એવી વ્યક્તિઓને વળગવા જતી વૃદ્ધાવસ્થા દયાને પાત્ર છે કે જવાબદારીને બીભત્સ છેહ દેતી નામર્દ ને નિર્લજ્જ જુવાની વધુ દયાને પાત્ર છે? આકાશ ભણી મીટ માંડવી એ જેમ જુવાનીનો ધર્મ છે એમ પોતાની ધરતીનાં મૂળિયાંને ન વીસરવાં એ એનું ઋણ છે. જોકે અહીં નવી પેઢી પ્રત્યે રોષ નથી; અહીં તો એકલા રહી ગયાનો વિષાદ છે.

ક્યારેક નિરાશાની ગર્તાનો અંધાપો ભોગવતી વૃદ્ધાવસ્થાને શરીરની શિથિલતા જેટલી કઠતી નથી તેટલી ખટકે છે તેને ‘ઉરની આ નિરાધારતા.’ આ કાવ્યમાં કવિ ‘વિષણ્ણ વય વૃદ્ધ!’ કહે છે તો એક જ દિવસે લખાયેલા બીજા સૉનેટમાં કવિ ‘પ્રસન્ન વય વृદ્ધ!’ કહે છે. બન્ને કાવ્યો સાથે વાંચતાં તે વિરોધમૂલક નથી લાગતાં; બલ્કે જીવનમૂલક લાગે છે. આપણા પીઢ વિદ્વાન, કવિ, વિવેચક અને ગુરૂણાં ગુરુ: એવા મનસુખભાઈની કલમ જ્યાં સુધી અનુભવો અને અનુભૂતિઓને આકાર આપી શકવા જેટલી ક્રિયાશીલ છે ત્યાં સુધી ચિરાયુ એ ‘સજા’ કેમ હોઈ શકે?

‘ગંગ તરંગ પ્રવાહ ચલે ઔર, કૂપ કો નીર પિયો ન પિયો…’ (‘એકાંતની સભા'માંથી)