અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઈશ મનીઆર/ગઝલ


ગઝલ

રઈશ મનીઆર

સૂર્યને ઊંચે જઈ બપ્પોર કરતા આવડે છે
તાપ ઝીલી, તો, મને ગુલમ્હોર કરતા આવડે છે

કિસ્મતે આપી નહીં જો દાદ પહેલા યત્નમાં તો
હું ય શાયર છું કે બીજો દોર કરતા આવડે છે

દૂરથી દેખાય છે સુંદર દશા, મારો કસબ છે
રેતની ચોમેર લીલા થોર કરતા આવડે છે

તૂટતાં પહેલાં હતો સંબંધનો પડકાર છેલ્લો
‘સાવ છો કમજોર! તમને જોર કરતા આવડે છે?’

વ્યગ્ર છું, વિવિશ ન સમજો, ઉગ્ર પણ હું થઈ શકું છું
નખ કરડતો જાઉં છું પણ ન્હોર કરતા આવડે છે!

પૂછશે તારી ગઝલ અંતે તને કે આયખાભર...
કાગળો કાળા કર્યા, કંઈ ઓર કરતા આવડે છે?

(નવનીત સમર્પણ, નવેમ્બર, 2020)