અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રજનેન્દુ રૉય/રેતી અવાજની


રેતી અવાજની

રજનેન્દુ રૉય

આકાશ જેવું કરગરે રેતી અવાજની,
એકાંતમાં સૂસવ્યા કરે રેતી અવાજની.

પડતાં જ સુક્કા શ્વાસના વંટોળિયાની ત્રાડ,
ઊભી ને ઊભી થરથરે રેતી અવાજની.

છે દુર્ગ સ્મૃતિશેષનો એકાંતની ટોચે,
તેના ઉપર કા-કા કરે રેતી અવાજની.

તૂટશે તમારા મૌનની આ જીર્ણ ટોચ પણ,
ખરખર સતત અહીં ખરે રેતી અવાજની.

મારી ગઝલને પી ગયો છે શબ્દ એટલે,
કાગળ વિશે જો, તરવરે રેતી અવાજની.