અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક સોમેશ્વર/માટી


માટી

રમણીક સોમેશ્વર

આંગણામાં
સુકાઈ રહ્યું છે એક વૃક્ષ
પાંદડાં વિનાનાં એનાં ડાળાં-ડાખળાં
થતાં જાય છે જરઠ-બરઠ
છેક ભીતરથી
કોરે છે એને કશુંક
મૂળિયાં સુધી
પહોંચી છે એની અસર
પાણી પાઉં કે પંપાળું
તોય આવતી નથી ભીનાશ.

કઠણ થઈ છે માટી
ને પાણી ઊતરતું નથી
સપાટીથી નીચે
પુરાઈ ગયાં છે છિદ્રો
હવા-પાણીના આવાગમનનાં.

ઊંધમૂંધ બેઠો છું
ખોતરતો માટીને
ખોતરતાં ખોતરતાં જાણે
ઉલેચું છું આકાશ
ખોતરું
આંગળીઓથી માટી
ને
મસ્તકથી આકાશ
ચક્રવાત થઈ
ચડું
ઊતરું
ફંગોળાતો
અવકાશમાં.
વીંઝાય સબોસબ
ત્રિકમ-કોદાળી-પાવડા
ખોદાય માટી
થાય બધું તળેઉપર
થોડી નવી માટી
થોડું ખાતર
પવન અને પાણી
ધરતીનો ભેજ
આકાશનું તેજ
થતા રહે ભેળાં
બદલતું જાય બધુંયે પોત
ફૂટે બીજાંકુરો
વહી આવે પંખી
માટીના સ્મિત સમાં તરણાં
ટહુકાને તાંતણે
ગૂંથાતા રહે માળા
ચાસ-ઘાસ
પુષ્પ-ફળ-ધન-ધાન્ય
વૃક્ષો-વનો
ઝરણ-નદ-નદીઓ
પહાડ-ખીણ-મેદાનો
ગ્રામ-નગર
તોતિંગ મિનારા...
રચાતી રહે સૃષ્ટિ
ફરી ફરી
ખોદાતી માટી
વૃષ્ટિ-પૂર-પ્રકંપ-મરુતો-તાંડવ
ફરી ફરી
ખળભળે સમુદ્રો
ઊંચકાય હિમાલયો
જીવંત થાય જ્વાળામુખો
ફરી હળ
ફરી જળ.


આંગણાના ક્યારામાં
મહોર્યું છે એક વૃક્ષ
વૃક્ષને થડિયે માંડું કાન
ઝીલું ધબકાર
પામું
રેષાએ રેષાએ
સંખ્યાતીત વૃક્ષો
પર્ણે પર્ણે નયનો
પુષ્પ-પાંદડીએ મહેકે
મૂળ ભૂમિની મટી
માટીમાં ખૂંપેલી મારી કાય
વૃક્ષની ટગલી ડાળે
ફૂટેલી કૂંપળમાં રચ પચ
પાંખોનો ફફડાટ બનીને
ઊડે...