અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ આચાર્ય/અંધારું અને પ્રેમ


અંધારું અને પ્રેમ

રમેશ આચાર્ય

હું અંધારાના પ્રેમમાં છું,
આ વાતની જ્યારે મને
જાણ થઈ ત્યારે
ઘણું મોડું થઈ ગયું હતું.
પ્રથમ દૃષ્ટિનો પ્રેમ કહી શકાય
મારી બાએ
રૂની વાટથી પાડેલી મેશનું
મને પ્રથમ આંજણ કર્યું ત્યારે
એની શરૂઆત થઈ
કપાળના ખૂણે મેશનું ટપકું કર્યું ત્યારે
મારો અંધારા સાથેનો પ્રેમ
આગળ વધ્યો
બાળપણમાં પાછળથી આવી
મારા મિત્રે મારી આંખ દાબી હતી
અને થોડાં વરસો પછી મારી પ્રેમિકાએ
તેનું પુનરાવર્તન કર્યું ત્યારે
બેમાંથી કયું અંધારું વધારે ગાઢ હતું
એ હું આજે પણ નક્કી કરી શકતો નથી
અને એ પણ નક્કી કરી શકતો નથી
કે એ હાથ અંધારાના હતા
કે પ્રેમના...

(‘ઘર બદલવાનું કારણ’, પૃ. ૧૭)



આસ્વાદ: સ્નેહ અને તમસનું કૃતિમાં અદ્વૈત… – રાધેશ્યામ શર્મા

કવિજનોની અધિક સંખ્યા પ્રકાશને પ્રેમ કરવા કરતાં અંધકારને ચાહનારી લાગે. કવિશ્રી રાજેન્દ્ર શાહે અને અન્ય સર્જકોએ તમસ્ સાથે સ્નેહસંબંધ બાંધ્યો છે. એક કવિએ તો ‘શ્યામ રંગ સમીપે ન જાઉં’ પાત્રમુખે નેહહઠ લેવડાવેલી! ગૌર અને કૃષ્ણરંગની અદલાબદલી પણ કલ્પાયેલી.

અહીં કવિશ્રી રમેશ આચાર્યે પ્રકાશનું ‘ઘર બદલવાનું કારણ’ અંધારા સાથેનો પ્રેમ સૂચવ્યો છે. ૨૦૦૮માં તેમનો ૩જો કાવ્યસંચય ‘મેં ઇચ્છાઓ સુકાવી મૂકી છે’ વિલક્ષણ શીર્ષક વહી લાવ્યો, એ જ તરાહે વિશિષ્ટ નામ સાથે ‘ઘર બદલવાનું કારણ’ પણ આવ્યો.

જન્મકાળે બાળકનો પહેલો મુકામ અને મુકાબલો અંધારા સાથે માતાના ગર્ભઘરમાં હોય. મનીષીઓએ પ્રાર્થનાકવનમાં ગાન કરેલું. તમસ્‌માંથી જ્યોતિ પ્રત્યે ગતિની ઊંડા અંધારેથી પ્રભુપરમ તેજે લઈ જવાની સંભાવના વ્યક્ત કરેલી. પણ અહીં તો અંધારા સાથેનો પ્રેમનો નાતો છતો થયો છે. કહો કે આ કિસ્સામાં તેજની ઇચ્છાને કવિએ સુકાવા મૂકી દીધી.

શાથી?

સ્નેહસંલગ્નતા ગાઢ તિમિર સાથેની છે એની જાણ નાયકને ઘણી મોડી પડી. (મગર દેર આયે દુરસ્ત આયે… તો ઠીક હૈ; દેખિયે આગે આગે હોતા હૈ ક્યા?)

અંતે માલૂમ પડ્યું, ‘હું અંધારાના પ્રેમમાં છું.’ જન્મતાં જેને ગર્ભગૃહમાં છોડી દેવું પડ્યું એનું પુનઃ દૃશ્યસંધાન માતાના નિમિત્તે થયું.

પ્રથમ દૃષ્ટિનો પ્રેમ કહી શકાય. મારી બાએ રૂની વાટથી પાડેલી મેશનું મને પ્રથમ આંજણ કર્યું ત્યારે એની શરૂઆત થઈ

શિશુ માટે સર્વપ્રથમ પ્રેમપાત્ર હોય તો બા છે. મા છે. (‘મેરી પાસ મા હૈ’ યાદ આવે સંવાદકથન!) ‘લવ ઍટ ફર્સ્ટ સાઇટ’ની થીમનું જીવનદાયક પ્રસરણ તે આનું નામ. છોકરું નજરાઈ ન જાય માટે, એ બહુ સુંદર ન હોય તોયે કપાળના ખૂણે, ગાલે કે કાનની પછીતે મેશનું ટપકું કર્યા વગર મા જંપે નહીં.

ઇડિયસ કૉમ્પ્લેક્સનું વિધાયક રૂપ માના ખોળેથી ઉદરથી ઊછળી બાળનાયકના સમગ્ર ભવિષ્ય પર છવાઈ જાય અને પેલા અંધારા સાથેનો પ્રેમ આગળ વધે.

માતા પછી મિત્રનું પ્રેમરૂપ ઝલમલ્યું બીજી ગતિમય આ ઇમેજમાં. ‘બાળપણમાં પાછળથી આવી મારા મિત્રે મારી આંખ દાબી હતી.’

ઓચિંતા કોઈ આંખ દબાવી દે ત્યારે આંચકા સાથે આશ્ચર્ય–ભયનો મિશ્ર ભાવ તત્ક્ષણ કરી દે.

સ્નેહનું પહેલું સ્ટેશન મા, બીજું દોસ્ત અને ત્રીજું સ્ટેશન પ્રેમિકા.

ગાડીની ગતિ સાથે, જીવનપ્રવાસીઓનું પ્રેમપાથેય પ્રકાશ નહિ, અહીં અંધારું છે. તેજ નહિ, તમસ્ છે.

આ કાવ્ય–આકૃતિનું એ જ જીવાતુભૂત તત્ત્વ છે. માથી આરંભાઈ છેક પ્રેમિકા સુધી વહાલભર્યું અંધારું રેલાઈ આવ્યું. મિત્રની જેમ પ્રેમિકાએ પણ આંખ દબાવી અંધકારનું પૉઝિટિવ પ્રક્ષેપણ કર્યું. ત્યાં તુલના ટપકી પડી, ‘બેમાંથી કયું અંધારું વધારે ગાઢ હતું?’ આ અવઢવને કર્તાએ કૃતિની પરાકાષ્ઠામાં મૂકી એક રીતે પ્રેમતત્ત્વને અને અંધકારને એક સ્તરે સ્થાપવાનું શબ્દકર્મ કર્યું છે.

અને એ પણ નક્કી કરી શકતો નથી કે એ હાથ અંધારાના હતા કે પ્રેમના…

કવિને અંધારા સાથેનો જનમનાળ જેવો લગાવ છે, જે બીજી એક રચના ‘અંધારા સાથે અડપલાં’માં ખીલ્યો છે. ત્યાં અંધારાને ચંદનનું રૂપ ઘૂંટીને આપ્યું છે. અહીં મેશનું ટપકું થઈ નહીં, મંદિરનું તિલક કપોલપટ. શોભાવ્યું છે; ક્યાં?

સળીથી સામાન્ય લાગતી સ્ત્રીના ગાલે ટપકું કરો પછી તે તલ પર સમરકંદ–બુખારા ઓવારો.

(પૃ. ૬૦)

સમરકંદ–બુખારા ઓવારવાનો અધ્યાસ ભાવકને અન્ય કવિની રચના ભણી દોરી જાય, પણ મુમતાઝ બેગમ જેવી શ્રીમંત રૂપાંગનાને બદલે ‘સામાન્ય લાગતી સ્ત્રીના ગાલે’ તિલકટપકું કરવાનું ક્રાંતિકારી અડપલું રચનામાં ગૂંથીને કમાલ કરી છે!

આ કવિ શેક્સપિયરના ‘મેઝર ફોર મેઝર’ની એક ઉક્તિ પાસે ભાવકને દોરી જવામાં નિમિત્ત નીવડ્યા.

If I must die / I will encounter darkness as a bride, And hug it in my arms

(III. i. 81)

કવિશ્રી રમેશ આચાર્યે પણ ઉપર્યુક્ત રચનાઓમાં અંધકારનો આશ્લેષ–સપ્રેમ સિદ્ધ કર્યો છે. (રચનાને રસ્તે)