અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ આચાર્ય/પાથરણાવાળો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પાથરણાવાળો

રમેશ આચાર્ય

પોતાના કપાળ જેવડું પાથરણું પાથરી
બેઠો છે પાથરણાવાળો.
તેના પાથરણામાં
સૂપડી ભરાય એટલા કાતરા છે.
સૂપડું ભરાય એટલી કાચી બદામ છે.
સૂંડલી ભરાય એટલાં ગૂંદાં છે.
જેમને ખટમીઠી જિંદગી સદી ગઈ છે
તેઓ કાતરા લઈ જાય છે.
જેમને ગળામાં ડચૂરો વળે તો ઠીક રહે છે
તેઓ કાચી બદામ લઈ જાય છે.
જેઓ જિંદગીને ચીકાશ ગણી જીવે છે
તેઓ ગૂંદાં લઈ જાય છે.
સાંજ પડ્યે બધો માલ ખપી જાય છે.
ત્યારે તે પાસેની દુકાનેથી સો ગ્રામ ભજિયાં લે છે.
તેમાં તે તેની પત્નીની પસંદગીનાં
બટેટાંની પતરીનાં બે ભજિયાં નખાવે છે.
તેની દીકરીની પસંદગીનાં
મરચાંનાં બે ભજિયાં નખાવે છે.
મોટા દીકરીની પસંદગીનાં
વાટી દાળનાં બે ભજિયાં નખાવે છે.
નાના દીકરાની પસંદગીનાં
મેથીનાં બે ભજિયાં નખાવે છે.
તેની પોતાની કોઈ પસંદગી નથી.
પરબ, એપ્રિલ ૨૦૧૪