અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રવીન્દ્ર પારેખ/આરોઓવારો


આરોઓવારો

રવીન્દ્ર પારેખ

ખોબામાં ઝીલું તે તારો વરસાદ
અને આંખોમાં ઝીલું તે મારો,
તારો વરસાદ મને મધમીઠો લાગે
પણ મારો વરસાદ જરા ખારો
પછી ક્યાંય ન હો આરોઓવારો...
ઓણસાલ ચોમાસુ મારવાડી એવું
કે ખરચે છે માંડ જરા પાણી,
સૂરજ પર મૂકેલા પેણામાં જળની
જુવાર માંડ ફૂટે થઈ ધાણી,
ફોરાં તો ઝીલું ન ઝીલું ત્યાં છટકે
તો થાય આ તે વર્ષા કે પારો?
પછી ક્યાંય ન હો આરોઓવારો...
વાદળાંઓ છાણ જેમ રોજ નડે રસ્તે
તો દૂર કરે કોણ એવા ત્રાસને?
સાવરણું લઈને એક થાકેલી ભરવાડણ
વાળે છે આખા આકાશને,
જળની સળીનો માંડ ઢગલો ઉપાડે
ને માથે મૂકે કે છૂટે ભારો,
પછી ક્યાંય ન હો આરોઓવારો...