અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/બોલીએ ના કંઈ


બોલીએ ના કંઈ

રાજેન્દ્ર શાહ

બોલીએ ના કંઈ,
આપણું હૃદય ખોલીએ ના કંઈ, વૅણને ર્‌હેવું ચૂપ;
નૅણ ભરીને જોઈ લે, વીરા!
વ્હૅણનાં પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ!
વનવેરાને મારગ વિજન,
સીમ જ્યાં સૂની ગુંજતી કેવળ આપણું ગાયું ગાન;
ગામને આરે હોય બહુ જન,
લખનો મેળો મળીઓ રે ત્યાં કોણને કોની તાન?
માનમાં જવું એકલ વીરા!
તારલિયો અંધાર કે ઓઢી રણનો દારુણ ધૂપ!

આપણી વ્યથા,
અવરને મન રસની કથા, ઇતર ના કંઈ તથા.
જીરવી એને જાણીએ વીરા!
પ્રાણમાં જલન હોય ને તોયે ધારીએ શીતલ રૂપ!


(સંકલિત કવિતા, પૃ. ૨૧૪)



આસ્વાદ: હૃદયસાગરમાં લીન થતું વાણીનું વહેણ – હરીન્દ્ર દવે

વાણી એ કદાચ પ્રભુએ માનવીને આપેલી સૌથી મૂલ્યવાન ભેટ છે. છતાં લોકો એને સૌથી વધારે વિવેક વિના વેડફે છે.

વાણી આમ તો હોઠથી ઉચ્ચારાતી હોય છે. પણ તેના ધ્વનિમાં હૃદય પ્રકટ થઈ જતું હોય છે. કોઈકનો હેતાળ સ્વર આપણે સાંભળીએ ત્યારે આપણને જે સ્પર્શે છે તે હોઠનો ફફડાટ નહીં, હૃદયની ઉષ્મા હોય છે.

કવિ અહીં જ્યારે ‘બોલીએ ના કંઈ’ કહે છે ત્યારે ‘ન બોલ્યામાં નવ ગુણ’ ના વ્યવહારુ શાણપણની વાત નથી કરતા, એ તો આપણી વાણીનું સ્પંદન જ્યાં ઝિલાવાનું છે એની વાત કરે છે, જ્યાં આપણા શબ્દોનો મહિમા હોય ત્યાં જ એ ઉચ્ચારવાનો અર્થ છે. નહીં તો ચૂપ રહેવું જ વધારે સારું.

આ ‘ચૂપ’ શબ્દ પંક્તિના અંતે મૂક્યો છે એટલે અનાયાસ ‘વેને રેવું ચૂપ’ એ પંક્તિના અંતે હોઠ ભીડાઈ જાય છે. આમ શબ્દની ધ્વન્યાત્મકતા પણ અર્થમાં સથવારો આપે છે. વાણીના વરેણને વહાવતા પહેલાં એ કોઈ સાગર સાથે તાદાત્મ્ય સાધશે કે કૂવામાં પુરાઈ રહેશે એ જાણી લેવું જરૂરી છે.

વિજન રસ્તા પર આપણે હોઠની પાંખો પર શબ્દોને ગગનમાં વહેતા મૂકીએ ત્યારે આખી સીમ આપણી સાથે ગાવા લાગે છેઃ જ્યારે આપણી સાથે કોઈ જ નથી હોતું ત્યારે જ કોઈક ખરેખર સાથે હોય છે. ‘મોમિન’નો શેર છે—

તુમ મેરે પાસ હોતે હો ગોયા
જબ કોઈ દૂસરા નહીં હોતા!

એટલે જ વિજન સીમમાં આપણા ગીતનો જે પ્રતિધ્વનિ પડે છે એમાં મન વધારે આનંદ અનુભવે છેઃ બીજે પક્ષે લાખ લાખ માણસનો મેળો મળ્યો હોય ત્યાં કોઈને કોઈની પડી નથી. માણસ જ્યારે એકલો હોય છે ત્યારે તો સમગ્ર પ્રકૃતિ, બધું યે વાતાવરણ એની સાથે હોય છે પણ એ સમૂહમાં—મેળામાં હોય છે ત્યારે કદાચ સૌથી વધારે એકલો હોય છે.

એકલા જવાની કવિ વાત કરે છે ત્યારે એ એકલતા હંમેશાં સુખની એકલતા જ હોય એવું નથી. તારલિયો અંધાર હોય; એટલે કે માત્ર તારાના પ્રકાશે જ રસ્તો શોધવો પડે એવી અમાવાસ્યાની રાત્રિ હોય કે રણનો દારુણ અગ્નિ વરસતો હોય છતાં એકાકી રાહ જ ઉત્તમ છે એવું કવિને લાગે છે.

એનું કારણ સાચું પણ છે.

આપણે જેને ને તેને આપણી વ્યથાની વાત કરવા બેસીએ તો એને એમાં રસની કથા જ સંભળાતી હોય છેઃ એ રસથી વાત સાંભળે છે પણ એનો રસ કથા જાણવાનો, કુતૂહલનો છે. આપણા માટે જે હૃદયમાં શલ્ય સમાન પીડા હોય એનું અવરને મન રસપ્રદ કથાથી વધારે કંઈ મહત્ત્વ નથી હોતું.

પ્રાણમાં અગ્નિ પ્રકટ્યો હોય, છતાં આપણે શીતળ રહી શકીએ, શંકરાચાર્યની માફક અગ્નિને જીરવી શકીએ તો જ જીવનની સાર્થકતા છે.

વાણીનું વહેણ કવિ વહાવે છે. પણ એને શ્રદ્ધા છે કે એ માનવીના હૃદયરૂપી સાગર સાથે ભળી જવાનું છે. કવિની વાણીમાં અનુરોધ મૌનનો છે. એ માટે સહારો લીધો છે શબ્દનો. એટલે અનિવાર્યતા તો રહી જ.

પણ એ કેવા શબ્દો છે? હૃદયમાં શાશ્વત પ્રભાવ મૂકી જાય એવા. (કવિ અને કવિતા)