અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/તું બધું જાણે, સજન!
તું બધું જાણે, સજન!
રાજેન્દ્ર શુક્લ
જત જણાવાનું તને કે તું બધું જાણે, સજન!
અલ્પ અક્ષર જોઈને ઓછું રખે આણે, સજન!
શબ્દનું તો પોત તારાથી અજાણ્યું ક્યાં હતું,
છે જ એવા, અટકીને ઊભે ખરે ટાણે, સજન!
શું લખાતું એની તો પૂરી ખબર અમને નથી,
આ કલમ કંઈ આડીઅવળી લીટીઓ તાણે, સજન!
સાંજના કાગળ કલમ ને દોત લઈ બેઠા છિયે,
ને હજી તો વાટ સંકોરી રહ્યા વા’ણે, સજન!
કોઈ બીજાને કહું તો એ નકી હાંસી કરે,
આ વીતક તારા વિના તો કોણ પરમાણે, સજન!
(૧૧ જાન્યુ. ૧૯૭૮)