અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/स्तवन


स्तवन

લાભશંકર ઠાકર

ગો વિના તો વછ કિમ જીવિ વણ વારિ કિમ મીન?
આભ વિના પંખી નવ જીવિ શબ્દ વિના હું દીન.
તુંય વિના હું કહિ પિરિ જીવું? અદીઠ અપરંપાર!
આશા મોટી તાહારી મુજનિ જીવું તુજ આધાર.
અહર્નિશિ તુજ સ્વર સાંભળતો તોય કશો હદબાર,
મુખનું મહોરું હઠાવી મોહન દિયો દરસ દરબાર!
ક્ષણુ એક તારા વિના ન ચાલે, અકળવિકળ તુજ ફંદ.
પલ પલ તુજને આરાધું શે, છૂટે ન તારો છંદ?



આસ્વાદ: ‘સ્તવન’ વિશે – રમણ સોની

આ કાવ્ય પહેલી વાર ચાળીસ વરસ પહેલાં વાંચેલું. એ પછીય કેટલીક વાર વાંચવાનું થયું હશે. પણ આજે લખવાનું થયું છે એના વિશે, ત્યારે થયું કે સૌથી પહેલા વાચનનો કોઈ પ્રતિભાવ સ્મરણમાં સચવાયો છે ખરો? ગમેલું, એ સિવાય વિગતો તો કોઈ યાદ નથી — માત્ર, ‘અકળવિકળ તુજ ફંદ’ એ મનમાં જરાક વધારે છપાઈ ગયેલું — પણ ત્યારના લાભશંકર, એમની અ-રૂઢ કાવ્યછટાઓનો રોમાંચ થતો એ યાદ છે. છેક ૧૯૬૫થી, એમના ‘…રમ્યઘોષા’ સંગ્રહનાં સુડોળ શિષ્ટ છંદ-કાવ્યોથી અને કટાવમાં દોડતાં-ઊછળતાં તોફાની કાવ્યોથી લાભશંકરની હૃદ્ય કવિતાનો પરિચય થયેલો. એ દિવસો જ અમારા કાવ્ય-ચાકચૂર્યના! એ પછી ધીમે ધીમે કાવ્ય-ચીકાશ ને ખણખોદ-મૂલ્યાંકન આવતાં રહ્યાં, પણ કાવ્ય-પ્રીતિ અકબંધ રહી. એટલે લાભશંકરની તે વખતે દિશ-દિશમાં હરણફાળ ભરતી કવિતા ગમે; ગુજરાતી કવિતાનો મુખ્ય અવાજ બનતા ગયેલા કવિની કાવ્યછટાઓય ગમે, ક્યારેક નયે ગમે; વળી કાવ્યછટાઓને મિષે જ્યારે લા૰ઠા૰ કવિછટાઓ-સ્ટાઇલો-મારતા જણાય ત્યારે એ પ્રિય કવિ પર જરાક ખીજ ચડે, ને પછી તરત રમૂજ થાય — એમણે ક્યાંક લખેલું કે, ‘હું પછી દીધે રાખું છું.’ એની નીચે સહી કરવાનું મન થઈ જાય! પછી વળી થાય કે કવિ દીધે ન રાખે તો તો કાગળો કોરા જ રહી જાય; અર્થાત્, આ મુખરોક્તિ પાછળ ક્વચિત્ મર્મોક્તિ પણ સંભળાય. જોકે પછી તો લાભશંકરે બહુ લખ્યું બહુ લખ્યું બહુ લખ્યું! અમે પાછળ રહી ગયા, એટલે કે એમના શરૂઆતના (છ-સાત?) કાવ્યસંગ્રહોના જ પ્રેમમાં પડ્યા રહ્યા — હા ‘પ્રમત્તાવસ્થામાં નજર પણ’ નાખી એમની પછીની, છેક લગીની, કવિતા પર, કંઈક કંઈક…

આ કાવ્ય પર લખવાનું આવ્યું એટલે ‘બૂમ કાગળમાં કોરા’ (૧૯૭૪; અને આ બીજી આવૃત્તિ ૧૯૯૬)નાં બધાં જ કાવ્યોમાં લટાર લગાવી. અત્રે સમીક્ષા કે સર્વેક્ષણ નથી કરવાં પણ આ स्तवन કાવ્યના એક પાર્શ્વ દૃશ્ય તરીકે આ સંગ્રહ પર નજર કરું : એમાં ૪૦ રચનાઓ છે, ૧થી ૪૦ એમ આંકડાબદ્ધ છે. આ સંગ્રહમાં ત્રણ જ પંક્તિ અને નવ જ શબ્દોવાળું (કહો જોઈએ?) એક સૌથી નાનું કાવ્ય છે, ને ૭મા ક્રમવાળું કાવ્ય, अ, स्व, क, ख, એવા વિભાગો દ્વારા, ૭ પાનાંમાં વિસ્તરેલું સૌથી લાંબું કાવ્ય છે. કોઈ કહેશે કે આવી વિગતો આપવાનો શો અર્થ? તો કે લાભશંકરનું આવું જ છે. આખી ચોપડીને છૂટી પાડીને, પાનાં જો લાઈનસર ગોઠવીએ તો ટૂંકી-લાંબી રચનાઓની એક કાર્ડિયાગ્રાફિક આકૃતિ બને! વળી એમાં અદ્ભુત ને વળી અનદ્ભુત એમ બંને જાતની રચનાઓ છે — મજા તો સળંગ આવ્યા જ કરે…

હવે આ स्तवन કાવ્યમાં ‘શબ્દ’ અંગેની જે એક સંવેદના છે એ ‘બૂમ કાગળમાં કોરા’ની અનેક રચનાઓમાં કેવા કેવા મૂડ ધારણ કરીને આવી છે! આ બદલાતા મૂડ, તત્ક્ષણ સંવેદનો, લાભશંકરની કવિતાનું એક સ્થાયી લક્ષણ છે. જુઓ : જાણીતું, ને આજ લગી એવું જ તાજું ને સમર્થ રહેલું કાવ્ય — ‘ડોલ શબ્દની કાણી રે…’ અને તરત બીજું એવું જ માર્મિક ‘શબ્દ /વિશેષણની ચાદર ઓઢીને ઊંઘી ગયો છે ઘસઘસાટ/જગાડું એને?’ અને આગળ, આપણને, વાંચનારને આરંભે જ બેવડો ધક્કો આપતી રચના-પંક્તિઓ છે : ‘ચિરાઈ ગયો છે શબ્દ લોહીલુહાણ,’ અને આવી પૅથેટિક પંક્તિ પૂરી થતાં જ કવિ એક ઝાટકે આ લથપથ લાગણીમાંથી બહાર કૂદી આવે છે. કહે છે. (એનો) ‘કયા એંગલથી ફોટો પાડું?’ સંગ્રહને લગભગ સાવ છેડે એક રેખાંકન છે : ‘શબ્દની સપાટી પર કરચલીઓ પડવા માંડી છે.’ છેલ્લું કાવ્ય શીર્ષકવાળું છે : ‘કવિનું મૃત્યુ’. પણ એ શીર્ષક કાવ્યનો જ એક અકાટ્ય અંશ છે. વાંચીએ : ‘રૂંધાતા ગળામાંથી ઊંચકાઈને / ફફડતા હોઠ સુધી આવેલો / સૂકા કચડાતા પાંદડા જેવો / શબ્દોનો અસ્પષ્ટ લય / જરાક ઢોળાયો / અને…’

પહેલા, स्तवन કાવ્યથી ફરી શરૂ કરીએ તો — ‘… શબ્દ વિના હું દીન.’ હવે, આટલી બધી વાર લગાડીને, મૂળ स्तवन કૃતિની રચના પર આવું.

કાવ્ય બેચાર વાર ન વાંચીએ ત્યાં સુધી એ ‘આપણું’ થતું નથી — કાં તો પ્રિન્ટિંગ પ્રેસનું રહી જાય છે કે પછી કવિનું જ રહે છે. અને આપણે, જૂના જમાનામાં કહેવાતું એમ, ‘કવિને શું કહેવું છે?’ એમાં ને એમાં જ ફસાયેલા રહીએ છીએ…

કાવ્યની શબ્દરચના, આરંભે છેક જૂની ગુજરાતી પહોંચી જાય છે ને ૧૭મી સદીમાં પસાર થઈને આજની ગુજરાતી સુધી આવી જાય છે. કવિ-સ્તવન-પરંપરાનો આખો સમયપટ એકસાથે ઊઘડે છે. પણ પણછ પરનું તીર નવું/જુદું છે. દોહરો પણ જાણીતો છે — હેમચંદ્ર-ઉલ્લિખિતથી લઈને લાભશંકર (આદિ આધુનિક કવિ)-લિખિત સુધી.

સ્તવન જાણીતા દૃષ્ટાંતથી શરૂ થાય, ને પછી કવિ-કીમિયો આવે, એ મધ્યકાલીન રીતિ કવિએ સ્વીકારી છે. અહીં પણ એવાં જાણીતાં દૃષ્ટાંતો છે અને એ પંક્તિ લયપૂર્વક વાંચવાની મજા પડે છે : ‘ગો વિના તો વછ કિમ જીવિ વણ વારિ કિમ મીન?’ ‘આભ વિના પંખી…’ એ ચરણથી કવિ પોતે પ્રવેશે છે — કવિનો આર્ત ને આર્દ્ર સ્વર ઊઘડે છે : ‘શબ્દ વિના હું દીન.’ ‘મીન’ સાથે એનો પ્રાસ છે તે પેલા તરફડાટને સંભળાવી જાય છે. પ્રાસ ખાતર પ્રાસ તો આપણી (કે કોઈ પણ) ભાષામાં ઢગલાબંધ હોય છે. પણ મર્મ વિના પ્રાસ ફોગટ…

બીજો દુહો પહેલામાંથી ધ્વનિ-તંતુઓ લઈને રચાયો છે : ‘તુંય વિના હું કહિ પિરિ જીવું?’ એ ચરણ વાંચતાં જ ‘શબ્દ વિના’/‘તુંય વિના’ તથા ‘વછ કિમ જીવિ’/‘કહિ પિરિ જીવું’ એવા તાણા/વાણાને ગૂંથતો ભાતીગળ લય સંભળાય છે અને દેખા છે સ્તવનનો આરાધ્ય — ‘તું’. દેખા દે છે એટલે કે છે, અનુભવાય છે; ભલે ‘અદીઠ’ છે પણ ‘અપરંપાર’ છે.

આમ તો, પરંપરાગત સ્તવન(કાવ્ય)ના ઘણા ઘટકો અહીં હાજર છે. મધ્યકાલીન ભક્તિ-સંવેદન વાંચવું હોય તોય વાંચી શકાય એવું ચરણે-ચરણે સામે મળે છે. કશું તારવીને ટાંકવાનીય જરૂર નથી. કદાચ કોઈને ‘અકળવિકળ તુજ ફંદ’માં આ કવિ આધુનિક સર્જક તરીકે ફંટાતા હોય એવું ઘડીક લાગે, પણ તરત સ્મરણમાં નરસિંહ મહેતા ઝબકે — હા, નરસિંહે એમના આરાધ્યના અકળ અને વિકળ એવા સકળ ફંદની વાત અનેક વાર કરી છે.

પણ રચનાના ગુંફ વચ્ચે કાવ્યનું સંવેદન-કેન્દ્ર છે શબ્દ. ઉપર કહ્યું એમ, શબ્દની એમાં તીવ્ર આરત છે. કવિ-શબ્દ કે કાવ્યસ્વયમ્. કે સંસ્કૃત મીમાંસા કહે છે એ ‘કાવ્યપુરુષ’. પહેલાં એ સ્વર રૂપે (લય રૂપે) સંભળાય છે, સતત સંભળાતો એ અવાજ (શબ્દ એટલે મૂળે તો અવાજ, ‘ભગવદ્ગીતા’માંય છે એમ, स शब्दो तुमुलोङभवत्, એ અવાજ) — એ સ્વર — કવિસંવેદનના અર્થ/મર્મ સુધી આવે એ રીતે કવિ સ્તવે છે. કહે છે, સ્વર સંભળાય છે પણ, અરે હજુ જાણે મારી હદની, મારા કાવ્યાનુભવની બહાર છે; તો હે શબ્દ, એ રીતે મૂર્ત થાઓ — ‘મુખનું મહોરું હટાવી મોહન દરસ દિયો દરબાર.’ સાક્ષાત્-કાર વિના ભક્તને, તેમ કવિને જંપ નથી. (આ પંક્તિ પણ કેવી તો શ્રવણીય છે : ‘મુખનું મહોરું હટાવી મોહન’ અને પછી ‘દરસ દિયો દરબાર’.) જરાક વધારે અર્થ-મેળ(!) તરફ જવું હોય તો અવાજને શબ્દ-સક્રિય કરવાની આ, આરતભરી, પાડ્યા વિના ન જ ચાલે એવી બૂમ છે, એમ કહી શકાય. આપણે જોડી શકીએ — બૂમ, કાગળમાં, કોરા.

પહેલા ત્રણે દોહરા આમ, હવે ફરી એક વાર વાંચીએ એટલે મધ્યકાળની (અલબત્ત, એય જીવંત) પરંપરાની સમાંતરે આધુનિક કવિની — કવિમાત્રનીય શા માટે નહીં? — શબ્દ-સ્તુતિ નવા ગુંફિત રૂપે પ્રતીત થશે. લગાતાર પ્રાસ — અપરંપાર અને આધાર અને હદબાર અને દરબાર –; અને ‘અહર્નિશિ’, અને સૌને ગમી જાય એ ‘મોહન’ ‘(મોહન’ એટલા માટે છે કે એ સાક્ષાત્ નથી થતો ત્યારે પણ, ને થાય છે ત્યારે પણ એ મોહી લેનારો, આ-કર્ષક છે.) એ બધું મનને વળી વળીને રોમાંચિત કરે છે.

‘શબ્દ વિના હું દીન’ કહ્યું, ‘કહિ પિરિ જીવું?’ કહ્યું, જીવું તુજ આધાર’ કહ્યું — તે છતાં ફરી કવિ કહે છે ‘ક્ષણુ એક તારા વિના ન ચાલે.’ એકદમ સ્પષ્ટ, ચોખ્ખું, કાવ્યની બહાર પણ કહી શકાય એવું; કોઈ કહી શકે કે, હા, ગદ્યાળ વિધાન! આપણી ભાવકની વાચનામાં તો આ ચરણ પર પેન્સિલ પણ ફરી વળે, પાઠફેર કરી નાખવાનું મન થાય — એમ થાય કે, કવિ, તમે ચાર દોહરામાં થઈને ત્રણ વાર ‘તુજ’ લખ્યું તો અહીં ચોથી વાર પણ ‘તુજ’ લખવાની લય-જગા તો હતી; જેમ કે, ‘ક્ષણુ એક તુજ વિના ન ચાલે’ કે ‘ક્ષણુ એક તુજ વિણ નવ ચાલે’, એમ. ને કહેવાનું મન થાય કે કવિરાજ, તમારા ચરણને બદલે અમારા આ પાઠફેરમાં દોહરો પણ જરાક સરખો થાય છે.

હશે, કવિને ગમ્યું તે ખરું.

મૂળ વાત તો એ જ છે કે, તારા (=શબ્દના, કવિશબ્દના) ફંદ અ-કળ ને વિ-કળ છે; મોહન કહ્યો એટલે આવા ફંદ તો રહેવાના. પણ તોય, કે એટલે જ, તારા વિના ચાલતું નથી રે. પછી, છેલ્લે તો, કવિને વળી થાય છે કે આ હું પલેપલ તુજને શે [શેં?] આરાધું છું, શેં તારો છંદ છૂટતો નથી? કેવી રમ્ય અકળામણ છે — દયારામની ગોપીનેય થયેલી : મન કહે કે, પલક ના નિભાવું…

અહીં વળી મારામાંનો ભાવક (આ ‘મારામાંનો ભાવક’ એ જાણે કે લાભશંકરની જ મોનોપોલોઇઝ્ડ લઢણ…) એ ભાવક એમ વિમાસે છે કે આ છેલ્લી પંક્તિમાં અલ્પવિરામ ખોટી જગાએ તો નથી મુકાઈ ગયું ને પ્રેસથી? ‘પલપલ તુજને આરાધું શે, છૂટે ન તારો છંદ’ને બદલે હું તો આમ પણ વાંચું : ‘પલ પલ તુજને આરાધું, શેં છૂટે ન તારો છંદ?’ (૧૯૭૪ની પહેલી આવૃત્તિ જોવાની રહી ગઈ છે મારાથી. એની વાચનામાં આવું હશે?)

‘બૂમ કાગળમાં કોરા’નાં ૪૦ કાવ્યોનો પ્રારંભ स्तवनથી કવિએ કર્યો છે. ને પછી, એ પણ ઉપર કહ્યું એમ, અવાજથી શબ્દ સુધીના અનેક સંચારી ભાવોમાં — કષ્ટ, અકળામણ, જરીક નિરાશા, જરાક ભ્રાન્તિભંગ, વળી પ્રસન્નતા, વળી અંતિમ ઇચ્છામાં — એવી એવી મનમોહન કાવ્યરૂપ છટાઓ દાખવે છે! પછીના જ ‘પ્રસ્તાવના’ કાવ્યમાં છે એમ, ‘ડોલ શબ્દની કાણી’ છે ને ‘લાવી ભરચક પાણી પાણી રે’ની રમણીય ભ્રાન્તિ છે; અને એથી વારંવાર ‘ડોલ’ પાછી ‘ઊંડાં કૂવાનાં પાણી’માં નાખવાની છે — ‘ભરચક’ થવા માટે.

કવિપ્રવૃત્તિ કેવી તો અ-વિરત છે ને એથી જ કવિ-ભાવક માટે કેવી તો કષ્ટાનંદભરી છે! (‘પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ 2016’)