અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/ઘેટું છે


ઘેટું છે

લાભશંકર ઠાકર

ઘેટું છે. ઊઠતાં વાર લાગે.
પણ તને ઉઠાડ્યે છૂટકો.
તારી ઊન ઉતારવાની છે,
જેમ બધાંની ઉતારવાની છે તેમ.
સિઝન છે ઊન ઉતારવાની.
હા
આગળ ચાલે છે બધાં તેની પાછળ પાછળ ચાલ.
શિયાળે શીતળ વા વાય
ઠરી જાય ગાત્રો ડિમૉક્રસીનાં
તે પહેલાં
તારી ઢંકાયેલી ખાલને નગ્ન કરવાના સરિયામ સત્યમાં
તારો ફાળો
ઊનનો.
તારો મતાધિકાર ખાલ ઉતારનારાની પસંદગીનો.
એમાં તારી પાસે જ નથી તે ગુમાવવામાં ભય નથી.
તારાં ફાંફાં
એક ઘેટું બની રહેવાનાં અકબંધ રહેશે.



આસ્વાદ: એ કેવળ સ્વકેન્દ્રી કવિતાના કવિ નથી – પ્રવીણ પંડ્યા

ગુજરાતી સાહિત્યના સંદર્ભે ૧૯૨૦થી લઈને ૧૯૫૫ સુધીના સમયને વૈચારિક પ્રભાવને આધારે જો આપણે ‘ગાંધીયુગ’ કહેતા હોઈએ તો ૧૯૫૫થી લઈને ૧૯૮૦ સુધીના સમયને ભાષા-શૈલી-વિચાર અને રચનારીતિના આધારે ‘લાભશંકર યુગ’ કહેવામાં આપણે સહેજ પણ છોછ કે સંકોચ ન રાખવો જોઈએ. છંદાલંકારથી લદાલદ વિચારધારા, ઉપદેશ અને પ્રચારની મેદસ્વિતાથી અદોદળી બની ચૂકેલી ગાંધીયુગના બીજા છેડાને કવિતાને ભઠિયાર ગલીનાં ગંધ-ધુમાડા, ટોળા અને ઘોંઘાટમાં પ્રકટેલી કવિઓની નવી પ્રજાતિએ દુર્લભ વળાંક આપ્યો હતો. આ વળાંક ‘માણસની વાત’થી આરંભાયો હતો, ‘મહા માનવ’ની આસપાસ રાચતી કવિતાને લાભશંકર ‘અદના માણસ’ પાસે લાવીને ઊભી રાખે છે એ એમની કવિતાની વિલક્ષણતા છે. આપણે સહુ સહેજ થોભીને વિચારીશું તો આપણને ચોક્કસ એવું લાગશે કે સાહિત્યિક રીતે ઉમાશંકર પછી એમનાં કદ-કાઠીને આંબે એવું સ્વબળે પ્રકટેલું નામ એ લાભશંકર ઠાકર છે.

આપણે સહુ લાભશંકરને સ્વકેન્દ્રી અને વ્યક્તિલક્ષી કવિતાના જ કવિ ગણીએ છીએ. એમની કવિતા વિશે ખાસ કરીને ‘લઘરો’ અંગે એવી બુમરાણ પણ મચી કે તેઓ નકારના કવિ છે. એ જાતનો પણ નકાર કરે છે. મને ‘રે’મઠ અને હોટલ પોએટ્સ જેવાં જૂથ રચીને પોતાની વિશિષ્ટ અને વિલક્ષણ છાપ ઉપસાવવા મથતા અમારા પહેલાંની પેઢીના કવિઓમાં હંમેશાં કુતૂહલ અને શંકા બંને રહ્યાં છે. કુતૂહલ એ કારણે કે તેઓ સાહિત્ય- સર્જનમાં હંમેશાં નિતનવા અને ચોંકાવી મૂકે એવા પ્રયોગો અને વિધાનો કરતા, અને શંકા એ કારણે પણ રહ્યા કરતી કે આ જે કંઈ તેઓ પોતાના સર્જનમાં કે સાહિત્યના સંદર્ભે કહી રહ્યા છે એમાં તેઓ કેટલા ગંભીર છે? આમાં સ્વાનુભૂતિનું તત્ત્વ કેટલું અને આંધળા અનુકરણની ભેળસેળ કેટલી? મોટો કવિ એટલે પણ મોટો હોય છે કેમ કે એના હાથમાં શબ્દનો રણકતો સાચો સિક્કો હોય છે. લાભશંકરે અને પછી સિતાંશુએ આધુનિકતાનાં પ્રમુખ લક્ષણોને આત્મસાત્ તો કર્યાં જ છે પણ પ્રમાણિકતાથી નભાવ્યાંય છે, જેમ કે ધર્મ સંસ્થા માટેનો અને પોતે ધામિર્ક અર્થમાં આધ્યાત્મિક નથી એવો એમનો ચોખ્ખો નકાર ‘નરસિંહ મહેતા પુરસ્કાર’ના અસ્વીકારમાં પણ દેખાય, જ્યારે એમને અડીને ઊભેલા બીજા આધુનિકો એ પુરસ્કાર માટે પોતાનો ‘સ્વધર્મ’ (આધુનિકતાના પાયાના સિદ્ધાંતો) છોડીને લાગલા દોડી જતા પણ દેખાયા છે.

‘ઘેટું છે’ કવિતાનો આસ્વાદ કરાવતી વખતે આવી અને આટલી ભૂમિકા એટલે બાંધવી પડી કેમ કે લાભશંકરની આધુનિક અને ક્યારેક દુર્બોધ લાગતી કવિતાને સમજવાની ચાવી એમની ‘શબ્દશ્રદ્ધા’માં છે જે એમની રચનાને જીવંત બનાવે છે. ઘેટાં પર કવિતા તો આ પહેલાં પણ થઈ છે, કેટલાક અંધશ્રદ્ધાળુ આધુનિકોના ઇષ્ટદેવ એવા સુરેશ જોષીની ‘એક રાહ’ કવિતામાં પણ ઘેટાં અંગે આ પ્રમાણેની પંક્તિઓ જોવા મળે છે :

‘ઘેટાં અને બકરાંની રાહ / અંગે લગાડી બહુ રંગ છાપ, / જાણ્યા વિના કે શણગાર શાને / ચાલી જતી જોઉં હું કત્લખાને’ — અહીં સુરેશ જોષી ઘેટાં-બકરાને ‘ઇતર’ ‘ઉણાં’ અને ‘અજ્ઞાની’ ગણે છે. માણસપણાને ઘેટાંપણાથી છૂટું પાડવાનો પ્રયાસ કરે છે. એમના આ અભિગમથી તદ્દન જુદો અભિગમ લાભશંકરમાં છે. કાવ્યનો ઉપાડ જુઓ :

‘ઘેટું છે, ઊઠતાં વાર લાગે. / પણ તને ઉઠાડ્યે છૂટકો.’

અહીં ‘તને’ શબ્દ મહત્ત્વનો છે. લાભશંકર ઘેટાં માટે તને શબ્દ પ્રયોજે છે એનો અર્થ માત્ર અને માત્ર એ જ થાય કે આ ઘેટું લાભશંકર નામનો બીજા અનેક જેવો એક સામાન્ય માણસ છે અને કવિ લાભશંકર એને આ કહી રહ્યા છે. એમની પહેલાંના સુ. જો. અને પછીના મારા જેવા કવિ ‘ઘેટાં’ને કટાક્ષ, વ્યંગ અને ઉપહાસથી જાતથી અળગા કરી જુએ છે. આ દૃષ્ટિકોણમાં કવિ હોવાની ‘ગુરુતાગ્રંથિ’ પણ ભળેલી છે, પણ આપ જોઈ શકશો કે અહીં કવિ લાભશંકરને ઘેટાં માટે એવો કોઈ ભાવ નથી પણ એક પ્રકારનો સ્વીકાર છે. જન્મગત મળેલી ન ટાળી શકાય એવી ઘેટાંપણાની પીડા માટે ઊંડી કરુણા છે. અને એટલે લાભશંકર બ્લૅક હ્યૂમરના કવિ છે. આ બ્લૅક હ્યૂમર પણ આધુનિકતાની દેન છે. અહીં યુજિન આયોનોસ્કિના ‘રાહ્યોનોસિરસ’ના નાયક કે કાફકાના ‘મેટામોર્ફોસિસ’ના નાયકની સ્થિતિ પર જેમ પહેલા તમને સહેજ હસવું આવે પણ પછી તમને ખબર પડે કે આ તો મારી સ્થિતિ છે, આ તો હું જ છું — અને પછી તમારામાં જે કરુણા કે જીવન પ્રત્યે નિર્વેદ જાગે એ સ્થિતિ લાભશંકર પોતાની રચનાત્મકતા દ્વારા સર્જે છે. કેવો નમ્ર સ્વીકાર ‘ઘેટું છે. ઊઠતા વાર લાગે. પણ તને ઉઠાડ્યે છૂટકો.’ આ ‘છૂટકો’ શું છે? લાભશંકરના અનેક કાવ્યનાયકોમાં જીવનની સ્થગિતતા અને એકવિધતામાંથી છૂટકો મેળવવાનો ભાવ તીવ્રતાથી દેખાય છે. આ છૂટકો એટલે મધ્યકાલીન કવિતાનો મોક્ષ નથી પણ આધુનિક કવિતામાં ‘માણસ હોવાની’ જે પ્રકૃતિદત્ત પીડા મળી છે એમાંથી છૂટવાનો તલસાટ છે. અને એટલે જ કવિ કહે છે ‘તને ઉઠાડ્યે છૂટકો’ આ ઊઠવું પણ જાગવું છે. બીજા અર્થમાં જોઈએ તો માણસની નાગરિક તરીકેની અકર્મણ્યતા અને આળસ છે તેનો પણ એમાં નિર્દેશ છે.

‘તારી ઊન ઉતારવાની છે, / જેમ બધાની ઉતારવાની છે તેમ. સિઝન છે ઊન ઉતારવાની.’

ઠાકરસાહેબની કવિતાની બીજી મોટી ખાસિયત એ છે કે એમાં ગજબની સાહજિકતા અને તાજગી હોય છે. ઊંઘતા ઘેટાંને જગાડ્યા પછી કવિ હવે ઊન પર આવ્યા, ફરી અહીં એક બીબાંઢાળ જીવનમાં જડબેસલાક રીતે ફીટ થયેલા માણસની અકળામણને કવિ હળવાશથી નિરૂપે છે. આ ઊન શું છે? આ રચના મને એટલે પણ આકર્ષે છે કેમ કે પહેલી વાર લાભશંકર વ્યક્તિની પીડાને સામાજિક-રાજકીય રીતે જુએ છે. એટલે જ તો કહે છે :

‘હા / આગળ ચાલે છે બધાં એની પાછળ પાછળ ચાલ. / શિયાળે શીતળ વા વાય / ઠરી જાય ગાત્ર ડિમોક્રસીના / આ ઘેટાની વાતમાં ‘ઠરી જાય ગાત્ર ડિમોક્રસીનાં’ જેવું વાક્ય લોકશાહીને ગાત્ર તો આપે છે પણ થીજી ગયેલા! આ પંક્તિઓ પાસે ઊભા રહીને જોઈશું તો ખબર પડશે કે ડિમોક્રસીના ઠરી ગયેલા ગાત્ર એટલે સંવેદનશીલતા ગુમાવી બેઠેલી ડિમોક્રસી, એના ગાત્ર ઠરી જાય તે પહેલાં ઘેટાંએ કશુંક કરવાનું છે, શું? તો કહે કે :

‘/ તે પહેલા / તારી ઢંકાયેલી ખાલને નગ્ન કરવાના સરિયામ સત્યમાં / તારો ફાળો / ઊનનો. / તારો મતાધિકાર ખાલ ઉતારનારાની પસંદગીનો /’

શું આમ વારંવાર પોતાનું ઊન ઉતારવાથી અને ખાલ ઉતારનારા પસંદ કરવાથી થીજી ગયેલી ડિમોક્રસીના ગાત્રોમાં ગરમાવો આવશે?

અંતે કવિ કહે છે :

‘તારા ફાંફાં / એક ઘેટું બની રહેવાનાં અકબંધ રહેશે.’

‘ઘેટું છે’ એક નાનકડું કાવ્ય છે. પણ આ નાનું એવું કાવ્ય કર્મકાંડ બની ચૂકેલી લોકશાહીમાં નાગરિકમાત્રનાં ઘેટાં બની જવાની વ્યાપક પીડાને નિરૂપે છે. મોટો કવિ પોતાના પડછાયા બહાર ડાંફ ભરતો ચાલતો હોય છે એનું પ્રમાણ પણ આ કવિતા છે કેમ કે લાભશંકરને વ્યક્તિ-કેન્દ્રી કવિતાના કવિ કહેવામાં આવે છે પણ અહીં એ સમાજકેન્દ્રી અને નાગરિકકેન્દ્રી બને છે. મારી સામે ઊભેલા આદમકદ કવિ લાભશંકરને નમન. (‘પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ 2016’)