અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/શ્રાવણી પૂર્ણિમા


શ્રાવણી પૂર્ણિમા

લાભશંકર ઠાકર

ઘેરાયેલા સઘન નભમાં છિદ્ર થોડું પડ્યું ત્યાં
આકાશેથી રજતવરણું રેશમી વસ્ત્ર મોંઘું
આવ્યું નીચે ફરફર અહીં બારીની બ્હાર જોઉં
સામે પેલા ગડવર ઊભા વૃક્ષની ડાળીઓમાં
ગૂંચાતું ને ગહકી ઊઠતો મોર જંપી ગયેલો!
નીલા નીલા કમલસરમાં નાહીને શું અનંગ
ગોરું ગોરું બદન ઊતરે પૂર્ણિમાનું પ્રફુલ્લ!
કોઢે બાંધ્યા વૃષભ પર ત્યાં પૃષ્ઠભાગે પડે છે
જ્યોત્સ્ના મીઠી, જરીક દૂર ત્યાં ઓસરીમાં મૂકેલા
ખાલી બેડાં મહીં છલકતી ને દીવાલે અધૂરાં
છાયાચિત્રો મધુર રચતી ચાંદની સાવ ચોખ્ખાં.
શેરીમાં જે જલ ટપકતાં નેવલાં એક એક
ટીંપે ટીંપે અવ ટપકતાં ચાંદની શ્વેત શ્વેત!
રસ્તે વ્હેતાં જલ પ્રબલમાં શ્રી નિહાળું તણાતી
ગાત્રો ઢાળી શિથિલ, નમણી શ્રાવણી પૂર્ણિમાને!



આસ્વાદ: નભમાં છિદ્ર થોડું પડ્યું ત્યાં… – જયદેવ શુક્લ

શ્રાવણ વહી ગયો છે. વર્ષાનો સ્પર્શ વાતાવરણમાંથી હજી ઓસર્યો નથી. એક ઢળતી સવારે, અગિયારની આસપાસ કવિ લાભશંકર ઠાકરનો ફોન આવે છે. આરંભે જ હું કહું છું : ‘લાભશંકરભાઈ, આજે એક છંદોબદ્ધ કૃતિની પંક્તિઓ સંભળાવવાનું મન છે.’ તરત જ ઉત્તર : ‘હા, સંભળાવો.’ ‘શ્રાવણી પૂણિર્મા’ની ત્રણેક પંક્તિનો પાઠ કરું છું :

‘ઘેરાયેલા સઘન નભમાં છિદ્ર થોડું પડ્યું ત્યાં આકાશેથી રજતવરણું રેશમી વસ્ત્ર મોંઘું આવ્યું નીચે ફરફર અહીં બારીની બ્હાર જોઉં’

ઘેરા, ચુંબકીય સ્વરે લાભશંકર એમની અદામાં ‘ખરું ખરું’ બોલ્યા. ને વાતનો તંતુ જોડ્યો : ‘જયદેવ, અમે એમ.એ.ના વિદ્યાર્થીઓ નદીકિનારે પ્રવાસે ગયા હતા. ગુરુજી (ઉમાશંકર જોશી) પણ સાથે હતા. અવકાશ મળતાં તેમણે પૂછ્યું એટલે તાજી કૃતિ ‘શ્રાવણી પૂણિર્મા’નું મેં પઠન કર્યું. ગુરુજીએ રાજી થઈને તે ‘સંસ્કૃતિ’ માટે માગી હતી… તમારી જેમ મને પણ આ આ કાવ્ય પ્રિય છે…’ વગેરે…

વર્ષાઋતુની રાત્રિ હોય. આકાશ કાળાંઘેરાં વાદળોથી લચી પડ્યું હોય. હમણાં જ વર્ષા સર્વાંગે વરસી પડશે એવી આશા જાગી હોય ત્યારે, ક્યારેક એવું પણ બન્યું હોય કે થોડી પળોમાં વાદળો વિખરાય અને ચંદ્ર આપણી સામે હસી પડે! તો, ક્વચિત્ એવું પણ થયું હોય કે અનરાધાર વર્ષા અચાનક થંભી જાય, એ પછી તરત જ, વહેતા જળમાં ચંદ્ર જાણે પોતાનું પ્રતિબિંબ જોવા અકલ્પ્ય રીતે પ્રગટ થયો હોય! આવી જ કોઈ ક્ષણનું કાવ્યાંતરણ ‘શ્રાવણી પૂણિર્મા’ કૃતિમાં માણી શકાય છે.

કાવ્યની ચૌદમી પંક્તિમાંના ‘રસ્તે વ્હેતાં જલ પ્રબલમાં’ શબ્દો ધ્યાનમાં રાખી કાવ્યારંભ ફરી વાંચીએ છીએ ત્યારે સમજાય છે કે ધોધમાર વરસીને અચાનક થંભેલી વર્ષા પછી જે કાંઈ કવિએ સંવેદ્યું તે અહીં ઊઘડ્યું છે.

‘ઘેરાયેલા સઘન નભમાં છિદ્ર થોડું પડ્યું ત્યાં આકાશેથી રજતવરણું રેશમી વસ્ત્ર મોંઘું આવ્યું નીચે ફરફર અહીં બારીની બ્હાર જોઉં’

વર્ષા પછીની મેઘમણ્ડિત રાત્રિના આકાશમાં સહસા ‘છિદ્ર’ પડે છે. અને એ છિદ્રમાંથી રૂપેરી રેશમી વસ્ત્ર સરસરતું ને ફરફરતું પૃથ્વી પર છવાતું જાય છે. ઘેરાં વાદળોથી ખીચોખીચ આકાશમાંનાં થોડાં વાદળો ખસતાં ચંદ્ર પ્રગટ થયો છે અને ભીની ભીની ચાંદની વરસી રહી છે એવું ન કહેતાં કવિએ જે દૃશ્ય-કલ્પન પ્રયોજ્યું છે તે આપણા કાવ્યસાહિત્યમાં કદાચ પૂર્વે પ્રયોજાયું નથી. આકાશ અને પૃથ્વીને સાંકળતી આ પંક્તિઓ વાંચતાં મન બાળપણમાં પહોંચી ગયું. છાપરાનાં બે-ત્રણ નાનકુડાં કાણાંમાંથી રાતે કે દિવસે ઘરના કાતરિયામાં પડતાં ચાંદરણાં સાથે વિસ્મયથી રમ્યાનું સ્મરણ તાજું થયું. સંદર્ભ જુદો હોવા છતાં ગુરુદત્તની યાદગાર ફિલ્મ ‘કાગઝ કે ફૂલ’ના ગીત ‘વક્ત ને કિયા ક્યા હસી સિતમ’ના દૃશ્યાંકનમાં ઓરડામાં ઉપરથી પ્રકાશનો જે ધોધ પડે છે તે અવિસ્મરણીય.

કાવ્યની પ્રથમ ત્રણ પંક્તિમાં દૃશ્ય કલ્પનની સાથે જ શ્રવણ અને સ્પર્શનાં કલ્પનો પણ પ્રગટ્યાં છે. ‘રજતવરણું રેશમી વસ્ત્ર મોંઘું’ વાંચતાં જ આપણાં ટેરવાં ચાંદનીના રેશમી પોતને અડવા અધીર બને છે. આ રેશમી વસ્ત્રરૂપી ચાંદનીનો ફરફરાટ ઝીણા કાનનો ભાવક સાંભળી શકે છે.

આરંભની અઢી પંક્તિમાં નિરૂપાયેલા દૃશ્યને કાપીને કવિ દૃશ્યના દ્રષ્ટા — કાવ્યનાયકને ‘બારીની બ્હાર જોઉં’ શબ્દોથી પ્રત્યક્ષ કરે છે. અને તરત જ બીજો કાપ (કટ) આવે છે. કાવ્યનાયક ભાવકને સામેના જૂના, મોટા, ઘટાદાર વૃક્ષ (ગડવર)ની ડાળીઓ, પાંદડાં પર થતી ચાંદનીની છાયા-પ્રકાશની લીલાને, રેશમી વસ્ત્ર ‘ગૂંચાતું’ જાય છે દ્વારા સંકેતે છે. આમ, અહીં વિલક્ષણ અભિવ્યક્તિનું સાતત્ય માણી શકાય છે. પ્રથમ ખણ્ડને અંતે કવિ આ પ્રશાંત વાતાવરણને મોરની કેકાથી સ-જીવ બનાવી દે છે. લાભશંકર ઠાકરનો શબ્દ પ્રયોજીને કહું તો આ કેકારવ નીરવતામાં ‘કર્ણરસાયન’ બને છે. અહીં ફરી દૃશ્યમાં વધુ સ્પષ્ટ રૂપે શ્રાવ્ય પરિમાણ ઉમેરાય છે.

બીજા ખણ્ડની શરૂઆત કમલસરના વિશેષણ ‘નીલા’ની દ્વિરુક્તિથી થાય છે. પાણી પર ફેલાયેલાં નાનકા તરાપા જેવાં લીલાં કમળપત્રો અને વૃક્ષોની તળાવમાં પડતી છાયા ચાંદનીમાં લીલી-ભૂરી-કાળી લાગે એ સ્વાભાવિક છે. કમળતળાવમાં ચંદ્ર (ચંદ્ર અને આકાશ નિરવયવ છે માટે અનંગ)ને સ્નાન કરતો જોઈ ખીલી ઊઠેલી ગૌરાંગી પૂણિર્મા પણ સ્નાન કરવા ઊતરે છે. આવા રંગદર્શી આલેખન પછી કાવ્યનાયક ગમાણમાં ઊભેલા બળદના પૃષ્ઠ ભાગે પડતી ચાંદનીને ભાવકપ્રત્યક્ષ કરાવે છે. એમાં દૃશ્યને નોખા કોણથી રજૂ કરવાની સૂઝનો પરિચય થાય છે :

‘કોઢે બાંધ્યા વૃષભ પર ત્યાં પૃષ્ઠ ભાગે પડે છે જ્યોત્સ્ના મીઠી…’

હવે ચાંદની ગમાણમાંથી ખસીને ઓરસીમાં પડેલાં ખાલી બેડાં પર પડે છે. બેડાંમાં, બેડાં પર અને ઓસરીમાં રેલાતી ચાંદનીથી બેડાં છલકાઈ રહ્યાં છે એવું અનુભવાય છે. એ પછી ભીંત પર પડતાં વૃક્ષનાં, થડનાં, ડાળીઓ, પાંદડાંનાં ‘સાવ ચોખ્ખાં’ છાયાચિત્રો બતાવીને કવિ ચાંદનીની ઘટ્ટતાનો મહિમા કરે છે.

ચાંદનીનાં બીજાં આસ્વાદ્ય અને રમણીય રૂપો છેલ્લી ચાર પંક્તિમાં મળે છે તે જોઈએ.

‘શેરીમાં જે જલ ટપકતાં નેવલાં એક એક ટીંપે ટીંપે અવ ટપકતાં ચાંદની શ્વેત શ્વેત!’

વરસાદ વરસ્યા પછી નેવાં પરથી ધીમે ધીમે, એક પછી એક પડતાં ટીપાં પર ચાંદની ઝિલાતાં જાણે ‘ટીંપે ટીંપે’ ચાંદની ટપકી રહી છે! બારમી પંક્તિને અંતે ‘એક એક’, તેરમી પંક્તિની શરૂઆતમાં ‘ટીંપે ટીંપે’ અને અંતમાં ‘શ્વેત શ્વેત’ પદોનાં આવર્તન એક પછી એક પડતાં ટીપાંને તાદૃશ કરવામાં સહાયક બને છે. આપણા કાન જો સરવા હોય તો રસ્તા પર ટપકતી ચાંદનીનાં ટીપાંને સાંભળી પણ શકીએ.

‘રસ્તે વ્હેતાં જલ પ્રબલમાં શી નિહાળું તણાતી ગાત્રો ઢાળી શિથિલ, નમણી શ્રાવણી પૂણિર્માને!’

છેલ્લી — ચૌદમી અને પંદરમી પંક્તિમાં રસ્તે (અને વહેળાઓમાં) વેગે વહેતાં જળમાં શ્રાવણી પૂણિર્માની નમણી કાયા મસ્તીથી વહી રહી છે એવાં શૃંગારિક (ઇરોટિક) વર્ણનમાં રહેલું સજીવારોપણ માણી શકાય છે.

આ છંદોબદ્ધ કાવ્યનું પુદ્ગળ સોનેટનું હોવા છતાં પંદર પંક્તિ હોવાથી તેને સોનેટ કહી ન શકાય. અહીં ચૌદને બદલે પંદર પંક્તિ રચવાનો કોઈ અભિનિવેશ જણાતો નથી. કોઈ પણ પંક્તિ વધારાની લાગતી નથી. ‘શ્રાવણી પૂણિર્મા’ પૂર્વે રચાયેલું ઉમાશંકર જોશીનું ‘બળતાં પાણી’ પણ પંદર પંક્તિનું છે.

‘વહી જતી પાછળ રમ્યઘોષા’નાં ઘણાં કાવ્યોમાં કવિએ વિવિધ છંદોને પ્રવાહી બનાવી (ક્યારેક તો ચાર-પાંચ પંક્તિ સુધી) પ્રયોજ્યા છે. ‘શ્રાવણી પૂણિર્મા’ કાવ્યનો મંદાક્રાન્તા આરંભે તો એકી શ્વાસે વાંચવો પડે છે. છતાં ત્રીજી પંક્તિને અંતે પાઠકને શ્વાસ લેવાનું સ્થાન મળી રહે છે ખરું.

સમગ્ર કાવ્યની બાનીમાં ‘બદન’ શબ્દ ખૂંચે છે. પાંચમી અને ચૌદમી પંક્તિમાં આવતાં ‘શું’ અને ‘શી’નું પરંપરાગત અભિવ્યક્તિ સાથે સંધાન થાય છે. છઠ્ઠી અને સાતમી પંક્તિનો અન્વય રચવામાં ઝીણી તિરાડ રહી જાય છે એવું મિત્રો સાથેની ચર્ચા પછી પણ લાગે છે.

‘વહી જતી પાછળ રમ્યઘોષા’નાં અગિયાર કાવ્યો (પૃ. પાંચ, ઓગણીસ, એકત્રીસ, સાડત્રીસ, બેતાલીસ, પંચાવન, અઠ્ઠાવન, સાંઠ, ઓગણ્યાએંશી, છયાસી, અઠ્યાસી)માં કવિએ કાવ્યનાયકને બારીની બહાર જોતો નિરૂપ્યો છે એની નોંધ લઈએ.

કવિ લાભશંકર ઠાકરના પ્રથમ કાવ્યસંગ્રહ ‘વહી જતી પાછળ રમ્યઘોષા’ની ચર્ચામાં આ તાજપભરી કૃતિ લગભગ ઉપેક્ષિત રહી છે. (‘પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ 2016’)