અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર દવે/ભય ટળી ગયો


ભય ટળી ગયો

લાભશંકર દવે

આખો બરફનો પ્હાડ આજે ઓગળી ગયો,
મંઝિલનો જાણે કે મને રસ્તો મળી ગયો.

બીજું બધું તો ઠીક – હું મુજને મળી ગયો,
જીવન-મરણનો આમ કૈં ફેરો ટળી ગયો.

સંચારબંધીનો હતો વિસ્તાર તે છતાં,
સહુને ફરેબ આપીને હું નીકળી ગયો.

છે ગર્વ એને રૂપનો – મુજને સ્વમાનનો,
હું બંધ દ્વાર જોઈને પાછો વળી ગયો.

જેઓ મને લૂંટી ગયાં એનું ભલું થજો,
સારું થયું કે તસ્કરોનો ભય ટળી ગયો.

ઊપડે છે આપોઆપ કદમ એના ઘર ભણી,
સંકેત કેવો એમનો પગમાં કળી ગયો.

અસ્તિત્વ મારું આગવું કૈં પણ રહ્યું નહીં,
નીકળ્યો નદીની જેમ ને દરિયે ભળી ગયો.

સૂરજનો સામનો કરું એવું નથી ગજું,
મારા ગજા પ્રમાણે થોડું ઝળહળી ગયો.