અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વસંત જોષી/જંગલની રાત


જંગલની રાત

વસંત જોષી

ચડતી ઊતરતી ટેકરીઓના ઢોળાવ વચ્ચેથી
ચંદ્રના ઝાંખા અજવાસે
ચૂપચાપ પ્રવેશે છે
મારા ઓરડામાં
જંગલની રાત.
દૂર વહેતા ઝરણાનો અવાજ
ધીમો ધીમો સંભળાય
આખા ઓરડામાં સુગંધ ફેલાય
જંગલ ઓઢીને આવી
જંગલની રાત.
વાળની સુગંધથી
ઓરડો મઘમઘે
બહારના પવનમાં
ધીરે ધીરે ઓગળતી જાય
અંધકારના ટુકડાને મૂકી
ચૂપચાપ સરકી જાય જંગલમાં
ઓરડામાં ફેલાયેલી
સુગંધથી ઊકલતા ઘૂંટાતી જાય.
અંધકારની અડોઅડ રાતભર બેસી
જોયા કરું
ચડતી ઊતરતી ટેકરીઓના ઢોળાવે
ઝાંખા અજવાસે
જંગલની રાત.
એતદ્, ૨૦૩ જુલાઈ-સપ્ટે.