અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ અધ્વર્યુ/રાજગરો
રાજગરો
વિનોદ અધ્વર્યુ
ઘઉંના ખેતરમાં ઊગ્યો રાજગરો,
ઘઉંના ખેતરમાં ઊગ્યો રે લોલ.
રેશમને ફૂલડે ફાલ્યો, રાજગરા,
સુંવાળે ફૂમતે ફાલ્યો રે લોલ!
ઘઉં તો ઘૂંટણિયાં તાણે, રાજગરા,
તારી ઊંચેરી ડોક સોહે રે લોલ,
લીલુડા ખેતરે રાતી રાજગરા,
રૂપાળી કલગી મોહે રે લોલ.
માઘના પવન કૈં પીધા રાજગરા,
તારો તે મદ ના સમાતો રે લોલ,
જોજે જોબનને ઝોલે, રાજગરા,
અમથું અધિક હરખાતો રે લોલ.
ફાગણની ફૂંક બે’ક વાતાં, રાજગરા,
ઊડી સૌ ફૂમતાં જાશે રે લોલ,
ઊંચી આ કાય ઢળી જાશે, રાજગરા!
ઘઉંના ખેતર લ્હેરાશે રે લોલ.
આઘી બજારે જાતાં રાજગરા,
તારો તે ભાવ શો પુછાશે રે લોલ?
ઉપવાસી કોક લેશે રાજગરો,
ઘેર ઘેર ઘઉં મૂલવાશે રે લોલ!
(નંદિતા, ૧૯૬૧, પૃ. ૮)