અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શ્રીકાન્ત શાહ/દૃશ્ય


દૃશ્ય

શ્રીકાન્ત શાહ

ધૂળે રંગી કેડી અને અજાણી ધરતી
હિલચાલ વગર ઊભેલાં
સ્તબ્ધ ખેતરો.
ઝાડવાં આડેથી દેખાતું ગામ જાણે
સંકોડાઈ ગયેલું અને ગોટમોટ.
ભૂખરા આકાશે બે નાનકડાં ખેતર જેટલો
તાપણાંનો ધુમાડો.
ટેકરીઢાળની પીઠ ઉપર ઊગેલો
બેધ્યાન સૂરજ.
અને ઊનની ટોપી ઉપર દોડતા જતા
એક રજોટાયેલા છોકરાના
મોં ઉપર પડતું
તડકાનું રાતુંચોળ ટપકું — જાણે કે પોતીકું.
અને ક્યાંક દૂર
પડાવ માંડી પડેલા સરોવરના કાંઠે
એક ભાગેડુ શિયાળો અને સમણું.
(નવોન્મેષ, સંપા. સુરેશ જોષી, ૧૯૭૧, પૃ. ૩૭)