અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સરૂપ ધ્રુવ/છાવણી


છાવણી

સરૂપ ધ્રુવ

શહેર — વ્હેરાઈ ગયું છે, વ્હેંચાઈ ગયું છે છાવણીઓમાં.
આ છાવણીઓમાં નથી હણહણતા અશ્વો
કે નથી ખણકતાં શસ્ત્રો;
વીરને વિદાય આપતી વીરાંગનાઓ
નથી ઘોળતી કેસર-કંકુની કંકાવટીઓ
કે નથી ગણતી વિરહિણીઓ વીરની વાટ જોતાં
પીપળનાં પાન!
નથી સંભળાતાં ભાટ ચારણનાં પ્રશસ્તિગાન
કે નથી દેવાતાં સામસામાં આહ્વાન.
અને છતાંય તે
મહાભારત તો છેડાઈ ચૂક્યું છે પ્રત્યેક અંતરમાં.
સૌની અંદર ઊગી ઘયેલા ઓગણીસમા દિવસનીય
ભરબપ્પોનો અંધકાર, હૂહૂકાર કરતો
ઘરનાં થર ગોઠવી ર હ્ યો છે રણનાં.
અહીં ખુલ્લી ઓસરીઓમાં
અને ઉધાડા મંડપો નીચે
ઊગી ગયેલી ચુપકિદીના માથાબૂડ ખડમાં ખોવાયેલી
સૉય નામે સલામતીને શોધતી
આ ઉઘાડી ફટ્ટાક આંખો
રાતદિવસ ઝંખે છે —
આ ફાટીને ફૂર્ચા થઈ ગયેલા તંબુની એક એક ચિંદી
વીણી વીણીને એને સાંધીસૂંઘીને સમો કરવા... પોતાનો કરવા.