અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/મૃત્યુ — એક સરરિયાલિસ્ટ અનુભવ


મૃત્યુ — એક સરરિયાલિસ્ટ અનુભવ

સિતાંશુ યશશ્ચંદ્ર

ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા
કાળા ડમ્મર ઘોડા ધોળે ખડકાળે રથ જોડ્યા.

ભડક્યા સામી છાતી, અડધાં કરું બંધ જ્યાં કમાડ
ધડ ધડ ધડ ધડ ધડ આવી સીધા અથડાયા ધાડ.
પાંપણ તોડી તોડ્યા ખડકો
ખોપડીઓને ભુક્કે ઊંડે આંખ મહીં જઈ પોઢ્યા.

સેળભેળ ભંગાર પડ્યો ત્યાં ગોળ ગોળ હું ફરું
મારી ને ઘોડાઓની ફાટેલી આંખે લળી ડોકિયાં કરું
અંદરથી ત્યાં
ક્યાં? ક્યાં? ક્યાં? ક્યાં?
ખરી પછાડી, પુચ્છ ઉછાળી દોડ્યા
ડમ્મર, ધોળા ઘોડા, કાળે ખડકાળે રથ જોડ્યા.
(ઓડિસ્યુસનું હલેસું, પૃ. ૧૭)