અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/રાખજો


રાખજો

સુધીર પટેલ

હા, તમે ખુદ પ્રેમ જેવું કૈં કરેલું રાખજો,
સ્વપ્ન હો તો સ્વપ્નથી પણ મન વરેલું રાખજો!

કોઈ સંભારે કદી એવું કહેલું રાખજો,
–ને ગડી વાળી મૂકે એવું લખેલું રાખજો!

કાન તો શું, જીવ પણ કોળી ઊઠે એ યાદથી;
ક્યાંક પણ કોઈનું એવું સાંભળેલું રાખજો!

આકરા કૈં તાપમાં કરશે મીઠો એ છાંયડો,
વૃક્ષ જેવું ભીતરે બસ ઊછરેલું રાખજો!

આંખ તો છલકી જશે એની લઢણ મુજબ સદા,
લાગણીથી આપણે બસ મન ભરેલું રાખજો!

વાર-તહેવારે પછી અવસર બની ઝૂલી જશે,
જિંદગીમાં પર્વ કોઈ ઊજવેલું રાખજો!

કોઈ છાનું આવી હસ્તાક્ષર કરી જાશે ‘સુધીર’,
ડાયરીનું એક પાનું વણલખેલું રાખજો!

(જળ પર લકીર)