અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિલાલ હ. ધ્રુવ/વિકરાળ વીર કેસરી

વિકરાળ વીર કેસરી

હરિલાલ હ. ધ્રુવ

[સ્રગ્ધરા]




ઘુ ઘ્ઘૂ ઘૂ ઘૂ ઘુઘવતી! ગહનગિરિ, ગુફા, કાનને ગાજિ ઉઠે!
પ્હાડોએ ત્રાડ તોડી ગગન ઘુમિ જતી, આભના ગાભ છૂટે!
ઊભી છે પિંગળા શી ચટપટિત સટા! પુચ્છ શું વીજ વીંઝે!
સ્વારી એ કેસરીની! ત્રિભુવનજયિની ચંડિકા એથી રીઝે!


એ તે શું નાદ કેરો અવિરત ઝરતો ધોધ આફાટ ફૂટ્યો!
કે એ શું ગર્જનાનો ત્રિભુવન દળતો ગેબી ગોળો વછૂટ્યો!
વર્સે શું વહ્નિ કર્શે નયન પ્રજળતાં! વજ્ર પંજે અગંજે,
હા હા શું રંજ? અંજે હૃદય ભડકતાં શૂરનાં ચૂર ભંજે!


ઝંઝાવાતે ઘુમાવી અતળ વિતળ સૌ એક આકાશ કીધું!
ઉલ્કાપાતે ઘુમાવી તિમિર મિહિર સૌ ઘેરિ એ ઘોળિ પીધું!
શસ્ત્રાઘાતે ચલાવ્યું શરવહ્નિ ઝરે લોહિનું સ્રોત સીધું!
ડોલ્યું સિંહાસને રે? નૃપમુકુટ પડ્યો! ક્રાંતિએ રાજ્ય લીધું!


કો’ કો’ કોની સહાયે! સહુ ભય વનમાં ભ્રાંતિમાં ભીરૂ ભૂલ્યાં!
સંરક્ષે કોણ પક્ષે? મરણશરણમાં લક્ષ લક્ષેય ડૂલ્યાં?
તે’ તે’ તે’ કેસરી તે’ તડુકિ તળપિ તે’ છિદ્ર છિદ્રે વિંધાવી.
સંકોડી અંગ અંતે રૂધિરઝરણમાં ભિષ્મ-વૃત્તિ સુહાવી!


(અનુષ્ટુપ છંદ)


વીર શ્રી ધન્ય એ ભક્તિ! ધન્ય પ્રૌઢ પરાક્રમ!
અખંડોદ્દંડ સામ્મ્રાજ્ય કેસરી વન-વિભ્રમ!!!