અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/હોઠ મલકે તો

હોઠ મલકે તો

હરીન્દ્ર દવે

હોઠ મલકે તો મોટી મહેરબાની
         સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
         મુલક ક્યાંક દીઠો લાગે!

સંગાથે હોય ત્યારે અટવાતાં ચાલીએ
         કે એકલાનો રાહ એકધારો,
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
         ભલે આઘો ઠેલાય આ કિનારો!

મધમીઠો નેહ તારો માણું
         સંસાર આ અજીઠો લાગે.
રાત આખી સૂતો ક્યાં સૂરજ સવારે
         એની આંખમાં ઉજાગરાની લાલી,

લથડીને ચાલતી આ ચંચલ હવાનો હાથ
         ઊઘડેલા ફૂલે લીધો ઝાલી;
તારી આંખના ઉજાગરાનો
         છલકાતો રંગ જો મજીઠો લાગે!




હરીન્દ્ર દવે • હોઠ મલકે તો • સ્વરનિયોજન: માલવ દિવેટિયા • સ્વર: આનતિ શાહ