અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હર્ષદ ત્રિવેદી /એમ મારે જવાનું


એમ મારે જવાનું

હર્ષદ ત્રિવેદી

આખેઆખું નગર ઊપડે એમ મારે જવાનું,
ને રસ્તાને ખબર ન પડે એમ મારે જવાનું.

મુઠ્ઠી ખોલી સકળ સપનાં આંખમાં આંજવાનાં,
ને આંખોને અમલ ન ચડે એમ મારે જવાનું.

ધીમે ધીમે અચરજભરી રાત ઉછેરવાની,
ને મધ્યાહ ને કણ કણ જડે એમ મારે જવાનું.

મારી પાસે અલસગમના જિંદગી, જીવવાનું;
ને ખિસ્સામાં સ્મરણ ખખડે એમ મારે જવાનું.

ઊભાં ઊભાં વિવશ નજરે દાડતાં દૃશ્ય જોઉં,
ને દોડું તો ચરણ લથડે એમ મારે જવાનું.

સંધ્યાટાણે સતત બજતા ઘંટ જેવી ક્ષણો આ,
ને શ્વાસોને સમય કરડે એમ મારે જવાનું.
(એક ખાલી નાવ, ૧૯૯૧)