અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હસમુખ મઢીવાળા/એ...

એ...

હસમુખ મઢીવાળા

અલ્લામિયાંને દૂરથી મારા સલામ છે,
એના ને મારા બેઉના જુદા મુકામ છે.

એ રામ હો, કે હો રહીમ, કે એ ઇમામ હો,
મક્કા, મદીના, કાશી સૌ એનાં જ ધામ છે.

ભાષા હંમેશાં ભિન્ન ભિન્ન બોલતો રહ્યો,
ગીતા, કુરાન, ગ્રંથ સૌ એના કલામ છે.

કેવાં ધરે છે રૂપ એ એની ખબર નથી,
ક્યારે એ કાલીદાસ તો ક્યારે ખયામ છે.

એ કોઈનો સાહેબ નથી, શેઠ પણ નથી,
લેકિન ખલક આ સારીયે એની ગુલામ છે.

ઘોડો નથી, ગાડી ની કે ચક્ર પણ નથી,
એને જ હાથ તે છતાં સૌની લગામ છે.

સ્થાપ્યું નથી કો રાજ્ય કે એ રાજવી નથી,
તોયે અનોખા દોર ને નોખા દમામ છે.

એને પુકારવો કહો કેવા તે નામથી,
એના સહી, ગલત અને જાલીય નામ છે.

કોઈ ગુનો કર્યો નથી તોયે ફરાર દોસ્ત!
સરનામું એનું શોધવું મુશ્કેલ કામ છે.