અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હેમેન શાહ/આઠ ત્રિપદી


આઠ ત્રિપદી

હેમેન શાહ


વૃક્ષને તાજા પવનનો કેફ છે,
પથ્થરો પર કંઈ અસર થાતી નથી
એ ઋતુના ચક્રથી વાકેફ છે.


વ્યસ્ત બહુ લાગે છે આજે વાયરા,
મોગરો, ચંપો, જૂઈ પાસે લીધાં
કેટલાં ફોરમ તણાં સંપેતરાં.


બેસતાં ગભરાય એ સંભવ નથી,
પીઠ હો એ ભેંસની કે સિંહની,
દેવચકલીને કશી અવઢવ નથી.


વેશભૂષાથી કદી પરખાય છે?
આ સમય ચાલાક છે બહુરૂપિયો.
ક્યાંક સાબર, ક્યાંક ગોકળગાય છે.


ડેલી એ કાળી હતી, ઊંચી હતી,
રત્નમંડિત ભવ્ય દરવાજો હતો,
ને ઉષાની સોનેરી કૂંચી હતી.


વહીવટ બધો કોણ નક્કી કરે?
કયું પાન ખરશે? કયું બી ફળે?
કયો છોડ ક્યારે તરક્કી કરે?


જીવન અલ્પ ને લાગે પામર ભલે,
રહે ઘાસ હંમેશ આનંદમાં,
બધી કોર વૃક્ષો કદાવર ભલે.


કાલ મળશે પડેલો શેરીમાં,
એની ચિંતા કર્યા વગર હમણાં
ચાંદ ઝૂલે છે નાળિયેરીમાં.