અલ્પવિરામ/પ્રતીતિ

પ્રતીતિ

અચાનક જ આમ આ પ્રગટ એક આનંદની
ઘડી, દિન અનેકનું સતત મૌન મારું શમે,
ક્ષણેક અવકાશમાં વિહગ સ્હેજ આવી રમે,
યથા વિજનમાં સુણાય પગલાં, કડી છંદની.
ક્ષણેક મુજ શક્તિ તો પરમ કોઈ સર્જક સમી,
અનેકવિધ વિશ્વ હું અવ રચું, ઉથાપું અને
ફરી રચું, ઉથાપું, કોણ પૂછનાર સત્તા મને?
સ્વયં વિધિ પરેય તે વિજયપ્રાપ્તિની તક સમી.
ન આજ લગ હું હતો મૃત, ન’તો ત્યક્ત હું,
સગાં, સ્વજન, મિત્ર પાસ રસ, પ્રેમ લૂંટ્યો હતો,
અને જગત નિંદતાં પણ ન ક્યાંય ખૂટ્યો હતો,
વળી કુદરતે હતો પ્રથમથી જ આસક્ત હું!
ઋણી છું સહુનો, છતાં ન ક્ષણ આ તમા અન્યની,
પ્રતીતિ મુજને મળી સકલ આત્મચૈતન્યની.