અવલોકન-વિશ્વ/કવિને પામવાની શક્યતાઓ – રાકેશ દેસાઈ

કવિને પામવાની શક્યતાઓ – રાકેશ દેસાઈ


9-Stepping-Stones-Cover.jpg


Stepping Stones: Interviews with Seamus Heaney
Dennis O’Driscoll. Farrar, Straus and Giroux, New York, 2008
‘સ્ટેપિંગ સ્ટોન્સ’(પગથિયાં) આયર્લેન્ડના જ એક ઉત્તમ કવિ ડેનિસ ઓ’ ડ્રિસકોલ દ્વારા આયર્લેન્ડના મહાકવિ શેઇમસ હીનિના લેવાયેલા મુલાકાત-સંવાદનું પુસ્તક છે. આયર્લેન્ડ એ સંકુલ ઇતિહાસનો દેશ છે, ને ઇતિહાસ સર્જનારા લેખકોનો પણ. આધુનિક સમયમાં ડબલ્યુ. બી. યેટ્સ(કવિ), જેમ્સ જોઇસ(નવલકથાકાર) અને સેમ્યુઅલ બેકેટ(નાટ્યકાર) જેવા મૂળ આયર્લેન્ડના તરત મોઢે ચઢી આવતા સમર્થ આધુનિક સાહિત્યકારોનાં નામોમાં હવે કવિ શેઇમસ હીનિ (1939-2013)નું નામ પણ ઉમેરાય છે. આમ તો આ કવિ નાટ્યકાર, અનુવાદક ને આમંત્રિત પ્રાધ્યાપક પણ ખરા, પણ એ ઓળખાયા ને પોંખાયા તો આયર્લેન્ડના ગ્રામ્ય પરિવેશ ને એના ભાતીગળ ઇતિહાસને ઉજાગર કરતી એમની માટીમેલી કવિતા દ્વારા. અમેરિકન કવિ રોબર્ટ લોવેલના મત મુજબ એ યેટ્સ પછીના સૌથી મહત્વપૂર્ણ કવિ છે. એમને મળેલાં અનેક પુરસ્કારો ને સન્માનોમાં સાહિત્ય માટેનો 1995માં મળેલો નોબેલ પુરસ્કાર પણ છે. એમનો જન્મ ઉત્તર આયર્લેન્ડમાં કાઉન્ટ ડેરીમાં ખેતીના વ્યવસાય પર આધારિત, સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા કુટુંબમાં થયો. શેઇમસ હીનિ બેલફાસ્ટમાં ક્વીન્સ યુનિવસિર્ર્ટીમાં 1957માં અંગ્રેજી ભાષા અને સાહિત્ય સાથે સ્નાતક થયા, અને 1961માં ટીચર્સ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા. આ સમયગાળા દરમ્યાન તેમણે આઇરિશ કવિ પેટ્રિક કાવના (1904-1964)ની કવિતાથી પ્રેરાઈને કાવ્યલેખન શરૂ કર્યું. તેઓ યુ.એસ.ની હાર્વર્ડ યુનિવસિર્ર્ટીમાં 1981થી 1997દરમ્યાન પ્રફેસર તરીકે અને 1988થી 2006દરમ્યાન પોએટ ઇન રેસિડન્સ તરીકે આમંત્રિત થઈને નિમણૂક પામ્યા. ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવસિર્ર્ટીમાં પણ તેઓ 1989થી 1994દરમ્યાન પ્રફેસર ઓવ પોએટ્રી તરીકે નિમંત્રિત થયા અને નિમાયા. એમના સાહિત્યસર્જનમાં 12કાવ્યસંગ્રહો, 3ગદ્યસંચયો, 2નાટકો અને લગભગ 13અનુવાદોનો સમાવેશ થાય છે.
*

આ પુસ્તકની ‘ભૂમિકા’માં ઓ’ડ્રિસકોલ જણાવે છે કે ઇંગ્લેન્ડના કવિ અને વિવેચક ઇઅન હેમિલ્ટનના મત મુજબ શેઇમસ હીનિ જીવિત કવિઓમાં જેના સૌથી વધુ ઇન્ટરવ્યૂઝ લેવાયા હોય તેવા કવિ છે (the most over-interviewed of living poets ‘ઇન્ટ્રોડક્શન’, x) છતાંયે ઓ’ડ્રિસકોલને ઇન્ટરવ્યૂઝ દ્વારા હજી પણ શેઇમસ હીનિને વધુ પામવા-જાણવાની અનેક શક્યતાઓ દેખાય છે, અને આ ઇન્ટરવ્યૂઝ વાંચ્યા પછી ઓ’ડ્રિસકોલ નિ:શંકપણે સાચા પડતા પણ લાગે છે. પુછાયેલા પ્રશ્નો અને પૂરક પ્રશ્નો શેઇમસ હીનિ જેવા મહાકવિની ચેતના;કવિજીવન અને કવિતા વચ્ચેના અર્થપૂર્ણ શક્ય સંબંધો; સાહિત્ય અને સાહિત્યેતર વાઙ્મયો (discourses)ની આંતરક્રિયાઓ જેવા સાહિત્ય અને વિવેચનના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને પણ સ્પર્શે છે, જે પ્રશ્નકર્તા કવિ ઓ’ડ્રિસકોલની સંવેદનશીલ તેજસ્વીતા દર્શાવે છે. સામે પક્ષે ‘કવિ’ની કોઈ પણ તૈયાર પરિભાષામાં પડ્યા વગર પ્રામાણિક આંતરિક શોધના રૂપે ઉત્તરો આપનાર શેઇમસ હીનિ એમની આંતરસૂઝનો તથા વિચાર અને ભાષાને સહજ અને ત્વરિત રીતે સંયોજતી એમની પુખ્ત પ્રખર પ્રજ્ઞાનો સતત પરિચય આપતા રહે છે. લગભગ પાંચસોથી વધુ પાનાંનું આ પુસ્તક ‘બેરિંગ્સ’, ‘ઓન ધ બુક્સ’,અને ‘કોડા’ એવા ત્રણ વિભાગોમાં વિભાજિત છે, જેમાં વચલો વિભાગ મોટા ભાગના પુસ્તકને અંકે કરે છે. ‘બેરિંગ્સ’માં શેઇમસ હીનિના શૈશવ, શાળાજીવનના અનુભવો વિશેની પ્રશ્નોત્તરી છે. આ પુસ્તકનો સૌથી પહેલો પ્રશ્ન હીનિના કાઉન્ટ ડેરીની વાડીમાં થયેલા જન્મ અંગેનો છે. ‘ઓન ધ બુક્સ’ એમના જીવાતા જતા જીવન અને તબક્કાવાર પ્રગટ થતા કાવ્યસંગ્રહોને હકીકતો અને અર્થઘટનોના આધારે સાંકળીને પ્રશ્નોત્તરી રૂપે સમજવાનો એક માતબર મનોયત્ન છે. ‘કોડા’ તત્કાલીન તથા પ્રકીર્ણ મુદ્દાઓને આવરી લે છે. પુસ્તકના અંતે શેઇમસ હીનિ લિખિત પુસ્તકો અને તેમના લેવાયેલા ઇન્ટરવ્યૂઝની સૂચિ, અને હીનિ સાથે સંપર્કમાં આવેલાં લેખકો, વિદ્વાનો, કલાકારોની સૂચિ ‘(બાયોગ્રાફિકલ ગ્લોસરી’) અભ્યાસીઓને ઉત્તમ સામગ્રી પૂરી પાડે છે.

આ પુસ્તકના આરંભે ‘ઇન્ટ્રોડકશન’માં ઓ’ડ્રિસકોલ જણાવે છે તેમ એમની મૂળ યોજના તો દર અઠવાડિયે કોઈ ચોક્કસ દિવસે હીનિનો ઇન્ટરવ્યૂ લેવાની હતી, પણ મોટા ભાગના ઇન્ટરવ્યૂઝ શેઇમસ હીનિની વિનંતીને માન આપીને લેખિત સ્વરૂપે પત્રવ્યવહાર દ્વારા યોજાયા છે. સાહિત્યિક અને શૈક્ષણિક પ્રવાસો નિમિત્તે અન્ય દેશ-વિદેશમાં વ્યસ્ત રહેતા શેઇમસ હીનિ માટે કદાચ આ રીતે જ એ શક્ય હતું. ઓ’ડ્રિસકોલ યોગ્ય રીતે જ નોંધે છે કે,

Writers are not necessarily articulate simply because language is their stock in trade. If poets spoke poetry, they would not need to write it; if the poems they wrote in the heat of creation attained instant perfection, they would not need to be repeatedly revised, rethought and rewritten.) ‘(ઇન્ટ્રોડકશન’,પૃ. x) (ભાષા લેખકોનું વ્યાવસાયિક સાધન હોય છે, પણ એથી જરૂરી નથી કે લેખકો પોતાની વાત સારી રીતે કહી જ શકે. જો કવિઓ કવિતા જેવું બોલી શકતા હોત, તો એમને એ લખવાની જરૂર ન પડત. જો સર્જનપ્રક્રિયાની ઉષ્મામાં તેમણે લખેલાં કાવ્યો પૂર્ણતા સિદ્ધ કરી જ લેતાં હોત તો તે કાવ્યોને ફરીથી બદલવાની, ફરીથી તેમનાં વિશે વિચારવાની અને તેમને ફરીથી લખવાની જરૂર ન પડત.)

છતાં પણ,એ આગળ નોંધે છે તેમ, હીનિના રેડિયો પરના ઇન્ટરવ્યૂઝ અને એમણે જાતે લખેલા પત્રો એમના એ સામર્થ્યની શાખ પૂરે છે કે, at once spontaneous and shapely, playful and profound, beautiful and true. ‘(ઇન્ટ્રોડકશન’, x). (એમનાં વાક્યો એકીવખતે સ્વયંસ્ફુરિત તથા ઘાટીલાં, રમતિયાળ તથા ગહન, સુંદર તથા સાચકલાં હોય છે) આ પુસ્તકના શીર્ષક, ‘Stepping Stones’ (પગથિયાં), અંગે સંકેત આપતાં ઓ’ડ્રિસકોલ હીનિના નોબેલ પુરસ્કારના સ્વીકાર સમયે આપેલા વક્તવ્યને ટાંકે છે: a journey into the wideness of language, a journey where each point of arrival–-whether in one’s poetry or one’s life–-turned out to be a stepping stone rather than a destination. ‘(ઇન્ટ્રો.’ xiii) ‘(ભાષાની વિપુલતામાં દોરી જતી આ યાત્રા છે, એક એવી યાત્રા જ્યાં કોઈપણ તબક્કે આગમન – કવિતામાં કે જીવનમાં – પડાવને બદલે પગથિયું બની રહે છે.’)

ઇતિહાસના સંદર્ભે આયર્લેન્ડની ઇંગ્લેન્ડથી આઝાદ થવાની હિંસક, રક્તરંજિત પ્રક્રિયા છેક ઓગણીસમી સદીથી વીસમી સદીના મધ્ય સુધી લંબાયેલી છે. એક્ટ્સ ઓવ યુનિયન દ્વારા આયર્લેન્ડનું રાજ્ય 1800માં ગ્રેટ બ્રિટન સાથે જોડાયું હતું. આયર્લેન્ડના ઇતિહાસમાં વિવિધ તબક્કાઓ છે: અંગ્રેજોનું આયર્લેન્ડ પરનું નિયંત્રણ(1170-1922),જેમાં ‘ઈસ્ટર રાઇઝિંગ’ (1916) અને આઇરિશ ફ્રી સ્ટેટના નિર્માણ(1921)જેવી ઐતિહાસિક ઘટનાઓનો સમાવેશ થાય છે. ડોમિનિયન સ્ટેટસ સાથેનું આઇરિશ ફ્રી સ્ટેટ (1922-1948) છેવટે રિપબ્લિક ઓવ આયર્લેન્ડ રૂપે 1948માં સ્થપાય છે. યુનિયનિસ્ટ અને કેથલિક એવું ઉત્તર આયર્લેન્ડ ઇંગ્લેન્ડથી આયર્લેન્ડને છૂટાં પાડવાની તરફેણમાં ન હતું, અને તે રાજકીય તથા ધાર્મિક સંદર્ભે લઘુમતીમાં હતું, જેમાં હીનિનો સમાવેશ થતો હતો. ભાગલાવાદી નેશનાલિસ્ટ પ્રોટેસ્ટંટ આયર્લેન્ડ બહુમતીમાં હતું, અને આયર્લેન્ડની આઝાદી માટે એણે શૌર્ય-બલિદાનની ગાથા સમી લડત પણ આપી, અને આ મુદ્દે હીનિની પ્રતિક્રિયા, એમની પોતાની સામાજિક-રાજકીય પ્રતિબદ્ધતાના સંદર્ભે, અપેક્ષિત હતી. પણ એ નોંધનીય છે કે દાહક-મારક નીવડી શકે એવા આ સામાજિક, રાજકીય ધ્રુવીકરણના વાસ્તવિક સંદર્ભે પણ હીનિ કવિતા માટેની પોતાની પ્રતિબદ્ધતાનો અવકાશ ખોળી શકે છે:

the main thing is that you shared what used to be called an ‘anti-partitionist’ stance ‘(મુખ્ય બાબત એ છે કે અમારું વલણ ‘પ્રતિવિભાજનવાદી’ તરીકે સ્પષ્ટ તરી આવતું હતું,’) અનેNow, truth to your feelings, acceptable or not, is one of the things that’s not only required in poetry, it’s often what drives you to poetry. (66). ‘(હવે લાગણી અંગેનું સત્ય, જે સ્વીકાર્ય હોય કે અસ્વીકાર્ય, તે જ ફક્ત કવિતા માટે આવશ્યક છે એવું નથી, મોટેભાગે તો એ કવિતા તરફ દોરી જતું હોય છે’)

આવા જ મુદ્દે એ અન્ય જવાબમાં કહે છે કે All of us, protestant poets, Catholic poets believed that a good poem was ‘a paradigm of good politics,’ a site of energy and tension and possibility, a truth-telling arena but not a killing field.’ (123). ‘(અમે પ્રોટેસ્ટંટ કવિઓ, કેથલિક કવિઓ એવું માનતા કે સારું કાવ્ય એ ‘સારા રાજકારણનું સંવિધાન’ છે, જેમાં ઉર્જા અને તાણ અને શક્યતા માટે અવકાશ છે, એ એક સાચાંબોલું રમતનું મેદાન છે, જીવલેણ યુદ્ધભૂમિ નથી’)

હીનિનાં સર્જનાત્મક પ્રક્રિયા વિશેનાં અનુભવજન્ય રસપ્રદ વિધાનો ઇન્ટરવ્યૂઝની એક મોટી ઉપલબ્ધિ છે. આયર્લેન્ડમાં આવેલાં બોગ્સ (bogs) એ ભીની, કાદવવાળી જમીન છે,જેમાંથી કુદરતી રાસાયણિક પરિસ્થિતિમાં સચવાયેલા સદીઓ પુરાણા માનવ-મૃતદેહો પણ મળી આવે છે. આયર્લેન્ડની પ્રાકૃતિક અને ઐતિહાસિક ઓળખ સમા આ બોગ્સ વિશેનાં હીનિનાં કાવ્યો એ એમની કવિતાની આગવી ઓળખ છે. આવું પહેલું કાવ્ય ‘બોગલેન્ડ’ એમના કાવ્યસંગ્રહ ‘ડોર ઇનટુ ધ ડાર્ક’ના અંતે મુકાયેલું છે. એ અંગે હીનિ જણાવે છે:

We were actually in London, in my sister-in-law’s flat, and I was putting my right leg into the trousers when I got the first line. I’ve often speculated, only half in jest, about the relationship between the unimpeded passage of the leg into the open-ended trouser and the free progress of the poem to the ‘bottomless’ conclusion. (91) ‘(તે વખતે અમે લંડનમાં હતાં, મારી સિસ્ટર-ઇન-લો ના ફ્લેટમાં, અને જ્યારે હું મારો જમણો પગ પેન્ટ્સમાં નાંખી રહ્યો હતો, ત્યારે મને પહેલી પંક્તિ સ્ફૂરેલી. મારા પગનું સામે છેડે ખુલ્લા એવા પેન્ટ્સમાં બિનરોકટોક જવું અને આ કાવ્યના ‘તળિયા વગરના’ અંત ભણીના મુક્ત વિકાસ-ની વચ્ચેના સંબંધ વિશે મેં ઘણીવાર, અડધોઅડધ મજાકમાં જ, વિચાર્યું છે.)

શેઇમસ હીનિ સર્જનપ્રક્રિયા જેવી, પારાને આંગળીથી પકડવા જેવી, નાજુક અનુભૂતિને મુખરતા કે ગૂઢતામાં સરી પડ્યા સિવાય સંતુલિત રીતે ભાષામાં બાંધે છે:

‘For better or worse, I arrived at the notion that labour wouldn’t help. From Catholicism, I acquired the notion of grace; and I do believe that, unless there is a certain unforeseen energy to begin with, you can’t proceed. I always believed that whatever had to be written would somehow get itself written… I don’t know how to write a poem unless there’s something to write a poem with. You can’t get started without a first line that goes musically–by which I don’t mean melodiously, just that it needs phonetic purchase or rhythmical promise.’ (444) ‘(સારા માટે કે ખરાબ માટે, પણ હું એ ખ્યાલ ધરાવતો થયો છું કે મજૂરી કામ નથી લાગતી. કેથલિસિઝમ પાસેથી મને ગ્રેઇસ (કૃપા)નો ખ્યાલ મળ્યો છે; ને હું માનું જ છું કે જો આરંભે જ કોઈ ચોક્કસ અદૃશ્ય ઊર્જા ન હોય તો કોઈથી આગળ વધી જ ન શકાય. મેં હંમેશા માન્યું છે કે જે કંઈક લખાવા માટે નિર્ધારેલું છે તે કોઈક રીતે પોતાને લખાવી જ લેશે… મને ખબર નથી કે જ્યાં સુધી કશુંક લખવા માટે મળે નહીં ત્યાં સુધી કાવ્ય કેવી રીતે લખાય. જ્યાં સુધી પહેલી પંક્તિ સંગીતમય રીતે સરે નહીં, ત્યાં સુધી કોઈ શરૂઆત કરી જ ન શકે–-એટલે એ સૂરીલી હોવી જોઈએ એમ હું નથી કહેતો, પણ ફક્ત એટલું કે એક અવાજની જરૂરિયાત છે અથવા લયની આવશ્યકતા છે.’)

આ જ વિષયમાં એમને વધુ કહેવા પ્રેરતા અન્ય એક પ્રશ્નના જવાબમાં હીનિ સર્જનપ્રક્રિયાના આરંભ વિશે કહે છે:

Sometimes it begins with a theme, at other times with a form. Generally speaking, my poems come from things remembered, quite often from away back, or things I see that remind me of something else. Sometimes the thing has an aura and an invitation and some kind of blocked significance hanging around it. I’m a great hoarder, of course;…’) (445) ‘(ક્યારેક એ કોઈ મુદ્દા સાથે,ક્યારેક કોઈ સ્વરૂપ સાથે શરૂ થાય છે. સામાન્ય રીતે મારાં કાવ્યો યાદ કરેલી વસ્તુઓમાંથી ઉદ્ભવે છે, ક્યારેક ખૂબ જૂની, અતીતકાલીન; અથવા એવી વસ્તુઓમાંથી જે મને બીજા કશાકનું સ્મરણ કરાવે. કયારેક વસ્તુની ફરતે આભા હોય છે અને એક આમંત્રણ અને કોઈક પ્રકારનો એને વળગેલો પ્રચ્છન્ન અર્થ. હું એક મોટ્ટો સંગ્રહખોર છું, ખરેખર તો;…’)

કવિતા દ્વારા પોતાને શું શીખવા મળ્યું છે એ અંગેના પ્રશ્નના જવાબમાં હીનિ કહે છે કે કવિતા એ શીખવે છે કે

That there’s such a thing as truth and it can be told–-slant; that subjectivity is not to be theorized away and is worth defending; that poetry itself has virtue, in the first sense of possessing a quality of moral excellence and in the sense also of possessing inherent strength by reason of its sheer made-upness,… (467) ‘(સત્ય જેવી એક વસ્તુ હોય છે, અને એ કહી શકાય છે, તિર્યક્ રીતે; આત્મલક્ષીતાને સિદ્ધાંતોમાં ઢાળીને વેડફી નાંખવા જેવી નથી, એને બચાવવી જોઈએ; કવિતા પોતે જ સદ્ગુણ ધરાવે છે, પહેલાં તો એ અર્થમાં કે એ નૈતિક પ્રખરતાનો ગુણ ધરાવે છે એટલે,અને એ નકરી સંરચના હોવાના કારણે પોતીકી તાકાત ધરાવે છે તેને લીધે…’)

શબ્દની મર્યાદાને હીનિ સ્વીકારે છે. પિતૃત્વ અને કવિ-ત્વ વિશે વાત કરતાં આ મહાકવિ, રંગદર્શી શબ્દમહિમાને બદલે જીવનના વાસ્તવનું જ માહાત્મ્ય સ્વીકારે છે: ‘પણ જયારે બાળક જન્મે છે, ત્યારે બાળક પર્યાપ્ત કરતાં વધારે હોય છે. ત્યાં લગી કવિતાની પહોંચ તો હોતી જ નથી.’ ‘But when the child is born, the child is more than enough. Poetry’s just not up to it.’ (97) અન્ય એક સ્થળે કવિતા અને જીવન વચ્ચેના અર્થપૂર્ણ અને પોષક સંબંધ વિશેનો, કવિતા માટેનો વિશાળ વાચક વર્ગ ઊભો કરી શકાય કે નહીં તે અંગેનો પ્રશ્ન પૂછાય છે. હીનિ કહે છે: ‘You can say, on the one hand, that poetry is an ad hoc reality: you can log-on, log-off; you don’t need to know very much, just enter where you like, take what you want and go. But it’s also a coherent inner system or order of understanding. So there’s work to be done in creating an audience for poetry understood in that second way, and this, speaking in the largest sense, is the work of education, which takes place first in the schools but continues later on through all kinds of dissemination, institutional and accidental.’ (458) (તમે એક રીતે એવું કહી શકો કે કવિતા હંગામી (ad hoc) વાસ્તવિકતા છે: તમે લોગ-ઓન, લોગ-ઓફ કરી શકો, તમારે કંઈ ખૂબ જાણવાની જરૂર નથી, મન થાય, ત્યાં પ્રવેશો,જે ગમે તો લઈ લો ને ચાલ્યાં જાવ. પણ એ એક સુસંબદ્ધ આંતરિક તંત્ર અથવા સમજણની શ્રેણી પણ છે. કવિતાને આ બીજા અર્થમાં સમજીએ તો એના વાચક વર્ગને ઊભો કરવા કાર્યરત થવું પડે, અને એ, એના સૌથી વિશાળ અર્થમાં, શિક્ષણનું કાર્ય છે, જે પહેલાં શરૂ તો શાળામાં થાય છે, પણ પછી બધા જ પ્રકારના સંસ્થાગત અને આકસ્મિક પ્રસારમાં ચાલુ રહે છે.

આગળ અંતે હીનિ, મેથ્યુ આર્નોલ્ડ અને ટી. એસ. એલિયટની જેમ, વિવેચનનું કાર્ય પણ સૂચવે છે:

‘I suppose in the end there are two kinds of critic who help to create an audience: there’s the appreciator (who says ‘You really must have this, it’s terrific’) and there’s the adjudicator (who says ‘I really wonder if this is worth having at all.’) They are both necessary.’ (458) (હું માનું છું કે છેવટે બે પ્રકારના વિવેચકો છે જે આ વર્ગ ઊભો કરવામાં મદદ કરી શકે: ‘ભાવક’ (જે કહે છે, ‘તમારે ખરેખર આ વાંચવું જ રહ્યું, આ જબરજસ્ત છે.’) અને બીજાં છે ‘ન્યાયિક’ (જે કહે છે, ‘મને એમ થાય છે કે આ કૃતિ સાચવવા લાયક છે ખરી?’) બંનેની જરૂર છે.)

સાંપ્રત સમયમાં જયારે માનવવિદ્યાશાખાઓ, ખાસ કરીને ભાષા અને સાહિત્ય, એમનાં અસ્તિત્વની કટોકટીનો સામનો કરી રહ્યાં છે, ત્યારે એના વાચક વર્ગના દૃઢીકરણ અર્થે કવિતાને માણવાની અને જાણવાની પ્રક્રિયાને શિક્ષણવ્યવસ્થામાં સ્થાન મળે એની તાતી અનિવાર્યતા વર્તાઈ રહી છે. આયર્લેન્ડના રાજકારણની ઇતિહાસજન્ય હિંસા અને આત્યંતિકતાને પણ, કવિતાના જોરે, નહીં ગાંઠનારા આ મહાકવિની વાત ન માનવાને કોઈ દેખીતું કારણ નથી.

(નોંધ: બધાં જ અંગ્રેજી અવતરણોનો ગુજરાતીમાં અનુવાદ મારો છે. – રા.)

*

રાકેશ દેસાઈ
અંગ્રેજીના અધ્યાપક,
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત.
સુરત.
desairn@gmail.com

93258 85564
*