અવલોકન-વિશ્વ/પ્રેમ અને ધિક્કારની જલદ કથા – હિમાંશી શેલત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પ્રેમ અને ધિક્કારની જલદ કથા – હિમાંશી શેલત


10-Pookkuzhi-Cover.jpg


Pookkuzhi – Perumal Murugan. Nagercoil, 2013
Pyre – Tr. Aniruddh Vasudevan. Hamish Hamilton Penguin India, 2016
સમકાલીન ભારતીય સાહિત્યસર્જકોમાં પેરુમલ મુરુગનનું સ્થાન મહત્ત્વનું છે. તમિલ ભાષાના આ લેખક એમના કથાસાહિત્ય અને ભાષાસંશોધન માટે જાણીતા છે. એમની નવલકથા ‘માધોરુબાગાન’ (અંગ્રેજી અનુવાદ ‘One Part Woman’) અકારણ વિવાદમાં સપડાઈ હતી પરંતુ એમની સર્જકતાનો પરિચય તમિલનાડુની બહાર પણ મળ્યો એનું નિમિત્ત આ નવલકથાનો અનુવાદ.

પોતાના પ્રદેશનાં ઇતિહાસ, ભૂગોળ, ભાષા અને પરંપરાઓ પરત્વે અત્યંત સંવેદનશીલ એવા પેરુમલ મુરુગન એમની સશક્ત કથનશૈલીથી ભાવકચિત્તને જકડી રાખે છે. 2015માં એમને સમન્વય ભાષાસન્માન પ્રાપ્ત થયું છે.

છેલ્લાં બે વર્ષથી પેરુમલ મુરુગન સાહિત્યિક અને રાજકીય વિવાદના કેન્દ્રમાં રહ્યા છે. એમની નવલકથાનો અંગ્રેજી અનુવાદ ‘One Part woman’ બહાર પડ્યા બાદ આ વિવાદ એ હદે વકરેલો કે પેરુમલે એક અસાધારણ જાહેરાત કરી, પોતાના લેખક તરીકે થયેલા અવસાનની. રૂઢિચુસ્ત, આક્રમક સંસ્કૃતિરક્ષકોની કનડગતથી ત્રસ્ત લેખકને એ સમયે આટલો જ ઉપાય જડેલો. સદ્ભાગ્યે કેટલાંક જૂથો એમની પડખે હતાં અને કોર્ટની દરમિયાનગીરીથી આ પ્રકરણનો સુખદ અંત આવ્યો. લખવું એ જ લેખકનું કામ, અને સમાજનું હિત એ લખે એમાં, કોર્ટનો સાફ ચુકાદો. ઉપર ઉલ્લેખેલી નવલકથાનું મધ્યબિંદુ વર્ષો જૂની મંદિરની એક ખાસ પરંપરા છે પણ એમની નવલકથા ‘પુક્કુઝ્હી’ તો એકવીસમી સદીમાંયે ચાલુ રહેલા જ્ઞાતિભેદનાં ધિક્કાર અને વેરઝેરની મર્મભેદક વાત આલેખે છે. આમ તો કથાનો સમય કદાચ 1960-65નો હોવા સંભવ છે. કારણ કે દેશમાં નવા નવા આવેલા ટ્રાન્ઝીસ્ટરનો અહીં ઉલ્લેખ છે, છતાં આજે 2016માંયે પસંદગીનાં લગ્ન, ખાસ તો ગામડાંઓમાં, સહેલાઈથી નથી થતાં. પોલીસ દફતરે નોંધાયેલી, અને નહીં નોંધાયેલી ઓનરકીલિંગની ઘટનાઓ ચોંકાવી મૂકે એટલી હોય છે.

પેરુમલ તમિલનાડુના ગ્રામસમાજને ખૂબ નજીકથી જાણે છે. અહીં કોઈ ગોકુલગ્રામ શોધવાનું નથી. આ પ્રદેશનાં નાનકડાં ગામો થોલુર કે કાટુપટ્ટી કે વિરીચીપાલાયમને આદર્શ ગ્રામસમાજ સાથે કોઈ સંબંધ નથી. જ્ઞાતિપ્રથા અહીં ચુસ્તપણે પળાય છે, પ્રેમ અને લગ્ન માટે ન્યાતની બહાર જવું કે ઊંચનીચના તફાવતનો અનાદર કરવો એટલે મોતના સોદા.

‘પુક્કુઝ્હી’નો અંગ્રેજી અનુવાદ Pyre મૂળની બોલીનો યથાતથ અનુવાદ કરી શક્યો નથી એમ તો અનુવાદક પોતે જ નોંધે છે. નવલકથાની લાક્ષણિક ભાષા અનુવાદક્ષમતાને પડકારે છે. આમ છતાં એક સશક્ત નવલકથા આ અનુવાદ થકી વાંચવા મળી તે માટે અનુવાદકને અભિનંદન ઘટે.

સમાજ દ્વારા આચરવામાં આવતી હિંસા સામે ટકી રહેવા મથતો પ્રેમ આ નવલકથાનું કેન્દ્ર છે. કુમારેસન વિધવા માનું એકમાત્ર સંતાન છે. સ્થિર આવકની શોધમાં એ પોતાનું નાનું અને પછાત ગામ છોડીને સહેજ મોટા ગામમાં જાય છે. કામ તો છે સોડાની દુકાનમાં બાટલીઓ ભરવાનું, ખાધાખર્ચી ઉપરાંત મહિને ત્રણસો રૂપિયા હાથમાં આવે છે. કુમારેસન કામ શીખતો જાય છે, અને અહીં જ એને સરોજા મળે છે. પરિચય પ્રેમમાં પલટાય છે, અને કુમારેસન એની સાથે લગ્ન કરીને મા પાસે પાછો આવે છે.

નવલકથાનો આરંભ આ બિંદુથી થાય છે. યુગલ ગામમાં પ્રવેશી રહ્યું છે. બસ કંઈ ઠેઠ ગામને દરવાજે નથી આવતી. સરોજા અને કુમારેસનને ચાલવાનું છે, તડા પડેલી ઉષર ભૂમિ, ગરમ હવા, રસ્તે આવતું સ્મશાન, અને કાંટાળી ઝાડીઓ સરોજાને ડરાવે છે. અહીં કુમારેસન સિવાય એનું કોઈ નથી. એની મા તથા ગામના લોકો એને આવકારશે કે નકારશે એ અંગે તો કુમારેસન પણ સાશંક છે. સરોજા પરન્યાતની છે એ તો ખરું જ,વધારામાં એ નીચા કુળની છે એ હકીકતની જાણ થવા દેવાની નથી. શરૂઆતમાં કદાચ થોડો વિરોધ થશે પણ છેવટે બધું થાળે પડી જશે એવી કુમારેસનની ધારણા છે. દુર્ભાગ્યે એવું નથી થતું. પરગામથી ત્યાંની છોકરી પરણીને લાવતો નહીં, એ માની સ્પષ્ટ સૂચના હતી. કુમારેસને પોતાનું ધાર્યું કર્યું છે,અને મનગમતી પત્ની મેળવી છે એટલે પરિસ્થિતિ તરત ને તરત સાનુકૂળ થવાની નથી એટલો ખ્યાલ એને ખરો, છતાં સરોજા માટે પોતાની માને અને પરિણામે તમામ સગાંવહાલાંઓને, આટલો અણગમો હશે એ એની કલ્પનાબહારનું છે.

અજાણ્યો પ્રદેશ,અજાણ્યા લોકો, ક્રોધ, કડવાશ અને તિરસ્કાર – સઘળું સરોજા માટે અસહ્ય બને છે. પોતે જે છોડી આવી છે એ ઘર, બાપ અને ભાઈ, ત્યાંની સ્વતંત્રતા અને હૂંફનું સ્મરણ એને અજંપ બનાવે છે. કુમારેસનની મા મારાયી-ની સંકુચિત મનોદશાનાં મૂળ પારખી શકતા સર્જક એને ભડક રંગોથી ભૂંડી આલેખતા નથી બલ્કે એના પરત્વે ભાવકને સહાનુભૂતિ જન્મે એવું એનું ચિત્ર છે. નાની વયે,જીવનનિર્વાહના સાધન વિના, આ વિધવાએ અપાર કષ્ટમાં કુમારેસનને મોટો કર્યો છે. એની દુનિયા આરંભથી જ અત્યંત સાંકડી રહી છે અને કુમારેસન એનું સર્વસ્વ છે. સાથીસંગી વગરની એ પોતાનાં પાળેલાં બકરાં સાથે વાતો કરે છે, તનતોડ મહેનત કરે છે, ખેંચમાં જીવે છે. ન્યાતના એકાદ પરિચિત કુટુંબની કન્યા ઘરમાં વહુ તરીકે આવે તો એનું જીવન બદલાઈ જશે એવા સપનામાં રાચતી મારાયી કુમારેસને એને આપેલો આઘાત વેઠી નથી શકતી. પોતાના લોહીનો આવો વિશ્વાસઘાત એને ઉગ્ર અને આક્રમક બનાવી મૂકે છે, અને પુત્ર તરફ કઠોર થતાં એને ફાવતું નથી તેથી એ કઠોરતા સરોજા પર ઠલવાય છે.

મારાયીનો કકળાટ ઉગ્ર બનીને, સરોજાને જે કોઈ જોવા આવે તેની સામે ઠલવાતો રહે છે.

‘Look at him!… He has brought a girl who cannot even withstand the Sun, who faints. What kind of work will she do? Of what use is a girl who does not have the strength to fetch two pots of water? How did he become such an idiot?’ (p. 23)
[જુઓ તો ખરાં આને!… જેનાથી તડકોયે ખમાતો નથી એવીને પરણી લાવ્યો છે, તાપમાં બેભાન થઈ જાય છે એ તો,તે વળી કામ શું કરવાની? બે ઘડા પાણી લાવવાનીયે તાકાત નથી તે વળી બીજી શી ધાડ મારવાની! સમજાતું નથી આ છોકરો આવો મૂરખ ક્યાંથી પાક્યો!]

મારાયી અને સરોજા – બંનેના ભાગમાં એકલતા અને હતાશા છે. એ સાથે, ગામમાં આવ્યા પછી કુમારેસનને કમાણી માટે બેવડો શ્રમ કરવો પડે છે,વહેલી સવારે ઘર બહાર નીકળી જતા પતિ પાસે પત્નીને આપવા જેટલો સમય નથી. સરોજાને મારાયી તો વેગળી જ રાખે છે, આસપાસની સ્ત્રીઓ સરોજાને પારકી ગણે છે, એનાં કુળ અને ન્યાત વિશે અનેક અનુમાનો કરતી રહે છે. અહીં સમાજ આખો ખલપાત્રની જગ્યા લે છે. એ વિકરાળ છે, પ્રપંચમાં કાબેલ છે, અને જેને દાઢમાં લે છે એને છોડતો નથી.

પોતાની માનો સરોજા સાથેનો વહેવાર જોઈને ખિન્ન થયેલો કુમારેસન એનાં દૂરનાં કુટુંબીજનો તરફ વળે છે. એ સહુ તો કુમારેસને મહાઅપરાધ આચર્યો હોય એમ એનું અપમાન કરે છે, અને એને રીતસર તગેડી મૂકે છે. લગભગ આખા સમાજમાં કાનાફૂસી ચાલે છે કે સરોજા નીચા કુળની છે, અને એ દેખાવડી હોવાથી કુમારેસન એને પરણી લાવ્યો છે.

*

કાળમીંઢ ખડકો અને વેરવિખેર ઝાડીઓ વચ્ચે કુમારેસનનું ઘર છે. સાસુ બકરાં લઈને વગડામાં ચાલી જાય ત્યારે એકલી પડેલી સરોજાને મળવા ક્વચિત કોઈક અજાણ્યું આવી ચડે છે. આવી જ રીતે આવેલી એક વૃદ્ધા સરોજાને અચાનક પૂછે છે કે એનાં લગ્નની નોંધણી થઈ છે કે કેમ, નકારમાં ડોક હલાવતી સરોજાને પેલી વૃદ્ધા ચેતવે છે. નોંધ્યા વગરનાં લગ્ન કાયદેસર ન કહેવાય, મારી નાખે તો કોઈ ફરિયાદ નહીં ટકે. હાજરી નોંધાયેલી ન હોય તો ગેરહાજરી કોણ ગણશે?

ડરામણા ભાવિનું સૂચન કરતી આ કાળવાણી પછી સરોજા સતત ભયમાં જીવે છે. કશુંક ભયાનક બનવાનું છે એવી દહેશત કથાસૂત્રમાં એ રીતે વણાય છે કે સ્પષ્ટપણે એ પામી ન શકાય તોયે એનો ઓથાર અનુભવી શકાય. નવલકથાના આરંભથી જ મૃત્યુના સંકેતો મળતા રહે છે. કુમારેસન અને સરોજા સ્મશાન વળોટીને ગામ તરફ જાય છે, સખત તાપમાં કાદવિયા પાણીના રેલા લોહીનો રંગ ધારણ કરે છે. સરોજા પહેલીવાર કુમારેસન પાસે આવે છે અને બંનેનો પરિચય થાય છે એનું નિમિત્ત દીવાસળી છે. મરી ગયેલાં ઝાડ, સુકારો લાગ્યો હોય તેવો પાક, ચોમેર ઉજ્જડ ભોંય દયામાયા અને હેતપ્રીતના અભાવને ઉપસાવી આપે છે. નાની નાની અને સામાન્ય જણાતી તમામ ઘટનાઓનો પ્રવાહ એક નિશ્ચિત બિંદુ તરફ ધસી રહ્યો છે પણ ભાવકને શું બનશે એનો અણસાર આવતો નથી.

*

આ ઘટનાપ્રવાહના વેગ માટે સર્જકનાં સાંકેતિક અને ચુસ્ત વર્ણનો ઉપકારક છે. ગામમાં પહેલીવાર પગ મૂકતી સરોજા ગરમ હવાથી ત્રાસી છે, અને પાદરનો ઘટાદાર લીમડો એને ખેંચે છે. એ અને કુમારેસન છાંયડે બેસે છે. સામે ફેલાયેલી ઝાડીઓ વચ્ચેના મેદાન તરફ હાથ લંબાવી એ કહે છે; ‘આ આપણા ગામનું મસાણ…’ ઘટા નીચે ટાઢક અનુભવતી સરોજા સફાળી ઊભી થઈ જાય છે, કશોક અજ્ઞાત ભય એને અસ્વસ્થ બનાવી દે છે.

‘Fearfully she looked at the cremation ground. It lay beyond the neem tree, a vast outgrowth of bushes and huge trees that rose to the sky. There was no sign of anyone being buried or cremated there. The place hid all sorts of secrets within itself while displaying a modest appearance to the world. Saroja turned away, but something from behind her kept its gaze on her. She wanted to leave the place so on.’
(એણે ભયભીત બની સ્મશાન ભણી જોયું – લીમડાના ઝાડની આગળ પથરાયેલું. ઠેર ઠેર ગીચ ઝાડીઝાંખરાં અને આકાશને અડવા મથતાં ઘેઘૂર ઝાડ, સ્મશાનમાં કોઈને બાળ્યાં હોય કે દાટ્યાં હોય એવી એકેય નિશાની નહીં. બહારથી તો સાવ સામાન્ય મેદાન દેખાતું સ્મશાન કેટકેટલાં રહસ્યો પોતાની ભીતર ધરબી બેઠેલું. સરોજાએ પીઠ તો ફેરવી છતાં પાછળથી એને કોઈક ધારીધારીને જોતું હતું. એને ત્યાંથી નાસી છૂટવાનો રઘવાટ થયો.)
*

કુમારેસન રાબેતા મુજબ એની સાયકલ લઈને કામે જાય છે, સરોજાને ઠીક નથી. આગલા દિવસે થયેલી મરાયી અને કુમારેસન વચ્ચેની બોલાચાલીથી સરોજા મનથી અને પછી શરીરથી ભાંગી પડી છે. એના પેટે બળવો પોકાર્યો છે, અને અંધારામાં એને હાજત માટે બહાર જવું પડે છે. ઘરથી દૂર, ઝાડીઓ વચ્ચે એક ખાડો છે અને આ જગ્યા શોધ્યા પછી એણે ત્યાં જ જવાની ટેવ પાડી છે. બંને હાથે અંધકારને ખસેડતી, કાન પાસે ગણગણતાં જીવજંતુ તરફ દુર્લક્ષ સેવી એ ખાડા સુધી પહોંચે છે.

મારાયી કોઈ સાથે વાત કરી રહી છે. પુરુષ-અવાજ છે. કોનો છે એ કળાતું નથી. કોઈ કામ પતાવી દેવાનું છે. આખું ગામ અને સરપંચ આપણી પડખે છે એટલે પછીનું બધું એ સંભાળી લેશે એવો સધિયારો પેલો અજાણ્યો અવાજ આપે છે. સરોજાની અંતિમ ક્ષણોમાં એને લાગે છે કે કશું ભયાનક બનવાનું નથી. એ તો કુમારેસનની વાટ જોઈ રહી છે, સહેજ ઝોકું આવી ગયું એટલું જ. સૂકું ઘાસ અને સાંઠીકડા સળગાવ્યા છે પેલા અજાણ્યાઓએ. ભડભડતી અને લબકારા લેતી જ્વાળાઓથી ઘેરાયેલી સરોજા પરસેવે રેબઝેબ છે. આ દુ:સ્વપ્ન હમણાં પૂરું થશે, બસ, બહુ લાંબું ચાલ્યું. જાગવું તો છે પણ આંખો બંધ જ રહે છે. એટલે સપનું જ ભલે લંબાતું. ગરમાવો તો સારો. આગમાં તૂટતી અને તડતડતી સૂકી ડાળખીઓના અવાજ સાથે કુમારેસનની સાયકલનો અવાજ ભળી જાય છે. સરોજાનો અંત કે માત્ર કથાનો?

જબરદસ્ત તાણ અનુભવતો ભાવક અંત સુધી આવતાં સ્તબ્ધ અને ક્ષુબ્ધ છે. સરોજા અને કુમારેસન શેની કિંમત ચૂકવી રહ્યાં છે? એમનો પ્રેમ સમાજને કેમ અસ્વીકાર્ય છે? સરોજાનો પેલા અજાણ્યા સ્થળમાં પ્રવેશ એટલે ચિતામાં પ્રવેશ, પ્રેમાગ્નિ જેવો જ પ્રબળ આ દ્વેષાગ્નિ. જીવલેણ અને બાળીને રાખ કરતો. સમાજના ક્રૂર અને સંકુચિત માનસનો જેને પરિચય હોય એ જ સર્જક તીવ્ર રાગની અને એટલા જ તીવ્ર ધિક્કારની કથા આમ આલેખી શકે.

પેરુમલ મુરુગનનો સર્જક-અવાજ વિલક્ષણ છે, પાત્રો, સંવાદો, વિગતો, પાર્શ્વભૂ – સઘળું સંપૂર્ણ, સશક્ત અને તીવ્રતાથી રસાયેલું. ભારતીય ગ્રામીણ સમાજનું એક સાવ અલગ અને ભયાવહ રૂપ અહીં યથાતથ પ્રગટ થાય છે.

*

હિમાંશી શેલત
વાર્તાકાર, સંપાદક.
અંગ્રેજીનાં પૂર્વ-અધ્યાપક, સુરત.
અબ્રામા, વલસાડ.
hishelat@gmail.com

93758 24957
*