અવલોકન-વિશ્વ/સર્જકનો નવલકથા-વિમર્શ – કિરીટ દૂધાત

સર્જકનો નવલકથા-વિમર્શ – કિરીટ દૂધાત


22-KIRIT-encounter-Cover.jpg


Line rencontre – Milan Kundera, 2009
Encounter –Tr. Linda Eisher. Faber and Faber, London, 2010
મિલાન કુન્દેરા મૂળ તો ઈ.સ. 1929માં ચેકોસ્લોવાકિયામાં જન્મેલા નવલકથાકાર છે. પણ એમના વિચારો અને લેખનને લીધે ત્યાંના સત્તાધીશો સાથે વાંધો પડતાં ઈ.સ.1975માં ફ્રાન્સમાં આવી વસ્યા અને ઈ.સ.1981માં એ ફ્રેંચ નાગરિક બન્યા. એમણે ઈ.સ. 1986પછી પોતાનું બધું વિવેચન અને સર્જન ફ્રેંચ ભાષામાં જ કર્યું છે. એમને વિશ્વવ્યાપી ખ્યાતિ મળી છે એમની નવલકથા The Unbearable Lightness of Being (ધી અનબેરેબલ લાઇટનેસ ઓફ બિઈંગ), (અંગ્રેજીમાં પ્રકાશન, 2000)ને લીધે કે જે ચેકોસ્લોવાકિયા(હવે ચેક રિપબ્લિક)ના પાટનગર પ્રાગમાં વીસમી સદીના સાતમા અને આઠમા દાયકાના જીવનનું ચિત્ર આપે છે.

યુરોપ-અમેરિકામાં જેમ નવલકથાઓ પુષ્કળ લખાય છે તેમ નવલકથાનાં વિવિધ પાસાં વિશે પણ અભ્યાસીઓ અસંખ્ય પુસ્તકો લખે છે. એ અભ્યાસીઓના ત્રણ વર્ગ છે –

૧. જે ફક્ત વિવેચકો છે અને નવલકથાના સ્વરૂપ વિશે શાસ્ત્રીય વિવેચન કરે છે.
૨. જે લોકો ફક્ત વિવેચકો છે પણ નવલકથાનું સામાન્યજન કઈ રીતે ભાવન કરી શકે તેને ધ્યાનમાં રાખીને લોકો નવલકથાને વધુ સમજતા અને વાંચતા થાય તે માટે સરળ શૈલીમાં વિવેચન-અભ્યાસલેખો લખે છે.
૩. છેલ્લે એવા લેખકો છે જે ઉત્તમ નવલકથાકારો છે અને સાથોસાથ નવલકથા-સ્વરૂપની ચર્ચા કલાકીય, સાંસ્કૃતિક કે રાજકીય અભિગમથી કરે છે.

કુન્દેરા આવા ત્રીજા પ્રકારના લેખકોમાં આવે છે.એ નવલકથાને યુરોપના સાંસ્કૃતિક અને રાજકીય ઇતિહાસના અહેવાલ તરીકે નહીં પણ કલાકીય અભિવ્યક્તિ તરીકે જુએ છે જેમાં નવલકથાકાર પોતાના સમયની છબિ સર્જનાત્મક દૃષ્ટિકોણથી ઝીલે છે. આ પહેલાં કુન્દેરાએ (1) The Art of the Novel,(1985) (2) Testaments Betrayed,(1992), (3) The Curtain(2007) નામનાં ત્રણ પુસ્તકોમાં આ પ્રકારની રસપ્રદ ચર્ચા કરી છે અને આ ત્રણેય પુસ્તકો વિશિષ્ટ રુચિના વાચકવર્ગમાં ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યાં છે, ‘Encounter’ એ શ્રેણીનું ચોથું પુસ્તક છે.

પુસ્તક9ભાગમાં વહંચાયેલું છે અને મોટા ભાગના લેખોના ફકરાઓને પણ 1,2,3એ રીતે ક્રમ આપેલા છે અને જ્યાં એક વિચાર કે એક નિરીક્ષણ પૂરું થાય છે તે પછીના વિચારની શરૂઆત નવા ક્રમાંકથી થાય છે. આ પદ્ધતિ કુન્દેરાની આગવી છે. આનો ફાયદો એ છે કે વાચકને લાંબું લખાણ વાંચવામાંથી મુક્તિ મળે છે અને ક્રમાંકથી ખ્યાલ પણ આવે છે કે હવે કોઈ નવો મુદ્દો શરૂ થાય છે. પહેલા વિભાગનું નામ The painter’s brutal gesture: on Francis Bacon (ચિત્રકાર ફ્રાન્સિસ બેકનની ક્રૂર ચેષ્ટા.) અહીં લેખકે આઇરિશ-બ્રિટિશ ચિત્રકાર ફ્રાન્સિસ બેકન(ઈ.સ. 1909-1992)નાં ચિત્રોનાં કેટલાંક વિશિષ્ટ પાસાં વિશે લખ્યું છે. આપણો રસ મુખ્યત્વે સાહિત્યનો છે તેથી અહીં કેટલાંક નિરીક્ષણો સાહિત્ય વિશેનાં છે તે જોઈએ. આર્ચિબોડે બેકનનો ઇન્ટરવ્યુ લીધેલો તેમાંથી કુન્દેરા બેકેટ (આઇરિશ-ફ્રેંચ નાટકકાર 1906-1989)વિશે કેટલાંક વિધાનો ટાંકે છે.પરંતુ એ જોઈએ તે પહેલાં કુન્દેરા બેકેટને કેવી રીતે મૂલવે છે તે જોઈએ. કુન્દેરાના મતે ચિત્રકળાના ઇતિહાસમાં બેકન અને નાટ્યકળાના ઇતિહાસમાં બેકેટ સમાંતર બિંદુએ આવી ઊભા છે. બેકન એવા છેલ્લા કલાકાર છે કે જેમની ચિત્રકળાનું માધ્યમ રંગ અને બ્રશ છે તો બેકેટ એવા છેલ્લા નાટકકાર છે જ્યારે નાટકનો આધાર લેખકે લખેલા પાઠ(Text)પર હતો.

હવે બેકન બેકેટ અંગે કહેછે: મને હંમેશા એવું લાગે છે કે બેકેટ અને જોય્સ (આઇરિશ નવલકથાકાર, 1882-1941) જે વ્યક્ત કરવા મથે છે તેને શેક્સપિયર વધારે કાવ્યાત્મકતાથી, સચોટપણે અને વધુ પ્રબળતાથી વ્યક્ત કરે છે…..બેકેટ વિશે મને ઘણીવાર એવી છાપ પડી છે કે એ કથયિતવ્ય એટલું બધું ધારદાર બનાવવા જાય છે કે અંતે કશું ગોપિત રહેતું નથી. એથી એની રચના પોલી બની જાય છે.

આ પુસ્તકના બીજા ભાગનું શીર્ષક છે Novels, existential soundings (નવલકથાનો ‘નાભિશ્વાસ’?). અહીં શરૂઆતમાં કુન્દેરા કહે છે કે ‘દોસ્તોએવ્સ્કી [રશિયન નવલકથાકાર,1821-1881]ની નવલકથા The Idiotમાં અનેક પાત્રો ખરેખર આનંદિત થયા વિના જુદીજુદી રીતે હસતાં હોય તેનાં અસંખ્ય વર્ણનોની યાદી બનાવી શકાય છે.’ એમ કહીને વિવિધ પાત્રોનાં કૃત્રિમ હાસ્યનાં ઉદાહરણ આપે છે. કુન્દેરાના મતે આ જગત રમૂજ વિનાના હાસ્યથી ભરેલું છે જેમાં આપણને જીવવાનો અભિશાપ મળેલો છે.ત્યારબાદ કુન્દેરા ફ્રેંચ લેખક સેલીન(1894-1961)ની નવલકથા From Castle to Castle (એક કિલ્લાથી બીજા કિલ્લા સુધી)નો એક સંવાદ ટાંકે છે કે ‘માનવી મરવા પડે ત્યારે પણ એવો બખેડો ખડો કરી દે છે કે… માણસ જાણે મંચ પરથી નીચે ઊતરવા માંગતો જ નથી…પછી સાવ સીધોસાદો માણસ કેમ ન હોય…’

કુન્દેરા કહે છે કે માણસ મરણપથારીએ છેલ્લા શબ્દો શું બોલેલો એનું વધારે પડતું મહત્ત્વ આપી દેવાય છે. કુન્દેરાના મતે સેલિનની પેઢીના લેખકોએ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન એટલાં બધાં મૃત્યુ, લડાઈઓ, યંત્રણા, ભય અને દેશવટા જોઈ લીધેલાં કે સેલિને પોતાની કૃતિઓમાં જિંદગીને કોઈ જ આડંબર વગર પૂરેપૂરી સચ્ચાઈથી વ્યક્ત કરી છે.

ફિલિપ રોથ(1933-)નામના અમેરિકન લેખકની નવલકથા Professor of Desire વિશે કહે છે કે ટોલ્સ્ટોય (રશિયન નવલકથાકાર,1828-1910)ની ‘અન્ના કેરેનીના’ નવલકથાની નાયિકા અન્ના અને એનો પતિ કે પ્રેમી શરીરસંબંધ કેવી રીતે બાંધતાં હતાં? એનો પ્રેમી એને ચરમસીમાનો અનુભવ કરાવવા સમર્થ હતો? એ લોકો અજવાળામાં ક્રીડા કરતાં કે અંધારામાં? પથારીમાં? ગાલીચા પર?ત્રણ મિનિટ કે ત્રણ કલાક? એ દરમ્યાન એ રોમેન્ટિક વાતો કરતાં કે બીભત્સ સંવાદ? કે પછી મૌન રહીને? એમનો શરીરસંબંધ વાસનાથી ભરપૂર હતો? કે અન્ના ઠંડી હતી? એ વિષે ટોલ્સટોયે વાચકોને કશું કહ્યું નથી. પછી ડી. એચ. લોરેન્સ (અંગ્રેજી નવલકથાકાર,1885-1930) આવ્યા જેના માટે સેક્સની અભિવ્યક્તિ નાટકીય કે કરુણ વિદ્રોહ હતો. પછી તરત હેન્રી મિલર (અમેરિકન નવલકથાકાર 1891-1980) આવ્યા કે જેણે સેક્સના વર્ણનને કાવ્યાત્મક અભિવ્યક્તિ આપી. પરંતુ એ પછી આવાં વર્ણનોમાં એટલો ઉછાળો આવ્યો કે ફિલિપ રોથ સુધી આવતાં આવતાં માનવી એક અજાણી એકલતામાં એની દૈહિક નગ્નતાનો મુકાબલો કરતો ઊભો છે.

નોબેલ ઇનામ વિજેતા સાહિત્યકાર ગ્રેબ્રિયલ ગાર્સિયા માર્કવેજ (લેટીન અમેરિકાના કોલમ્બિયન નવલકથાકાર, 1927-2014)ની વિશ્વવિખ્યાત નવલકથા One Hundred Years of Solitude (એકલતાનાં સો વરસ) વિષે લખતાં કુન્દેરા એક અલગ પ્રકારની ચર્ચા છેડે છે કે મોટા ભાગની પ્રશિષ્ટ કૃતિના નાયકો નિ:સંતાન કેમ હોય છે? પછી એ આવા નાયકોની યાદી આપે છે: પેન્ટાગૃએલ અને પાનુર્ગે, ડોન કિહોટે, ટોમ જોન્સ, વર્ધર, સ્ટેન્ધાલના નાયકો પણ નિ:સંતાન છે, એ જ રીતે દોસ્તોએવ્સ્કી અને બાલ્ઝાક (ફ્રેંચ નવલકથાકાર,1799-1850)ના મોટા ભાગના નાયકોનું પણ એવું જ છે. તો વીસમી સદીમાં ફ્રેંચ નવલકથાકાર માર્સેલ પ્રુસ્ત (1871-1922)ની નવલકથા In Search of the Lost Timesના નાયકનું અને રોબર્ટ મુસીલ (ઓસ્ટ્રીય નવલકથાકાર) -ની The Man Without Qualities નામની નવલકથાનાં મોટાભાગનાં પાત્રોનું પણ એવું જ છે. કુન્દેરા કહે છે કે આવી પરિસ્થિતિ લેખકો જાણી જોઇને ઊભી કરતા હોય એવું નથી પણ નવલકથાની કલા જ એવી છે કે જે નાયકોને અજાણપણે જ પ્રજોત્પત્તિ કરતાં રોકે છે કેમકે યુરોપીય નવલકથાએ નાયકને જનસમૂહના પ્રતિનિધિ તરીકે નહિ પણ એક સ્વતંત્ર હસ્તી ધરાવતા વ્યક્તિ તરીકે યુરોપીય જીવનના કેન્દ્રમાં સ્થાપ્યો છે. માનવીનું અસ્તિત્વ એનાં બાળકોમાં પનપે છે અને બાળકોનાં શરીરમાં જીવીને એ અમરત્વ પ્રાપ્ત કરે છે. પણ આ રીતે તો મારી અપૂર્ણતા છતી થાય છે, હુંમાંથી મારું કુટુંબ, મારાં વારસદારો, મારી જ્ઞાતિ, મારો દેશ એમ લીટી આગળ ને આગળ વધતી જાય છે અને મારો ‘હું’ લોપાતો જાય છે. જેથી કેટલાક યુરોપીયન વિચારકોએ ‘સ્વ’ને સમગ્ર સમાજનાના કેન્દ્રબિંદુ તરીકે જોયો છે તે વિચાર એક ભ્રમણા બની રહે છે.

પુસ્તકના ત્રીજા ભાગ Blacklists, or divertimento in homage to Anatole France (એનાતોલ ફ્રાન્સને અંજલી અને ફ્રાન્સમાં સાહિત્યકારોને નાતબહાર મૂકવાની પ્રથા વિષે થોડુંક)માં કુન્દેરા ફ્રાન્સના સાહિત્યજગતમાં ચાલતા ખરીતા બહાર પાડવાની પ્રથા વિશે ચોંકાવનારી વાત કરે છે. અહીં ગુજરાતમાં આપણે સમાજમાં સાહિત્ય પ્રત્યે કેવી ઉદાસીનતા છે એની વાત કરતાં કરતાં ફ્રાન્સમાં લોકો કેવા સુસંસ્કૃત છે તેની વાતે ચડી જઈએ છીએ અને શાર્લ દ’ગોલ (1890-1970,ફ્રાન્સના પ્રમુખ)ના સમયમાં સાર્ત્રની ધરપકડની દરખાસ્ત વિટો વાપરીને ઉડાવી દેતી વખતે ‘તમે વોલ્ટેરની ધરપકડ ન કરી શકો.’ એવું કહ્યાનું યાદ કરીએ છીએ કે પછી, ફ્રાન્સનાં છાપાઓમાં સાહિત્યના સમાચાર પહેલા પાને છપાય છે એમ પણ કહીએ છીએ પરંતુ કુન્દેરા પોતાનો એક અનુભવ વર્ણવતાં કહે છે કે એકવાર એક ફ્રેંચ સન્નારીને એમણે પૂછેલું કે તમને કયો સંગીતકાર ગમે? તરત પેલાં બહેને છણકો કર્યો કે ‘સેસાં [Saint-Saens, ફ્રાન્સના શાસ્ત્રીય સંગીતકાર,1838-1921]તો નહીં જ.’ કુન્દેરા ડઘાઈ ગયા કેમકે એમને ખાતરી હતી કે એ બહેને સેસાંનું સંગીત સાંભળ્યુ નહોતું પરંતુ એ સમયે સેસાં ફ્રેંચ બૌદ્ધિકોના બ્લેકલિસ્ટમાં હતા. અને ફ્રાન્સમાં હંમેશા એક યા બીજો લેખક કે કલાકાર આવી રીતે બૌદ્ધિકોના બ્લેકલિસ્ટમાં હોય જ છે. ઈ.સ.1924માં અનાતોલ ફ્રાંસ (ફ્રેંચ નવલકથાકાર,1844-1924)નું અવસાન થયું ત્યારે એની સ્મશાનયાત્રામાં હજારો લોકો આવેલાં પરંતુ ત્યાર બાદ થોડા સમયમાં ચાર સરરિયલ કવિઓએ તેમની નિંદા કરતું પેમ્ફલેટ છપાવ્યું અને ફ્રેંચ અકાદમીમાં તેની પછી ચેરમાં પોલ વાલેરી (ફ્રેંચ કવિ,1871-1945)ની નિમણૂક થઈ જેનો સ્વીકાર કરતું પ્રવચન એક સ્થાપેલી પ્રણાલિકા મુજબ વાલેરીએ આપ્યું એમાં નિયમ મુજબ એમણે પોતાના પુરોગામી તરીકે અનાતોલની લેખક તરીકે યોગ્ય પ્રસંશા કરવાની હતી એને બદલે વાલેરીએ આખા પ્રવચનમાં અનાતોલનો ઉલ્લેખ કર્યા વિના ફક્ત સંકેતોથી ચલાવ્યું અને ફ્રેંચ બૌદ્ધિકોમાં અનાતોલેની કીર્તિ તળીએ બેસી ગઈ! કુન્દેરા ઉમેરે છે કે ફ્રાન્સનાં ફેશનેબલ ડ્રોઇંગરૂમોમાં અને સેલો(salon-ફ્રાન્સની ધનિક સ્ત્રીઓ શોખથી પોતાને ત્યાં જે રૂમમાં લેખકો, કલાકારો અને બુદ્ધિજીવીઓને બોલાવે અને મોડી રાત સુધી ચર્ચાઓ કરે તે જગા)માં બૌદ્ધિકો ભેગા થઈને લોકમતનું ઘડતર કરે છે. એ ચર્ચા-વિચારણા કે ઊંડા અભ્યાસ બાદ નહીં પણ ફક્ત ચોટદાર મુહાવરા અને સાહિત્યેતર ધોરણોથી! પછી આગળ જતાં કુન્દેરા કહે છે કે હું કહું કે માતિસ (ફ્રેંચ ચિત્રકાર,1869-1954)સેકંડ રેટ ચિત્રકાર છે તો તેનાં ચિત્રો કોઈ મ્યુઝિયમમાં જઈને જોઈ લો તો મારો મત કેટલો મૂર્ખામી ભરેલો છે તે પંદર મિનિટમાં સાબિત કરી શકાય પણ લેખક જોસેફ કોનરાડ (પોલેન્ડમાં જન્મેલા અંગ્રેજી નવલકથાકાર, 1857-1924)અંગે હું અને મારો મિત્ર અલગ અલગ મત ધરાવતા હોઈએ તો કોના દાવામાં તથ્ય છે એ જાણવા માટે ત્રીજી વ્યક્તિએ એનું સાહિત્ય વાંચવું પડે જેમાં ચાર-છ માસ પણ જાય અને હું એક નવલકથાના આધારે કોનરાડને સારો લેખક કહું અને મારો મિત્ર બીજી નવલકથાના આધારે એને વખોડે તો બંનેના દાવામાં સચ્ચાઈ હોય એવું પણ બને એટલે કે વિવિધ કલાઓને આપણું મગજ જુદી રીતે, જુદી માત્રામાં અને જુદી ઝડપે ગ્રહણ કરે છે.

ચોથા ભાગનું શીર્ષક છે Dream of total heritage(અખંડ વારસાનું સપનું) ગાય કારપેટાએ નવલકથાના સ્વરૂપ વિષે કુન્દેરાનો ઇન્ટરવ્યુ લીધો છે તે મૂક્યો છે. કુન્દેરા, રેબેલે નામના ફ્રેંચ લેખકે(1494-1553) સોળમી સદીમાં લખેલી નવલકથા The Life of Gargantua and of Pantagruel (ગાર્ગેન્તુઆ અને પેન્તાગ્રુએની જીવનકથા) પર ખૂબ જ ફિદા છે અને નવલકથાના સ્વરૂપ વિષે વાત આવે કે તરત કુન્દેરાને આ નવલ સાંભરે જ. કુન્દેરાના મતે નવલકથાનું આજનું સ્વરૂપ ઘડાયા પહેલાંની આ નવલકથા છે અને એમાં નવલકથા કેટકેટલી વસ્તુને બાથમાં લઈ શકે એ રેબેલેએ બતાવ્યું છે. કુન્દેરા કહે છે કે નવલકથા એટલે માત્ર ભાષાકર્મ એવું વીસમી સદીના ઉતરાર્ધમાં મૂર્ખામીથી સાબિત કરવાનો પ્રયત્ન થયો એ બરાબર નથી. નવલકથા એટલે પાત્રો, કથા, અનેક તત્ત્વોની સંઘટના, (અલગ અલગ) ભાષાશૈલીઓ, કલ્પનાવિનિયોગ, વગેરે. રેબેલેએ નવલકથામાં ગદ્ય, પદ્ય, ટુચકા, ગંભીર ચર્ચા, રૂપક, પત્રો, વાસ્તવિક વર્ણનો, સંવાદો, એકોક્તિઓ, અને એવું ઘણું બધું એક નવલકથામાં કામમાં લીધું. નવલકથા આ બધાનો પોતામાં સમાવેશ કરી શકે એ વાત ત્રણસો વરસ સુધી તેનો શાસ્ત્રીય ઢબે સ્વરૂપવિકાસ કરવામાં વિસરાઈ ગઈ તે ઠેઠ જોય્સે ‘યુલીસિસ’(1922)લખી ત્યાં સુધી કોઈએ આ શક્યતાઓ તાગી જ નહીં….અત્યારે ઇતિહાસલેખન અને સાહિત્ય-સિદ્ધાંતના કારણે misomusy(કલા અને સાહિત્ય પ્રત્યેની સૂગ માટે કુન્દેરાએ બનાવેલો એક શબ્દ) વધી રહી છે ત્યારે લેખકોએ રેબેલેના આ વારસાને ટકાવવા આગળ આવવું જોઈએ.

પુસ્તકના પાંચમા ભાગ Encounter(મુકાબલો)માં કુન્દેરા કહે છે કે નવલકથાના પહેલા તબક્કામાં હજી લખાતા શબ્દ કરતા બોલાયેલો શબ્દ પ્રભાવી હતો એટલે Decameron(ડેકામેરોન-ચૌદમી સદીના ઇટાલિયન લેખક બોકાસિયો (1313-1375)એ લખેલી દસ વાર્તાઓનો સંગ્રહ)માં આ બોલાતો શબ્દ પ્રબળ છે, ત્યાર બાદ રેબેલે અને લોરેન્સ સ્ટન (આઇરિશ નવલકથાકાર,1713-1768)માં હજી પણ એ બોલતો શબ્દ સ્પષ્ટ છે પણ બીજા તબક્કામાં ઓગણીસમી સદીની શરૂઆતમાં લખાયેલો શબ્દ વજનદાર બનતો જાય છે.અને જેમ્સ જોય્સની ‘યુલીસિસ’ નવલકથામાં છેલ્લે આવતી મોલીની એકોક્તિમાં લેખકે ભાષા પાસેથી જે રીતે કામ લીધું છે તેમાં બંને પરંપરા એક બીજાના હાથમાં હાથ નાખીને સાથે ચાલતી હોય એવું અનુભવાય છે.

પુસ્તકના છઠ્ઠા ભાગ Elsewhere (અન્યત્ર)માં પોતાના દેશમાંથી ત્રાસદાયક રાજકીય પરિસ્થિતિને લીધે બીજા દેશમાં મજબૂરીથી હિજરત કરી ગયેલાં લેખકો અને કલાકારો એ રાજકીય પરિસ્થિતિ સુધરતાં કે નાબૂદ થતાં પોતાના દેશમાં પાછાં ફરતાં નથી એમ કહીને કુન્દેરા ઝેક લેખિકા લિન્હાર્તોવા(1938)ને ટાંકીને કહે છે કે માતૃભૂમિમાં પાછા ફરો એવો આદેશ દેશપ્રેમને ધ્યાનમાં રાખીને અપાયો હોવા છતાં એમ કહેવું એ કોઈ કલાકાર જાણે કે કોઈ એક દેશની અંગત મિલકત હોય એવું લાગે. આવો આદેશ માનવ-અધિકારનો સરેઆમ ભંગ છે. ઘણીવાર તો લેખક દેશ છોડવાની સાથે માતૃભાષા પણ છોડીને બીજી ભાષામાં સર્જન શરૂ કરી દે છે કેમકે જેમ નવી ભૂમિમાં વસવું એ એનો અધિકાર છે એમ નવી ભાષામાં લખવું એ પણ એની સ્વતંત્રતાની અભિવ્યક્તિ છે. વીસમી સદીમાં નેબોકોવ (રશિયન-અમેરિકન નવલકથાકાર-1899-1977),બેકેટ, સ્ત્રાવિન્સ્કી (રશિયન શાસ્ત્રીય સંગીતકાર,1882-1971) અને ગોમ્બ્રોવીક્ઝ (પોલિશ નવલકથાકાર, 1904-1969) જેવા લેખક અને સંગીતકારોએ પોતાનાં દેશ અને ભાષા છોડીને અન્યત્ર સ્થળાંતર કર્યાના અને ત્યાં જ રહી પડ્યાના દાખલા મોજૂદ છે.

પુસ્તકના સાતમા ભાગનું નામ My first love (મારો પહેલો પ્રેમ) અને આઠમા ભાગનું નામ Forgetting shooenberg (શુએન્બર્ગનું વિસ્મરણ) છે જે બંને પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીત વિષે છે. કુન્દેરાના પિતા પોતે એક સારા વાદ્યકાર હતા અને તેમની ઊંડી સંગીતસૂઝનો વારસો કુન્દેરાને મળ્યો છે. સંગીત વિશેના એના વિચારોની ચર્ચા અહીં કરી નથી.

પુસ્તકના નવમા અને છેલ્લા ભાગનું શીર્ષક છે The Skin: Malaparte’s arch-novel (માલાપાર્તેની મુખ્ય નવલકથા: સ્કિન) અહીં કુન્દેરા કહે છે કે એવા ઘણા મહાન નવલકથાકારો છે જે આપણને પોતાનાં સર્જનોથી મંત્રમુગ્ધ કરી દે છે પણ તેમને પોતાનું વ્યક્તિત્વ અને વિચારો અભિન્ન બની જાય એવું નવતર સાહિત્યસ્વરૂપ પ્રાપ્ત થતું નથી. કુન્દેરા કહે છે કે પોતે વીસમી સદીની શરૂઆતના ફ્રેંચ લેખકોના બહુ મોટા પ્રસંશક હતા, ખાસ કરીને સાર્ત્ર (ફ્રેંચ લેખક અને તત્ત્વજ્ઞાની, 1905-1980)ના. પણ સાર્ત્રે એક ચોંકાવનારી વાત લખી છે કે એમને ‘નવલકથા’ કે ‘નવલકથાકાર’ એવા શબ્દ ગમતા નહીં, એમનો આગ્રહ નવલકથાને ‘ગદ્ય’ અને નવલકથાકારને ‘ગદ્યકાર’ એવા શબ્દોથી ઓળખવાનો રહેતો. એ કવિતાને સાર્વભૌમિક કલા ગણતા પરંતુ એ કહેતા કે ગદ્ય તત્ત્વત: ઉપયોગીતાવાદી વસ્તુ છે અને ગદ્યકાર એ વક્તા છે. પોતાનાં લખાણોમાં એ વિષયને નામ પાડીને કહે છે, એનું વર્ણન કરી બતાવે છે, હુકમો છોડે છે,નકારે છે, પ્રશ્નો કરે છે,અનુનય કરે છે, અપમાન કરે છે, સમજાવે છે, યુક્તિથી વાત ગળે ઉતારવા દલીલો કરે છે.

*

આ પુસ્તકમાં કુન્દેરા સાહિત્યના સંદર્ભે રાજકીય ચર્ચાઓ પણ કરે છે, સંગીત તો નવલકથાની જેમ જ એનો પ્રાણવાયુ છે પરંતુ અહીં મેં ફક્ત એમના નવલકથા વિશેના વિચારો મૂક્યા છે. કુન્દેરા આપણા યુગના મહાન નવલકથાકાર છે એટલે નવલકથા અને નવલકથાકારો વિષેનાં એમનાં નિરીક્ષણો માર્મિક છે અને એ ફક્ત વિધાન કરીને છોડી દે છે. એમની શિસ્ત એક વિવેચકની શિસ્ત નથી કે જેથી એ પોતાની વાત માંડીને કરે અને સંદર્ભો ટાંકીને સાબિત કરે. એવા વિવેચક થવું એ એમની મહત્ત્વાકાંક્ષા પણ નથી. પોતાના વિશાળ વાચનને લીધે એમની ચેતનામાં નવલકથાનો એક વિશિષ્ટ ભૂમિકાએથી પ્રત્યક્ષ કરેલો ઇતિહાસ પડેલો છે એને ધ્યાનમાં રાખીને તે નવલકથાનાં વિવિધ પાસાં વિશે વધુમાં વધુ એક-બે ફકરામાં લસરકા જેવાં નિરીક્ષણો કરે છે. જે ભાવકો નવલકથાને પરીક્ષાના એક વિષય તરીકે નહીં પણ સૌન્દર્યબોધની ભૂમિકાએ જુએ છે તેમને આ પુસ્તકનાં માર્મિક નિરીક્ષણો અખૂટ આનંદ આપે છે.

*

કિરીટ દૂધાત
વાર્તાકાર.
પૂર્વ-કલેક્ટર, ગુજરાત.
અમદાવાદ.
kiritdoodhat@gmail.com

9427306507
*