અવલોકન-વિશ્વ/પ્રેમ સ-અવયવ દેહ છે – દિલીપ ઝવેરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પ્રેમ સ-અવયવ દેહ છે – દિલીપ ઝવેરી


21-The-Lover’s-Body–Bill-Wolak Cover.jpg


The Lover’s Body – Bill Wolak
Cross Cultural Communications, New York, 2014
Do not tell them at what price you have earned the confidence to sing.

હજી હમણાં જ જેનું અવસાન થયું તે Leonard Cohen અમેરિકાની સાથોસાથ સાર્વત્રિક યૌવનના પ્રતિનિધિ હતા. શબ્દ, સંગીત, મંચપ્રસ્તુતિ અને પરિભ્રમણ કરવામાં એમની સમાંતરે લગભગ એમના જ સમવયસ્ક Bob Dylanને નોબેલ પારિતોષિક મળ્યું. Cohenપણ એવા જ લોકપ્રિય. પણ Cohenની વિશિષ્ટતા હતી માનવસંબંધમાં શૃંગાર-મિલનના ઉત્સવ રૂપે કે વિરહના અવસાદમાં.

બીજા વિશ્વયુદ્ધ પછી ઊભરતી વિપુલ સમૃદ્ધિ અને સત્તાધારીઓનાં વિવિધ છળ સામે વિયેટનામની લડાઈનાં વર્ષોમાં અનેક વિરોધ વિસ્તરતા ગયા. Black Pantherના આક્રોશ કે એલન ગિન્સબર્ગના વિધિનિષેધ, બેતમા બીટનિક સમૂહો કે અમર્યાદ ઉપયોગિતાની સાથોસાથ જ સામાન્ય જનજીવનને ચાહનાર અથવા સૌંદર્યના ઉત્સુક પર્યાય પણ પ્રત્યક્ષ થતા ગયા. Cohenસૌંદર્યલક્ષી. આ સમયે Bill Wolak એક કુમાર, જેની આંખોમાં સદા ય સ્વપ્ન હોય. તે Cohenનો પ્રભાવ પોતાના કાવ્યસંગ્રહ The lover’s Bodyના પહેલે જ પાને, Cohenના જ શબ્દોમાં ટાંકે છે.

જ્યારે પ્રિયતમાના ખભે પ્રેમી પોતાનું મોં ચાંપે છે ત્યારે પ્રેમિકાને સંદેહ છે કે પોતાનો ખભો ચુમાયો છે કે ખભાએ પોતે ચુંબન કર્યું છે. એનો સમગ્ર દેહ તેનું જ મોં બની ગયો છે.

તો વાત આ છે. રતિ ક્યારે પ્રેમ બને છે?

પ્રકૃતિને જીવન જાળવી રાખવા વંશપરંપરા માટે રતિ આવશ્યક છે. રતિ સાથે આનંદ મહદંશે અને ક્વચિત્ પીડા કે ધ્વંસ પણ જોડાયાં છે. જૈવિક સાતત્યના ધ્યેયને ઉભય પરાકાષ્ઠા આવશ્યક છે, જેની પ્રતીતિ જન્મ અને મરણ બેઉ ક્ષણે અનુભવાય છે. મૃત્યુ જન્મને માટે અવકાશ રચી આપે છે. પણ મૃત્યુની પહેલાંનાં જીવનનાં સુખ સૌને વેતન થઈને મળતાં રહે છે તો દુ:ખ અંતિમ પરિણામનાં ઇંગિત છે. જન્મ પૂર્વેની રતિને પ્રકૃતિએ વિવિધ રીતે ઉદ્દીપક અને સંચારી, લયમાં રચી છે. ફૂલોનાં રંગ-સુગંધ, ફળોના સ્વાદ,પશુ-પક્ષી-કીટના દેહની અવનવી છટાઓ, સ્વરો, ઋતુઓ, ભૌગોલિક સહાયતાઓ અને આમ અનેક રીતે સંવનન, સહગમન અને પ્રજનનને સેળભેળ કરી આ

ઉત્સવમાં પ્રકૃતિ પ્રત્યેક જીવને એક પરાકાષ્ઠાથી ઇતર પરાકાષ્ઠાના અનુભવ કરાવે છે.

ઇન્દ્રિયોનો વિકાસ પણ આમ જ સંભવ્યો. તો પ્રકૃતિ સાથે અનેકવિધ લય જોડનાર કવિ પણ એના દર્પણ સામે વિવિધ ભંગિમાઓથી શૃંગારની ઊજવણી ન કરે તો જ આશ્ચર્ય. સાહિત્યમાં શૃંગારની પરંપરિત મુખરિતતાઓની સાથોસાથ સંયત ગરિમા પણ કેન્દ્રમાં રહી છે. પરિઘ છે દેહનો અને જાતજાતનાં ઉદ્દીપન,સંચારી ભાવ શૃંગારની રસાનુભૂતિ પર્યંત ભાવકને પહોંચાડે છે. હવે પ્રશ્ન છે આ – શૃંગાર કઈ રીતે પ્રેમમાં પલટાય છે? પ્રેમ પ્રકૃતિનાં પ્રયોજનોથી સ્વતંત્ર એવી ચૈતસિક ભૂમિકા છે. અને આ પ્રેમ કેવળ મનુષ્યજાતિમાં જ પ્રણીત નથી, અન્ય જીવોમાં પણ પ્રચરિત છે.

Billની કવિતાઓમાં ઉત્કટ રતિનું પ્રગલ્ભ પ્રેમમાં રૂપાંતર થાય છે. પહેલાં કેટલાંક ઉદાહરણ આપું, ક્યાંક પંક્તિઓના અનુવાદ કરીને અને ક્યાંક મૂળ અંગ્રેજીમાં જ રહેવા દઈને.

મારી છળી પડેલી આંગળીઓ વચ્ચે
તારી જીભ તું સરકાવે છે અને મલકે છે,
તારી આંખોમાં વાટ જોતા આકાશ સાથે
ઝ્ સંભારવું એટલે હજી ય તડકાની ઊનાશને અનુભવવી
જ્યાં કોઈનો હાથ કે સાથળ
પહેલી જ વાર તમારા દેહને વળગ્યાં હતાં.
ઓશિકા પર ઝૂકેલી તારી લાંબી કાય,
પથારીએ પંપાળતાંક તારી ચામડી ઝગમગે છે
તડકાને તરસતા મધની જેમ.
જ્યારે મને પાણીની મોકળાશથી તેં ઝાલી રાખ્યો
ત્યારે મારી ભીતર તું ચાંદની લઈ આવી
તારા દેહમાં મેં પહેલી વાર અનુભવ્યું
જેને ધુમ્મસ સંતાડી રાખે છે
ઊંડે, અંતરોની ભીતર
સ્વપ્નોમાં

Now when I need to remember you
I stand in the shower under the hottest setting
And in the gushing, burning surge
I can feel you once again
pressed against me like roots
suddenly tightening in a tree
split by lightening

સહસ્નાનના સ્મરણની છેલ્લી કડીની પહેલી સાડા ચાર પંક્તિમાં અવસ્ત્ર થઈ, ગરમ ફુવારા હેઠળ ઊભા રહેવું એ ઉદ્દીપન ભાવ છે. પણ રતિની પરાકાષ્ઠા જ્યારે આવે ત્યારે એકલતામાં વૃક્ષના કલ્પનથી પરિમાણ પલટાઈ જાય છે. અને વીજપ્રપાતની તીવ્ર વિસ્ફોટકતા આનંદ-વેદનાના ભયને ચરમ સ્તરે વિસ્તારી દે છે. સંચારી છે એક પ્રાસ tightening અને lighteningનો.

I miss your blue eyes
where I lost the sea
and your broad shoulders
pressed against my back
while I dreamed
But I miss you most
in the silence
between love songs
You drop the moon in a black
guitar case
into the empty courtyard of night
and turn to me with your naked body
covered in fireflies
so that I can bite the sun

એમ તારાં પાતાળોને મારાંની સાથે ચોળે છે
રેતીની આંધી ધરતીકંપની પલાણે
મોકળા ગીતની જેમ

When love ends
your body slams shut
like a door
that still dreams
of becoming a window
Breathless as a whirlpool,
you hold me
with the grip of rain.
your body irresistible
as a waterfall’s perfume
He enters her
more gently than a whisper,
like a snowflake
balanced on a pine needle

આ ત્રૂટક અંશને જોડે છે તે પ્રેમ છે.

શૃંગારથી પ્રેમનો પ્રવાસ બહુસ્તરીય છે. એકલતા, એકાંત, મિલન અને રતિ. આ વૈયક્તિક સંજોગો છે. ઇન્દ્રિયોના અનુભવનું વૈવિધ્ય, રોમાંચની ક્ષણિકતાઓ, આનંદની પરંપરિતતા, સ્વયંને અતિક્રમી અવરમાં વિસ્તાર અને વિશાળતામાં પરિણતિ અંગત સંવેદન છે. પણ વૈયક્તિક અનુભૂતિનાં પ્રતિરૂપની પ્રતિશોધ પ્રકૃતિમાં કરવાનું આહ્વાન ગઈ સદીના આરંભમાં રિલ્કેએ આપ્યું હતું. જે કવિ નિસર્ગ સાથે અનુસંધાન કરી શકે છે તેને વૈશ્વિકતાનો અનુભવ સહજમાં પ્રાપ્ત થાય છે. આ વૈશ્વિકતા જેને Zenમાં Satori કહે છે અને આપણે કહીએ સાક્ષાત્કાર, તે ક્ષણ માત્રમાં અનંતની ઘટના છે. અને આ સાક્ષાત્કાર રતિની પરાકાષ્ઠાએ કોને નથી થયો!

તોBillકાવ્યશાસ્ત્રમાં વર્ણવેલા અનેક અલંકારોને આયોજી, ઉપમાથી, કલ્પનથી, પ્રતીકથી, વ્યંજનાથી, શ્લેષથી અને ક્યારેક સરળ વિધાનમાત્રથી ગતિ-વ્યાપ્તિ-સંહતિની યોજનામાં રતિને શબ્દના રસાયણથી પ્રેમમાં પરિવતિર્ત કરી દે છે. Like an Alchemist. પણ આ પરિવર્તન પૂર્વરૂપને નકારનારું-વીસારનારું નથી. પ્રેમના DNAમાં રતિનાં સૂક્ષ્મથી સૂક્ષ્મ રૂપ, લક્ષણ અને શક્યતા પૂર્ણત: જળવાઈ રહ્યાં છે. આમ જે કંઈ પ્રતીત વર્ણનીય છે તે અદ્ભુત અવર્ણનીયતા જ આપણું અસ્તિત્વ બની જાય છે.

પ્રેમ વીજળી છે,અંધારું છે, બરફ છે, આગિયા છે,હળવો તડકો છે, સઘન ચાંદની છે, ન બોલાયેલો શબ્દ છે, ગુંજતું વાજિંત્ર છે, દરિયો છે, રેતી છે,પંખીનાં પગલાં છે, ઉડ્ડયનો છે, જીભ છે, કાન છે,ત્વચા છે, નાક છે,અંધારે અજવાળે સતત ઉઘાડી આંખ છે અને બંધ કરેલી આંખ પાછળનું સ્વપ્ન છે. પ્રેમ સ-અવયવ દેહ છે.

તમે પ્રેમની જેટજેટલી કલ્પનાઓ કરો તેને હકાર કરતો Bill તમને અનેક કલ્પનાતીતમાં હંકારી જાય છે.

બાકીનું જીવન તો યથાવત્ રહે જ છે. અને આ જીવનવ્યવહારમાં, માનવસંબંધોમાં પ્રેમનાં વેગળાં રૂપ સૌ કોઈની નિયતિમાં છે. ભાઈ-પિતા-પુત્ર-માતા-મિત્ર કે અપરિચિતના સંબંધમાં ય પ્રેમ છે. Bill આ વાત એના છેવટના કાવ્યમાં મિત્ર દિલીપ ઝવેરીના વિકટ સમયમાં ખભે હાથ મૂકીને પ્રેમથી કહે છે. આ કાવ્યમાં કરુણ અને કરુણા બેઉ સાથોસાથ છે. અને એટલે જ એને અપવારિતમ્ અંગત રાખી તમને સૌને માત્ર Billની જ પંક્તિઓ વંચાવું જે Mariaને તેણે પુસ્તક અર્પણ કર્યું છે તેને માટે લખેલી કદાચ–

The nakedness you seek
is gentle as a blue heron
stepping backward in river mud
fragile as a morning glory
opening at day break
fragrant as a perfume
of lychee sea

*

દિલીપ ઝવેરી
કવિ, કાવ્યાનુવાદક.
વ્યવસાયે તબીબ,થાણે.
થાણે, મુંબઈ.
jhaveridileep@gmail.com

9969276911
*