આંગણું અને પરસાળ/અભિમાન


અભિમાન

અભિમાન શબ્દ સાંભળતાંની સાથે જ, એનો અર્થ આપણા મનમાં ઊગે ન ઊગે એ પહેલાં રાવણ આપણી સામે ખડો થઈ જાય છે! રાવણ અભિમાનનું મૂર્તિમંત રૂપ છે, અભિમાનનું પ્રતીક. પણ પછી રાવણને જો આપણે બાજુએ ખસેડી શકીએ મનમાંથી, તો અભિમાન નામનો શબ્દ ધીરેધીરે એની પાંખડીઓ આપણી સામે ખોલવા લાગશે. કોઈ પણ શબ્દની એ જ તો મજા છે ને કે હજારો વર્ષો દરમિયાન, જુદાજુદા અર્થો પી-પીને એ પુષ્ટ થતો જ જાય છે. અહીં જ જુઓ ને! અભિમાનમાં મૂળે જે માન શબ્દ છે એના જ, બિલકુલ સામસામે બેસે એવા બે અર્થો છે – માનનો અર્થ આદર પણ થાય છે ને ઉદ્ધતાઈ પણ થાય. તમે પોતાની જાતને જ માન આપો છો કે બીજાને પણ આપો છો – એમ પૂછીએ એટલે આ વાત સમજાય. પણ આપણે હજુ આગળ વધીએ એ પહેલાં સંસ્કૃતનો બીજો શબ્દ પણ સાંભળી લઈએ? એ શબ્દ છે – માનિની. માનિની એટલે સુંદર ખરી પણ ગર્વિષ્ઠ નાયિકા. એનું અભિમાન પણ રસ પમાડે એવું. જો એનું મહત્ત્વ સહેજ પણ ઓછું થયું, જો નાયકની નજર પળ માટે પણ એના પરથી ખસી તો એ ઇર્ષ્યાભર્યા ગુસ્સાથી રૂઠી જવાની. પછી મનાવ્યા કરો એ માનિનીને! નાયિકાનો આ રોષ, એનો આ દર્પ એ જ માન. એટલે જ તો એને માનિની કહી કવિઓએ! પોતાનો જ મહિમા, પોતાની જાત વિશેનો ઘણો ઊંચો ખ્યાલ, પોતાનું અતિ મૂલ્યાંકન, અંગ્રેજીમાં જેને ઓવર એસ્ટિમેશન કહે છે ને તે જેનામાં હોય; અને બાકીનાઓ માટે જેને કંઈક તુચ્છભાવ હોય એ અભિમાની કે અહંકારી. એને માટે એક બીજો અસરકારક શબ્દ છે – ઘમંડી. જુઓ, અવાજ જ સાંભળો ને – ઘમણ્ડ. બહુ વિસ્ફોટક છે આ શબ્દ. અભિમાન પાછું સર્વવ્યાપી હોય છે – એટલે કે માણસના શરીરથી એ શરૂ થઈ શકે ને બૌદ્ધિક શક્તિ સુધી પહોંચી જાય. કોઈ રૂપવતી નારી, કોઈ સોહામણો પુરુષ, સંગીતનો કોઈ ઉસ્તાદ કે ગણિતનો ખાં – એ બધાં જ, નમ્રતાથી શોભે પણ અભિમાનથી ભૂંડાં લાગે. પોતાને જ પંપાળે, પોતાનો જ મહા આદર કર્યે જાય તો એવો માણસ પછી બીજાનો આદર તો પામી જ શી રીતે શકે? શરૂઆતમાં એની શક્તિ માટે આપણને માન થાય ખરું પણ ધીરેધીરે આપણે માંડી વાળીએ. મનમાં કહીએ કે, જા ભાઈ, તું ઉસ્તાદ હોય તો તારા ઘરનો! આ અભિમાનીજી ધમધમ કરતા આગળ વધ્યે જ જતા હોય પણ તેમને ખબર નથી હોતી કે એમની દિશા પર્વતશિખર તરફની નથી પણ ભેખડ તરફની છે. એક જ ડગલું આગળ ને સીધા ખીણમાં. આપણા લેખકોએ હંમેશાં અભિમાનીની રમૂજ કરી છે, ઠેકડી ઉડાડી છે. ‘મિથ્યાભિમાન’ નામનું કવિ દલપતરામનું નાટક ખૂબ જાણીતું છે. વ્યક્તિત્વ સાવ ખોખલું હોય ને તોય જે અભિમાન કરે તે તો વળી મિથ્યા અભિમાની. એનીય પહેલાં, કવિ અખાએ વધુ અસરકારક વાત કરી છે. સાંભળો –

દેહાભિમાન હુતો પાશેર, વિદ્યા વધતાં વાધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો.

પાશેરથી મણ સુધીનો આ વિકાસ(!) જુઓ. ચર્ચાવાદમાં જીત્યો એટલે તોલે થયો, અર્થાત્ દશ શેરનો થયો. અને ગુરુ થયો એટલે ગૌરવશાળી ન થયો, માત્ર વજનદાર થયો – ‘મણ’માં ગયો! અલબત્ત, અભિમાન શબ્દનું એક સુંદર, આવકારદાયક રૂપ પણ છે, એય જોવું જોઈએ. માત્ર પોતાને જ નહીં પણ બધાંને સમાવતો આત્મવિશ્વાસ હોય એ અભિમાનનું એક અનોખું, જરા ઊજળું સ્વરૂપ છે – જેમ કે સ્વદેશાભિમાન. જ્યારે ગર્વનું ગૌરવમાં રૂપાંતર થાય ત્યારે જ સ્વદેશ-અભિમાન કે માતૃભાષા-અભિમાન પ્રગટ થાય. વેદવ્યાસેે તો મહાભારતમાં કહી જ દીધેલું – ન માનુષાત્ શ્રેષ્ઠતરં હિ કિંચિદ્. આ વિશ્વમાં મનુષ્યથી ચડિયાતું કશું જ નથી. અભિમાનનું આ વિધાયક, હકારાત્મક મૂલ્ય છે. પરંતુ આવું સામુદાયિક અભિમાન પણ, જો ધ્યાન ન રાખ્યું તો જોખમી પુરવાર થઈ શકે. વ્યાપકનેય સંકુચિત થતાં વાર લાગતી નથી. વિવેકનો તંતુ જો પકડી ન રાખ્યો તો સ્વદેશાભિમાન પણ ઝનૂનને હવાલે થઈ શકે. વ્યક્તિગત અભિમાન એને એકલાને નીચો પાડે પણ સામુદાયિક અભિમાન ક્યારેક, વિવેક ચુકાય તો, હજારોનો વિનાશ નોતરે. જુઓને, મનુષ્યત્વને શ્રેષ્ઠ ગણનાર વ્યાસે જ બતાવી આપ્યું કે મહાભારતના યુદ્ધનો કેવો કમનસીબ અંત આવ્યો! માણસ મનુષ્યતાનું ને જીવનનુુંં ગૌરવ જાળવી ન શકે તો આખું વિશ્વ વિશ્વયુદ્ધમાં હોમાઈ જાય. અભિમાનને નિયંત્રિત કર્યું હોય એ જ ઈષ્ટ છે.

૧૯.૯.૨૦૧૩