આંગણું અને પરસાળ/શ્રવણ અને દર્શન


શ્રવણ અને દર્શન

મનુષ્ય તરીકેના આપણા અનુભવોનો ક્રમ શો છે? સૌ પહેલાં આપણે સાંભળીએ છીએ કે સૌ પહેલાં આપણે જોઈએ છીએ? કે પછી બંને એક સાથે? નવજાત શિશુ આંખ ખોલે છે ને તે જગતને જુએ છે. તો, પહેલું દર્શન? પણ કહે છે કે શિશુ ગર્ભસ્થ હોય ત્યારે પણ સાંભળે છે – માતાના હૃદયના ધબકાર. અભિમન્યુએ સાત કોઠાનું જ્ઞાન, ગર્ભમાં જ, સાંભળીને ગ્રહણ કરેલું! તો, શ્રવણ પહેલું? જે હોય તે. પણ શ્રવણનો મહિમા મોટો છે. સાંભળતાં-સાંભળતાં જ ભાષા શિખાય છે. ભણવાનું તો પછી આવે. ને ભાષા સમજાય એ પહેલાં અવાજનો લય આત્મસાત્ થતો જાય છે. હાલરડાંથી લયનું પોષણ મળતું એ હવે સાવ ઓછું થઈ ગયું પણ માનવભાષામાં પણ અવાજનો લય હોય છે – શિશુ એ લય, એના લહેકા, આરોહ, અવરોહ, સૂરના હિલોળા આત્મસાત્ કરતું રહે છે. અર્થ જન્મે એ પહેલાં શબ્દ ઊઘડે છે ને આપણા ચિત્તમાં શોષાય છે. પ્રથમ શ્રુતિનું સૌંદર્ય તાજું હોવાનું – અર્થના થર તો પછી ચડ્યા કરે. અને એ પછી પણ શ્રવણનો કેડો છોડ્યે પાલવે નહીં. આપણે જેવું સાંભળીએ, તેવું બોલવાના; જેટલું ધ્યાનથી સાંભળીએ તેટલું સ્પષ્ટ, તેટલું અણીશુદ્ધ બોલવાના. આપણી પોતાની ભાષામાં જે ઉચ્ચારના દોષ, ઉચ્ચારના જે ગોટાળા આપણે કરીએ છીએ તે સાચા શ્રવણને અભાવે. આપણામાંથી કેટલા જણ ર અને ડ અને ળ એકબીજાથી જુદા, સ્પષ્ટ ઉચ્ચારે છે? આપણો ણ અણીશુદ્ધ હોય છે? આવો ચોખ્ખો ભેદ નથી રહેતો એનું કારણ આપણી જીભ નહીં પણ આપણા કાન હોય છે. શ્રુતિ જો સ્મૃતિમાં બરાબર છપાય નહીં તો ખોટા ને ખંડિત અવાજોથી આપણે આપણા ઉચ્ચારોને, ને એમ ભાષાને દૂષિત કરીએ છીએ. શ્રવણનો કેટલો ઝીણો, કેવો આહ્લાદક ને સુંદર પંથ છે. જુઓ, પહેલાં ભાષા, પછી કવિતાનો છંદ, ને સંગીતનો સૂર. એ સૂરની વિવિધતા ને એ સૂરોનું સૂક્ષ્મ સૌંદર્ય માણે તે જાણે. શ્રવણની લગોલગ છે દર્શન. આપણી આંખની સામે પ્રકૃતિએે કેવો વૈભવ બિછાવી દીધેલો છે! તમે પહેલીવાર આંખ ખોલી એ પહેલાં જ આ ઐશ્વર્ય તૈયાર હતું – પ્રકાશ અને અંધકાર, રંગો અને ગતિ. કોઈ સુંદર સ્થળે મોડી રાતે પહોંચ્યાં હોઈએ ને સવારે આંખ ખૂલે ત્યાં તો એક વિરાટ સુંદર દૃશ્યથી આપણે આશ્ચર્યમુગ્ધ થઈ જઈએ છીએે – કોઈ ઉન્નત પર્વતમાળા, કોઈ ઘેરું-લીલું વન, કોઈ અફાટ સુંદર સમુદ્ર. પણ આમ જુઓ તો આંખ તો એક સુવિધા છે, એક સાધન છે. લોચન એ સાધનવાચક સંજ્ઞા છે ને? ખરેખર જે જુએ છે તે તો આપણું મન, આપણી ચેતના. કેટલીક વાર એવું નથી બનતું કે આપણે જે જોઈ રહ્યા છીએ એ ખરેખર તો આપણે જોતા નથી? આંખ સામેે દૃશ્ય છે ને મન સામે એક બીજું દૃશ્ય છે, જે આંખ સામે નથી. આપણું સ્મરણ આપણને બીજે સ્થળે, બીજા જ સમયમાં લઈ જાય છે ને બીજું જ કંઈક બતાવે છે. વળી એક બીજી વાત પણ છે. જે આંખ સામે છે તે પણ આપણે બરાબર જોઈએ છીએ ખરા? ક્યારેક તો આપણે કેટલું બધું, ને કેવુંકેવું જોવાનું ચૂકી જતાં હોઈએ છીએ! કાકાસાહેબ કાલેલકરનું પુસ્તક ‘હિમાલયનો પ્રવાસ’. એ વાંચ્યા પછી કોઈકે કહેલું કે, ‘અરે, હિમાલય તો હું પણ જોઈ આવ્યો છું પણ આ કાકાસાહેબે જે જોયું, જે હિમાલય જોયો એ તો મેં જોયો જ નહીં! ફરીથી જવું પડશે.’ આવું સૌંદર્ય જોનાર સર્જકો અને સૂક્ષ્મદર્શક આંખથી જોનાર ડિટેક્ટીવો જે જુએ છે, જે રીતે જુએ છે, એને ‘જોયું’ કહેવાય! અને દર્શન? દર્શન એટલે મૂળનું જ્ઞાન ને દૂરનું, બધું આવરી લેતું જ્ઞાન. કવિઓ, મનીષી કવિઓ ક્રાન્તદૃષ્ટા કહેવાય છે – સમયની આરપાર ને સમયની પેલે પાર ‘જોનારા’. અને દર્શન એટલે વળી સાક્ષાત્કાર. સાક્ષાત્કારને ચમત્કારમાં ખપાવવો બરોબર નથી, એ એક દૃઢ પ્રતીતિ છે. એવી પ્રતીતિ પછી આનંદમાં રૂપાંતર પામે છે.

૨૫.૩.૨૦૦૪