આંગણું અને પરસાળ/સમુદાય અને ટોળું


સમુદાય અને ટોળું

જુઓ : એક લગ્નસમારંભ ચાલી રહ્યો છે. રંગબેરંગી વસ્રો પરિધાન કરીને એક માનવ-સમૂહ પ્રસન્નતાથી મહાલી રહ્યો છે. શોરબકોર છે, પણ ઉમંગનો છે. ને એ ઉમંગના સૂરોમાં ઉમેરાય છે શરણાઈના સૂર... આમ, માણસો એકઠાં થાય એને માટે આપણી ભાષામાં કેટલાબધા શબ્દો છે! ક્યાંક કોઈ લોકપ્રિય નેતા કે અભિનેતા આવ્યા હોય ત્યાં એકઠી થાય એને માનવમેદની કહે છે. ક્યાંક ધાર્મિક કે રાજકીય મહોત્સવ હોય, ત્યાં, પત્રકારો કહેશે કે માનવ-મહેરામણ છલકતો હતો. અને ભક્તસમૂહ માટે તો કવિ તુલસીદાસે કેવું સરસ ચિત્ર ઉપસાવ્યું છે!

ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતનકી ભીર...

એ સંતોની ભીડ. અને વળી દિવાળીના દિવસોમાં બજારમાં થાય એ જુદી જ ભીડ! આવા બધા શબ્દોની ભીડ વચ્ચે એક ખૂબ જ વિનયી, શાલીન, સંસ્કારી શબ્દ છે – સમુદાય. લેખક-સમુદાય, કલાકાર-સમુદાય ને અલબત્ત, શ્રોતાસમુદાય. એના મૂળમાં છે સમુદય. એટલે કે સૂર્યનાં કિરણોનો પૂરેપૂરો ઉદય, સમ-ઉદય – સામર્થ્યાનામ્ ઈવ સમુદયઃ. એટલે જ શક્તિશાળી ને વિનમ્ર પણ હોય એવા પ્રજાવર્ગ માટે પ્રજાસમુદાય એવો સરસ શબ્દ વપરાય છે. હજુ એક શબ્દ છે એકઠાં થયેલાં માણસો માટે. એ શબ્દ તમારા મનમાં પણ રમતો જ હશે. તમે કહેવાના, અરે, આટલાબધા શબ્દો કહ્યા પણ એમાં ‘ટોળું’ શબ્દ તો રહી જ ગયો! ટોળું શબ્દ પહેલી નજરે અળખામણો લાગે, જરાક ડરાવનારો પણ લાગે. પણ એ કેવી ક્રિયા સાથે સંકળાય છે એ પણ જોવું જોઈએ. ગરબા કરવા માટે ‘સરખી સાહેલીઓ’ ટોળે મળે છે, અને કૃષ્ણને નીરખવા માટે ગોપીઓ પણ ટોળે નહોતી વળતી? ટોળે વળવું એટલે જાણે કે વીંટળાઈ વળવું! વળી મિત્રોની ટોળી હોય, એક મંડળી. એ જરાક તોફાનમસ્તી પણ કરી લે – ‘આવી ઘેરેયાની ટોળી, નવાઈલાલ, ચકલામાં ચેતીને ચાલો...’ નહીં તો રંગી નાખશે! પણ ટોળું? એ તો મહા જોખમી. માનવસમાજ છે તો એમાં સમુદાય પણ હોવાનો ને ટોળું પણ હોવાનું. સમુદાય મોટો થતો જાય ને, એનો વાંધો નહીં. એથી તો લોક-શક્તિ વધે છે – સામર્થ્ય વધે છે. પણ ટોળું એ તો અ-નિયંત્રિત માનવસમુદાય છે. ટોળું વધે એમ ભય વધે, અરાજકતા વધે. હિંસાચાર થાય ને સર્વનાશ પણ. કેટલાબધા નકારાત્મક અર્થો ટોળા સાથે જોડાયેલા છે! અ-શિસ્ત, બે-જવાબદારી, ઝનૂન, ગાંડપણ, અને એનું પરિણામ અ-માનવીયતા. માણસ માણસ મટીને અ-માણસ બની જાય. ટોળું ઘેટાંના ટોળા જેવું હોય છે – ખરેખર તો અંધ ને કમઅક્કલ. એનો નાયક તો પક્કો હોય છે, બધું જાણતો હોય. પણ બાકીના બધા? અધકચરા, કાચાપાકા, બેવકૂફ. એમને ખબર નથી હોતી કે એ શું કરી રહ્યા છે. ચાર્લી ચેપ્લીનની એક ફિલ્મમાં, ગટરમાં ઊતરી ગયેલો ને પછી બીજા ઢાંકણામાંથી બહાર નીકળતો એક માણસ, ત્યાંથી પસાર થતા સરઘસના ટોળામાં જોડાઈ જાય છે ને સૂત્રો પોકારવા લાગે છે. એ ‘ટોળા’નો પ્રતિનિધિ છે – મૂર્ખ અને જોખમી. ટોળું અંધ હોય પણ સમુદાય જાગ્રત હોય. એવો લોકસમુદાય ઉત્સવ ઊજવતો હોય કે પછી વિચાર-સભા યોજતો હોય. ક્યારેક વળી એ સમુદાય, તંત્રોનાં ખોટાં કામોનો વિરોધ પણ કરતો હોય – પણ એ બધા સંજોગોમાં એ સ્પષ્ટ હોય, દરેકેદરેક જણને પોતાના કર્તવ્યનો પૂરો ખ્યાલ હોય. એટલે જ વિરોધ અને ક્રાન્તિ પણ અહિંસક હોઈ શકે છે. કોઈપણ દેશ સમુદાયથી શોભે છે ને ટોળાથી બદનામ થાય છે, લજ્જિત થાય છે. સંઘ, સમુદાય, એ પોતે જ એક શક્તિ છે. જુઓ કે, ચપટીક મીઠાના સત્યાગ્રહથી, ગાંધીજીની આગેવાની હેઠળ દાંડીકૂચ થયેલી. એ દૃઢ નિશ્ચયવાળા સમુદાયની હતી. ટોળું અનિયંત્રિત રીતે ધસી જાય છે, સમુદાય ધીમી મક્કમતાથી આગળ વધે છે. ટોળાને પાછા ભાગવું પડે છે, સમુદાય નીડરતાથી આગળ ડગલું ભરે છે. સમુદાય એટલે પ્રસન્નતાભરી પ્રજાશક્તિ.

૫.૨.૨૦૨૦