આંગણું અને પરસાળ/તરંગો અને સ્વપ્નો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તરંગો અને સ્વપ્નો

સમુદ્રમાં મોજાં ઊછળે છે, ધસે છે, ફીણફીણ થઈ જતાં એ મોજાં ઘડીક આપણને આકર્ષી લે છે, પણ પછી એ પોતે જ પછડાઈને વિલાઈ જાય છે. એની પાછળ બીજું મોજું છે. વળી ત્રીજું. બધાં જ ઘડીક આકર્ષક ઉછાળ લઈને પછી પાણીમાં ભળી જાય છે. મોજાંની ભરતી વાળા સમુદ્રને વેલાકુલ કહે છે. મોજાંથી એટલે કે વેલાથી આકુલ. આકુળ અને વ્યાકુળ. આવાં જ મોજાં ને આવા જ તરંગો આપણા મનમાં પણ ક્યારેક ઊપડે છે, ઊછળે છે ને પછી વિલાઈ જાય છે. એનું પણ સુંદર મોહક ફીણ દેખાય છે. પણ એ શું છે? નર્યો ઊભરો. સત્ત્વ થોડું ને કદ ઝાઝું. એટલે જ તરંગો ને તુક્કા વર્તમાનની સપાટી પર ઊપસે છે ને ત્યાં જ અટકે છે. માનવમનના અભાવોને, અશક્તિઓને તથા આળસને પંપાળનારી એક માયાવી સૃષ્ટિ એ ઊભી કરે છે. શક્તિ ઓછી હોય, પણ મહેચ્છા મોટી હોય એવી પોચી ભૂમિમાંથી આ તરંગો જન્મે છે. લાચારની એ ટેકણલાકડી બને છે. પેલા શેખચલ્લીજીની વાર્તા તો આપણે જાણીએ છીએ ને? એ શ્રીમાન વર્તમાનમાંથી તસુયે આગળ વધ્યા વિના છેક સાતમે માળે પહોંચી જાય છે ને પાછા ત્યાંના ત્યાં આવી જાય છે, બલકે પછડાય છે. ત્યાંંના ત્યાં પણ નહીં, વધુ નીચે. એટલે એ વધારે લાચાર, ને વધારે હાસ્યાસ્પદ બને છે. પણ માણસ છે, તે તરંગે પણ ચડી જાય. વાસ્તવિકતાની ભીંસ વધે ત્યારે એને તોડવાને બદલે સરકી જવું ને જરાક મન બહેલાવવું. પરંતુ આ પલાયન છે, ઍસ્કેપ છે. વાસ્તવિકતામાંથી છટકવાનાં ફાંફાં છે. ભ્રાન્તિ છે. એટલે જ તરંગોને દીવાસ્વપ્ન પણ કહે છે. ફ્રાન્ઝ કાફકામાં એક માર્મિક વાત આવે છે : ઘોડો એના માલિક પાસેથી ચાબૂક ઝૂંટવી લે છે, ને પોતાને જ મારે છે જેથી એ પોતે માલિક સાબિત થાય! પણ આ તો એનું દિવાસ્વપ્ન હતું. માલિકે એક જોરદાર ચાબૂક ફટકારેલો એની અતિશય વેદનાને કારણે આવેલું દિવાસ્વપ્ન! હવે સ્વપ્ન. સ્વપ્નની આંખ પણ તરલ છે પણ એ સોંસરું જોઈ શકે છે. આકાશને તાકે છે ને અવકાશમાં આકૃતિ રચે છે – ભવિષ્યની આકૃતિ. વર્તમાનમાંથી ભવિષ્ય તરફની છલંગનો એ અંદાજ છે. સીમિત વર્તમાનને ઠેકી જવો છે પણ એ માટે વર્તમાનની ભૂમિ પોચી ન ચાલે, નક્કર જોઈએ. કેમકે નક્કર હોય તો જ એના પરથી ઊંચે ઉડ્ડયન થાય ને? દલપતરામની પેલી કવિતામાં આવે છે એમ, ચારચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય એ ખરું, પરંતુ આપણે કેવળ લાંબે સુધી જ જવું નથી, ઊંચે પણ જવું છે. ઘણા કહે છે કે આ ક્ષેત્રમાં હું ૨૦ વર્ષનો અનુભવી છું. પણ એમ વર્ષોની થપ્પીથી શું વળે? એનો પ્રસાર થવો જોઈએ. એક જ દિશામાં નહીં, દસે દિશામાં. સ્વપ્ન આપણને એ દસે દિશા બતાવે છે ને ત્યાં પહોંચવાની તમન્ના જગાડે છે. પ્રયાસને એ પાંખો આપે છે, એટલે જ સ્વપ્નનું બીજું નામ છે કલ્પના, ઈમેજિનેશન. ઈમેજિનેશન ન હોત તો ન મોટા કલાકારો થયા હોત કે ન મોટા વૈજ્ઞાનિકો થયા હોત. ઈમેજિનેટિવ, ક્રિયેટિવ માણસોની બધે માંગ છે – શું વિજ્ઞાનમાં કે શું સાહિત્યમાં, શું ઉદ્યોગમાં કે શું શિક્ષણમાં. એકેએક ક્ષેત્રમાં સ્વપ્ન રચાય છે, ને પછી એ સિદ્ધ થાય છે. તરંગ ઉદ્ભવે છે પણ સ્વપ્ન તો સેવાય છે. એ સેવાય છે એટલે જ તો પ્રગટ થતાં વેંત ઉડ્ડયન આદરે છે. જેમ પંખી તેમ માનવીનું સ્વપ્ન. હા, સ્વપ્નમાં ઊંચી ઉડાન હોય છે. પણ ધરતી સાથે, મૂળ સાથે સતત એનો સંપર્ક રહેલો હોય છે. આ માત્ર વિમાનનું જ સત્ય નથી, આદર્શનું પણ આ જ સત્ય છે, આ જ રહસ્ય છે. જુઓ ઉમાશંકર જોશીની કવિતાની આ પંક્તિઓ :

કીકી કરું બે નભ-તારલીની,
ને મીટમાં માપું દિગંતરાલને.

સૂર્ય-ચંદ્રની બે કીકીઓ કરું ને પલકમાત્રમાં દિશાઓના અંતરાલને માપું, ત્યાં પહોંચું. પણ તરત કવિ એમ પણ કહે છે –

વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી,
માથે ધરું ધૂળ વસુંધરાની.

વિશ્વમાનવી બનીને પણ ચરણ તો વસુંધરા પર રાખવા છે. સંકલ્પો તો જ સિદ્ધ થાય. એ જ પરમ રહસ્ય છે – સ્વપ્નનું, કલ્પનાનું ને માનવમાત્રની ઉત્તમ ને નક્કર મહેચ્છાનું. અને તો જ જીવન એ જીવંત રહે. સ્વપ્નનો પણ એક ઉમંગ હોય છે, છાક હોય છે. રગેરગમાં એ ચેતનને પ્રસરતું રાખે છે. નિરંજન ભગતની આ અર્થની પંક્તિઓ સાથે વિરમીએ :

સ્વપ્ને છકેલ મુજ પાગલ જિંદગાની.
આ શો નશો! રગ રગે સુરખી છવાઈ.

૧૦.૧૧.૨૦૦૫