આંગણે ટહુકે કોયલ/એક વણઝારી ઝીલણ

૩૪. એક વણઝારી ઝીલણ

એક વણજારી ઝીલણ ઝીલતી’તી,
મેં તો પે’લે પગથિયે પગ દીધો.
મારી ખોવાણી નવરંગ નથ, માણારાજ
વણજારી ઝીલણ ઝીલતી’તી.
મારા સસરાનાં ઝીલણ ઝીલતી’તી,
મારી ખોવાણી ભાલની ટીલડી હો રાજ
વણજારી...
મેં તો બીજે પગથિયે પગ દીધો,
મારો તૂટ્યો તે નવસરો હાર, માણારાજ
વણજારી...
મારી સાસુનાં ઝીલણ ઝીલતી’તી,
મારું ખોવાણું મોતીડું લાખ, માણારાજ
વણજારી...
મેં તો ત્રીજે પગથિયે પગ દીધો,
મારી ખોવાણી હાથની અંગૂઠી, માણારાજ
વણજારી...
મારી નણદીનાં ઝીલણ ઝીલતી’તી,
મારી ખોવાણી કાંડા કેરી કાંકણી, હો રાજ
વણજારી...
મેં તો ચોથે પગથિયે પગ દીધો,
મારો મચકાણો કેડ કેરો લાંક, માણારાજ
વણજારી...
મારા પરણ્યાનાં ઝીલણ ઝીલતી’તી,
મારે ઊગ્યો તે સોળરંગો સૂર, માણારાજ
વણજારી...

પોતાના ઘરમાં જ પાતાળ કૂવા, ઘરે ઘરે નળ અને ફિલ્ટર્ડ પાણી પીવાના આ યુગમાં કૂવા, વાવ, સરોવરે હવે માનુનીઓ ક્યાંથી મહાલતી જોવા મળે? આપણી માતાઓ-બહેનોને માથે હેલ લઈને પાણી ભરવા જવું પડતું ત્યારે વાવ, કૂવા-તળાવના કાંઠે સુખિયારી, દુઃખિયારીઓના મેળા જામતા. ક્યાંક ખડખડાટ હાસ્ય વહેતું તો ક્યાંક આંસુનાં ઝરણાં...! કૂવા, વાવ ને તળાવે વામાઓ હર્ષ કે હેરાનગતિની વાતો સખીઓને ખુલીને કહી શકતી ને એમ સમસુખી-સમદુઃખીને પ્રોત્સાહન કે આશ્વાસન મળી રહેતું એટલે જ તેઓ અનેક હાડમારીઓ વચ્ચે પણ મૂલ્યવાન જીવનનો અકાળે અંત ન આણતી, જીવ્યે જતી ને એને સુખની સંજીવની મળી રહેતી કેમકે જીવન છે તો બધા જ ઉપાયો છે-એ વાતની તેમને ખબર હતી. ‘એક વણજારી ઝીલણ ઝીલતી’તી...’ મધુરું, સુખ્યાત લોકગીત છે. પગથિયાંવાળો કૂવો એટલે કે વાવનું પાણી ભરવા એક વહુવારુ ગઈ. વાવમાં એક એક પગથિયું ઉતરતી જાય છે ને સાસરિયાંના એક એક સભ્યને યાદ કરતી જાય છે. દરેક પગથિયે એક એક અલંકાર ખોવાતા ગયા-નથણી, ટીલડી, હાર, મોતી, અંગૂઠી, કંકણ-બધું જ ખોવાયું પણ છેલ્લે જયારે પરણ્યાને યાદ કરીને પગથિયું ઉતરી ત્યારે કશું જ ખોવાયું નહીં, ને જાણે કે સોળેય કળાએ સૂરજ ઊગ્યો હોય એવો અહેસાસ થયો! સાસરિયે ત્રસ્ત સ્ત્રી પરિવારજનોથી વ્યગ્ર અને રિસાયેલી રહેતી પણ પતિનું નામ આવે કે તરત જ રોષ નિતારીને એની ભલાઈ ઈચ્છવા લાગતી, પતિને પરમેશ્વર માનવાની તત્કાલીન નારીની ભાવના કેટલાંય લોકગીતોમાં ઝીલાઈ છે. પતિ ઘરેલુ હિંસા આચરે તોય એ સહ્યે જતી પણ પતિનું બૂરું સપનામાંય ન થવા દેતી. આજના યુગમાં પુરુષોની હિંસક પ્રવૃત્તિ સજાપાત્ર ગુનો છે. કોઈ પતિને અધિકાર નથી કે પોતાની પત્નીને માર મારી શકે. ભલે સમય સાથે પરિવર્તન આવ્યું છે છતાં આવવું જોઈએ એટલું આવ્યું નથી કેમકે માત્ર કાયદાથી દુનિયા સુધરતી નથી પણ પાક્કા વાયદાથી જ સુધરે છે. આજે એમની તરફેણમાં કાયદા હોવા છતાં અનેક દારાઓ દુઃખી છે ને એના દુઃખ માટે મોટેભાગે બીજી નારીઓ જ દોષિત હોય છે એ પણ વરવું સત્ય છે. આ લોકગીતને બીજી નજરે જોઈએ તો એવું લાગે છે કે નાયિકા રમતે ચડી છે. સાસરિયાંને યાદ કરીને પોતાનું એક એક ઘરેણું ખોવાયું એવું ગમ્મત ખાતર કહે છે પણ પતિનું નામ લઈને સૂરજ ઊગ્યા જેવો માહોલ સર્જે છે. સૂરજનાં કિરણોને કેટલા રંગો હોય? મૂળ રંગો તો ત્રણ જ છે પણ મેઘધનુષ્યના સાત રંગો આપણે જોયા છે એ જ સૂર્યકિરણોમાં છે તો પછી સોળ રંગવાળો સૂર્ય કેમ? કારણ કે પતિ પ્રત્યેની પ્રીતિ જ એવી હોય કે સોળસો રંગો પણ ઓછા પડે...!