આંગણે ટહુકે કોયલ/ઊંચી ગોવિંદાની પીપલડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૩૫. ઊંચી ગોવિંદાની પીપલડી

ઊંચી ગોવિંદાની પીપલડી રે, નીચા સોનીડાના હાટ વાલા.
ઝૂમણાં મૂલવવાને હું ગઈ’તી રે, સામો મળિયો છેલ વાલા.
બોલાવ્યો પણ બોલ્યો નૈં રે, એટલું હૈયામાં કૂડ વાલા,
અંબોડે ગલ ફૂલ વાલા...
ઊંચી ગોવિંદાની પીપલડી રે, નીચા કસુંબીના હાટ વાલા.
ચૂંદડી મૂલવવાને હું ગઈ’તી રે, સામો મળિયો છેલ વાલા.
બોલાવ્યો પણ બોલ્યો નૈં રે, એટલું હૈયામાં કૂડ વાલા,
અંબોડે ગલ ફૂલ વાલા...
ઊંચી ગોવિંદાની પીપલડી રે, નીચા મણિયારાના હાટ વાલા.
ચૂડલી મૂલવવાને હું ગઈ’તી રે, સામો મળિયો છેલ વાલા.
બોલાવ્યો પણ બોલ્યો નૈં રે, એટલું હૈયામાં કૂડ વાલા,
અંબોડે ગલ ફૂલ વાલા...
ઊંચી ગોવિંદાની પીપલડી રે, નીચા માળીડાના હાટ વાલા.
ગજરો મૂલવવાને હું ગઈ’તી રે, સામો મળિયો છેલ વાલા.
બોલાવ્યો પણ બોલ્યો નૈં રે, એટલું હૈયામાં કૂડ વાલા,
અંબોડે ગલ ફૂલ વાલા...

ગુજરાતી લોકગીતો ક્યાં અને કેવીરીતે અર્થાત્ કયું કામ કરતાં કરતાં ગવાયાં એના પરથી એના પ્રકાર કે વિભાગ પાડવામાં આવ્યા છે. જેમકે પરોઢિયે ઘંટીએ દળણું દળતાંદળતાં જે લોકગીતો ગવાયાં એ ઘંટીગીતો તરીકે જાણીતાં છે, એમ કાપણી-લણણીનાં ગીતો, શ્રમજીવીઓનાં ગીતો, રાસડા વગેરે. વળી ગીતમાં ઘોળાયેલા વિવિધ રસ અનુસાર પણ વિભાગિકરણ કરવામાં આવ્યું છે તો ગીત ક્યા તાલ કે ઠેકામાં ગવાય છે એ મુજબ પણ વિભાજન થયું છે. જે લોકગીત બહુ જ વિલંબિત તાલમાં હોય એ મણિયારો તરીકે પ્રસિદ્ધ છે તો ત્રણ તાલ એટલે કે ટીટોડો-ઉલાળિયોમાં ગવાતાં ગીતો પોતે જ ટીટોડો કે ઉલાળિયોથી ઓળખાય છે. આવાં જ ત્રણ તાલનાં કેટલાંય લોકગીતો ‘હૂડો’ના નામે ખૂબ જ પ્રચલિત છે. ટીટોડો જેવાં જ પણ થોડો તડકો જુદો એવાં હૂડોનાં અનેક લોકગીતો આપણી પાસે છે. હૂડો પ્રકારનાં લોકગીતો સાંભળવાં હોય તો તમારે જગવિખ્યાત તરણેતરના મેળામાં જવું પડે જ્યાં પરંપરાગત પોશાકમાં સજ્જ ભરવાડ સમાજના લોકોને હૂડો રમતા જોવા અને લોકગીતો સાંભળવાં એ અવર્ણનીય આનંદ હોય છે.
‘ઊંચી ગોવિંદાની પીપલડી રે...’ મસ્ત મસ્ત હૂડો છે. ગાયોનો ચારનાર ગોવિંદ આ લોકગીતનો નાયક છે. ગોપી કહે છે કે ગોવિંદાની પીપલડી ઊંચી છે મતલબ કે એનું સ્થાન આપણા કરતાં ઊંચું છે પણ હું સોનીની હાટે ઝૂમણાં લેવા ગઈ, કસુંબીને ત્યાં ચૂંદડી વ્હોરવા ગઈ, મણિયારાની દુકાને ચૂડલી ખરીદવા ગઈ અને માળીને ત્યાં ફૂલગજરા લેવા ગઈ તો મને છેલ એવો ગોવિંદો સામો મળ્યો, મેં એને બોલાવ્યો પણ બોલ્યો નહિ કેમકે એના દિલમાં કૂડકપટ છે. એના અંબોડે ગલનું ફૂલ શોભતું હતું, એ આકર્ષક લાગતો હતો પણ આપણી સાથે બોલે નહિ એનું શું કરવું?
ધમાકેદાર આ હૂડો ખરેખર ભગવાન શ્રી કૃષ્ણ માટે જ ગવાયો હોય એવું જરૂરી નથી. પોતાના અંગત જીવનમાં ઘટતી ઘટનાઓ, પોતાનાં સુખ-દુઃખ, ગમા-અણગમાને રચયિતાઓ કે લોકકવિઓ લોકગીતોમાં આરોપિત કરી દેતા. સંભવ છે કે નાયિકાનું પ્રિયપાત્ર થોડું ઊંચું ‘સ્ટેટસ’ ધરાવતું હોય, પોતાને અવારનવાર સામે મળે, પોતે બોલાવે છતાં જવાબ ન આપે એટલે નાયિકાને એવું લાગે છે કે એના કાળજામાં કપટ છે...! આ તો લોક છે ભાઈ! પોતાની અંગત બાબતને ગીતમાં ઢાળીને સાર્વજનિક કરી નાખે અને કોઈને ચપટીભર શંકા ન જાય એટલે નાયક તરીકે રામ, કૃષ્ણ, શિવ જેવાં પૂજ્યપાત્રોને રાખે.
આવાં અનેક હૂડોગીતો તરણેતરના મેળામાં રાતભર ગવાતાં રહે છે. અભણ પ્રજાનું આ સાહિત્ય નદીના પાણીની જેમ વહી ગયું. આજે જેટલાં લોકગીતો ગ્રંથસ્થ છે એમાંથી આપણને કેટલાના ઢાળ આવડે છે? એ સહસ્ર ક્વિન્ટલનો સવાલ છે. આપણી બદનસીબી કેવી છે કે લોકગીતો ભાગ્યે જ ગાઈને ભણાવાય છે, બાકી તો પઠન જ થાય છે ને લોકગીતોના મોટા મોટા સેમિનારોમાં લોકગીતો ક્યાં ગવાય છે, એની વિદ્વતાપૂર્ણ ચર્ચા જ થાય છે...!