આંગણે ટહુકે કોયલ/કૂવામાં કારેલડી ને

૨૮. કૂવામાં કારેલડી ને

કૂવામાં કારેલડી ને અવેડામાં વેલ્ય કાના,
નાગરવેલ્ય નાગરવેલ્ય.
એક કારેલું તોડ્ય એને ઝીણું કરી મોળ્ય કાના,
નાગરવેલ્ય નાગરવેલ્ય.
ઝીણું કરી મોળ્ય એને ઘીએથી વઘાર્ય કાના,
નાગરવેલ્ય નાગરવેલ્ય.
ઘીએથી વઘાર્ય ઈ તો જમે મારો વીર કાના,
નાગરવેલ્ય નાગરવેલ્ય.
એક કારેલું તોડ્ય એને મોટું કરી મોળ્ય કાના,
નાગરવેલ્ય નાગરવેલ્ય.
મોટું કરી મોળ્ય એને તેલેથી વઘાર્ય કાના,
નાગરવેલ્ય નાગરવેલ્ય.
તેલેથી વઘાર્ય ઈ તો જમે મારો દેર કાના,
નાગરવેલ્ય નાગરવેલ્ય.
ઢીંચણ સમો ઢોલિયો ને હૈયા સમી ખાટ કાના,
નાગરવેલ્ય નાગરવેલ્ય.
પોઢશે મારો વીર અને દેર પાયા હેઠ કાના,
નાગરવેલ્ય નાગરવેલ્ય.

સભ્ય, શિક્ષિત, સુસંસ્કૃત સમાજમાં ભાભી એટલે માતૃસ્વરૂપા. એમાંય માતા હયાત ન હોય તો ભાભી જ માની જગ્યાએ ગણાય પણ એક સમય અને એક સમાજ એવો પણ હોય જ્યાં દિયર-ભાભી એટલે મજાક-મશ્કરી કરતાં પાત્રો, ભાભીને મેણાં-માર મારવાથી લઈ સંબંધોની જટિલતાને લીધે સર્જાતી સમસ્યાઓ, ક્યાંક નારાજગી, અબોલાં ઉદભવે તો ક્યારેક બળજબરી ને એમાંથી હત્યા સુધીનાં ઉદાહરણો લોકજીવનમાં બન્યાં ને લોકગીતોમાં બયાન થયાં છે, કેમકે લોકસમાજની સાફસુથરી આરસી છે લોકગીતો. લોક જેવું જીવન જીવે છે એ બધું લોકગીતો વદે છે!
‘કૂવામાં કારેલડી ને અવેડામાં વેલ્ય કાના...’ આમ તો દિયર-ભોજાઈ વચ્ચેની હળવી મજાક છતી કરતું લોકગીત લાગે છે. ઉપરછલ્લો અર્થ કરીએ તો ભાભી ઈચ્છે છે કે કારેલાંને ઝીણું ઝીણું મોળી એટલે કે સમારી(સુધારી)ને ઘીથી વઘારી એનું શાક બનાવું જે મારા ભાઈને ખવડાવું પણ મારા દિયર માટે તો કારેલું મોટું કરીને મોળવું અર્થાત્ અવ્યવસ્થિત ફોડવાં કરી, તેલથી વઘારીને ખવડાવું. મોટા ઢોલિયા ને ખાટ પર મારો ભાઈ સૂવે, જયારે દિયર તો ઢોલિયાની નીચે પડ્યો રહેશે, આળોટતો રહેશે!
લોકગીતો બહુ ગૂઢ નથી હોતાં, એવું બોલાય છે પણ આ લોકગીતમાં કૂવો, કારેલડી, અવેડો અને નાગરવેલનો ઉલ્લેખ અકારણ થયો હશે? સંભવ છે કે આ બધાં કલ્પનો સકારણ વપરાયાં હોય. જેમકે કૂવો તો જીવનનિર્વાહનો એક સ્તંભ છે. પીવાના પાણીનું મુખ્ય સ્ત્રોત જ કૂવો હતો. નાયિકા પોતાના વીરને કૂવા સાથે સરખાવતી હોય એવું બને. તો સામા પક્ષે અવેડો કૂવાના પ્રમાણમાં ખૂબ જ છીંછરો હોય, અહીં દિયરને અવેડો ગણાવ્યો હોય એવું પણ હોય. કારેલીનાં કારેલાંનું સેવન તંદુરસ્તી માટે ઉત્તમ પણ નાગરવેલનાં પાનની ટેવ એટલે વ્યસન અને વ્યસન એ ઐયાશીનું પ્રથમ પગથિયું ગણાય-આમ, પોતાના ભાઈને કારેલડી સાથે તો દિયરને નાગરવેલ સાથે સરખાવ્યો હોય એ પણ સંભવ છે.
સુખ, દુઃખ, અભાવ, ખુશહાલી-દરેક સંજોગોમાં જે પ્રજા ગાતી રહી, ગૂંજન કરતી એને સહજજીવન જીવવાના માર્ગો મળી ગયા, એ લોકો અટવાયા નથી, એણે ‘ષટરિપુ’ઓને જીતી લીધા હતા એટલે જ તેઓ દુઃખ વચાળે સુખ શોધી લેતા હતા. આજે સુખના સમદર વચ્ચે પણ આપણે વ્યાધિના વહાણે સવાર થયા છીએ કેમકે લાગણીને હૈયામાં ધરબી રાખીએ છીએ...ગીતરૂપે વહેવા નથી દેતાં...