આંગણે ટહુકે કોયલ/પિયરિયું અત વા’લું

૫૯. પિયરિયું અત વા’લું

પિયરિયું અત વા’લું રે ના, મા નૈં જાઉં સાસરિયે.
સાસરિયે જાઉં તો મારા સસરાજી ભૂંડા,
લાજડિયું કઢાવે રે, નૈં જાઉં સાસરિયે.
પિયરિયે જાઉં તો મારા દાદાજી સારા,
બેનબા કહી બોલાવે રે, નૈં જાઉં સાસરિયે.
સાસરિયે જાઉં તો મારાં સાસુજી ભૂંડાં,
રોજ રોજ દળણાં દળાવે રે, નૈં જાઉં સાસરિયે.
પિયરિયે જાઉં તો મારાં માતાજી સારાં,
દીકરી કહી બોલાવે રે, નૈં જાઉં સાસરિયે.
સાસરિયે જાઉં તો મારા જેઠજી ભૂંડા,
વઉવારુ કહી બોલાવે રે, નૈં જાઉં સાસરિયે.
પિયરિયે જાઉં તો મારા વીરાજી સારા,
બેનબા કહી બોલાવે રે, નૈં જાઉં સાસરિયે.
સાસરિયે જાઉં તો મારાં જેઠાણી ભૂંડાં,
રોજ રોજ પાણીડાં ભરાવે રે, નૈં જાઉં સાસરિયે.
પિયરિયે જાઉં તો મારાં ભાભીજી સારાં,
નણંદબા કહી બોલાવે રે, નૈં જાઉં સાસરિયે.

લોકજીવનના ગમા-અણગમા, રિસામણાં-મનામણાં, રાવ-રાજીપો, ભાવ-અભાવ વગેરે આપણાં લોકગીતોનાં કથાનક બની ગયાં છે. લોક જેવું જીવે કે જુએ એ બધાનો પડછાયો લોકગીતોમાં પડ્યો હોય છે એટલે જ લોકગીતો લોકજીવનના ઓછાયા સમાં હોય છે. લોકજીવનનાં પગલાં એટલે લોકગીતો, લોકઊર્મિનું ગેયરૂપ એટલે લોકગીતો, વ્યક્તિ કે લોકસમૂહનો બળુકો અંતરનાદ એટલે લોકગીતો. આ નાભિનો નાદ છે એટલે જ કર્ણપ્રિય અને ચિરંજીવી છે. ‘પિયરિયું અત વા’લું રે...’ લોકગીતમાં એક નાયિકાનો ‘નકાર’ છે પણ એ ‘હકાર’માં પરિણામે એવું વાતાવરણ ઘરઘરમાં સર્જવું પડશે. પરિણીતા પિયર આવી, થોડા દિવસ રોકાઈ પણ સાસરે જવાનો સમય થયો તો એને જવું ગમતું નથી, કારણો બહુ સચોટ બતાવ્યાં છે કે પિયર અતિશય વહાલું છે, સ્વાભાવિક છે, દીકરીને પિયરપ્રીતિ હોય જ પણ એનો અર્થ બિલકુલ એ નથી કે એને સાસરે જવું ન ગમે. સાસરે ન જવાનાં વિવિધ કારણો એવાં છે કે ત્યાં સસરા લાજ કઢાવે, સાસુ દળણાં દળાવે, જેઠ વઉવારુ કહીને બોલાવે, જેઠાણી પાણી ભરવા મોકલે. સમા પક્ષે પિયરમાં પિતા અને ભાઈ બેનબા કહી બોલાવે, માતા ‘દીકરી’ જેવું સંબોધન કરે, ભાભી નણંદબા કહે છે. લોકગીતનો ઉપરછલ્લો અર્થ કરીએ તો એવું લાગે કે નાયિકાને સાસરે કામ કરવું પડે એ અનુકૂળ નથી આવતું પણ આ અર્થ સાચો નથી. કેમકે કામ તો પિયરમાં પણ કરવું પડે. પરિણીતાઓ જયારે પિયરમાં થોડા દિવસ રોકવા આવે ત્યારે માતાને-ભાભીને હાથ બટાવે જ. કામ કરવાનો વાંધો હોય જ નહીં, તો સાસરે અણગમો શેનો છે? લોકગીતના ઘૂનામાં ધૂબાકો મારીએ ને ઉંડે સુધી જઈએ તો સમજાય કે નાયિકાને કોણ કેવી રીતે બોલાવે છે એ બહુ અસરકર્તા છે. સાસરિયે લાજ કાઢવી પડે છે, ‘વહુવારુ’ જેવું સંબોધન થાય છે-એમાં ક્યાંક ઉષ્માની ઉણપ એને લાગી રહી છે એટલે જ સાસરિયાં માટે તેણે ‘ભૂંડા’નું લેબલ લગાડ્યું છે. પિયરમાં તો બેનબા, દીકરી, નણંદબા-જેવાં હેતાળ વિશેષણો સંભાળવા મળે છે એટલે પિયરિયું અતિ વહાલું લાગે છે. જયારે નવીસવી વહુને ‘આઉટ સાઈડર’ માનવામાં આવતી, એને દીકરી તરીકે સ્વીકાર ન્હોતો મળતો, ઘરનું અવિભાજ્ય અંગ સમજવામાં ન આવતી, તેના પર પૂર્ણ વિશ્વાસ ન મુકાતો ત્યારે વહુવારુઓને સાસરિયું કવળું લાગતું, પતિનું ઘર વાસ્તવમાં પોતાનું જ ઘર છે એવો અહેસાસ થવો બહુ જરૂરી છે. ટૂંકમાં સાસરિયાં અને વહુ વચ્ચે સ્નેહનો સેતુ બંધાય એ પૂર્વે આવાં લોકગીતોના વિષયો ઘરઘરમાંથી મળી રહેતા.