આંગણે ટહુકે કોયલ/માડી હું તો

૧૯. માડી હું તો

માડી હું તો સૈયરુંમાં રમવા ગઈ ‘તી,
ખોવાણી મારી ઝાંઝરી રે લોલ.
માડી મારા સસરાજીને તેડાવો,
ગોતાવો મારી ઝાંઝરી રે લોલ.
સસરાએ જોશીડા બેસાડ્યા,
ના જડી મારી ઝાંઝરી રે લોલ.
માડી મારા જેઠજીને તેડાવો,
ગોતાવો મારી ઝાંઝરી રે લોલ.
જેઠજીએ જોશીડા બેસાડ્યા,
ના જડી મારી ઝાંઝરી રે લોલ.
માડી મારા દેરજીને તેડાવો,
ગોતાવો મારી ઝાંઝરી રે લોલ.
દેરજીએ જોશીડા બેસાડ્યા,
ના જડી મારી ઝાંઝરી રે લોલ.
માડી મારા પરણ્યાજીને તેડાવો,
ગોતાવો મારી ઝાંઝરી રે લોલ.
પરણ્યાએ જોશીડા બેસાડ્યા,
ના જડી મારી ઝાંઝરી રે લોલ.
માડી મારા દાદાજી ને તેડાવો,
ઘડાવો મારી ઝાંઝરી રે લોલ.
દાદાજીએ સોનીડા તેડાવ્યા,
ઘડાવી મારી ઝાંઝરી રે લોલ.

કોઈ કવિ પચાસ-સો કાવ્યો રચીને તેનો સંગ્રહ પ્રગટ કરે ને એ પુસ્તક સારું હોય તો એને ક્યાંક ને ક્યાંકથી પુરસ્કૃત કરાય છે. કોઈ વાર્તાકાર-નવલકથાકાર વાર્તા કે નવલકથા પુસ્તકરૂપે પ્રકાશિત કરે તો એને પણ ગુણવત્તા અનુસાર ઇનામ-સન્માન મળે છે તો આપણા વડવાઓએ સેંકડો સેંકડો લોકગીતો રચ્યાં ને આપણને એના સીધા જ વારસદાર બનાવી દીધા એ સૌને મરણોત્તર પુરસ્કાર ન મળવા જોઈએ? એમણે બનાવેલાં લોકગીતો આપણે યાદ રાખીએ, મૂળ શબ્દો અને ઢાળને વફાદાર રહીને ગાતાં રહીએ એ જ એમનો પુરસ્કાર! ‘માડી હું તો સૈયરુંમાં રમવા ગઈ’તી...’ અપ્રચલિત લોકગીત છે. નાયિકા પોતાના પિયરમાં સૈયરો સાથે રાસ રમવા ગઈ ને એમાં પોતાની ઝાંઝરી ખોવાઈ ગઈ એટલે એ પોતાની માતાને સંબોધીને ગાય છે કે મારા સસરા, જેઠ, દિયર, પતિને તેડાવો ને એમની પાસે ઝાંઝરી ગોતાવો. આ બધા પુરુષોએ જ્યોતિષીને ઝાંઝરી શોધવાનું કામ સોંપ્યું પણ જ્યોતિષી એમાં નિષ્ફળ ગયા અંતે પોતાના પિતાજીને એ કામ સોંપાયું તો એમણે જ્યોતિષીને બોલાવવા કે એવી અન્ય ઝંઝટમાં પડવાને બદલે સોની પાસે નવી ઝાંઝરી ઘડાવી લીધી ‘ઊંટ મરે તોય મેવાડ બાજુ મોં રાખે’ એવી કહેવત છે જે સ્ત્રીને પણ લાગુ પડે છે. સાસરિયું એને વહાલું હોય જ પણ પિયરની તોલે તો કોઈ આવે જ નહીં! અહીં સસરાપક્ષ કરતાં પિયરપક્ષને ચડિયાતો બતાવાયો છે. પતિ સહિતના સસરાપક્ષના પુરુષો નવી ઝાંઝરી બનાવવાનો વિચાર સુધ્ધાં નથી કરતા ને જ્યોતિષવિદ્યાનો આશરો લે છે. પરંપરાગત ગ્રામજીવનમાં આવું હોય છે. આજેય લોકો ખોવાયેલી વસ્તુ કે વ્યક્તિની શોધ કરીને થાકે એટલે જ્યોતિષીના શરણે જાય છે. લોકગીતની નાયિકાના પિતા છેલ્લે ચિત્રમાં આવે છે તેને ખબર છે કે કેટલાય લોકો શોધી વળ્યા પણ જે આભૂષણ મળ્યું નથી તે પોતાને કેવીરીતે હાથ લાગે? એટલે ઉત્તમ રસ્તો અપનાવીને નવી જ ઝાંઝરી ઘડાવી દીધી. ઝાંઝરી ચાંદીનું આભૂષણ છે. કાયમ માટે સોના કરતાં ચાંદી સસ્તી હોય છે એટલે ઝાંઝરીની કિંમત શું? પોતાની લાડકવાયીની ખુશી માટે પિતા સર્વસ્વ કરી છૂટે તો એક જોડી ચાંદીના અલંકાર તો ઘડાવી જ શકે ને! લોકગીતની કથાવસ્તુ દરેક વખતે પોતિકી વાસ્તવિક ઘટના પર જ આધારિત હોય એવું જરૂરી નથી, ક્યારેક નરી કલ્પના, ક્યારેક અર્ધસત્ય તો ક્યારેક પારકા અનુભવે લોકગીત રચાયાં હોય છે પણ લોકગીત ગાઈએ, સમજીએ ત્યારે એવું લાગે કે આપણી આજુબાજુનું જ આ પૂર્ણસત્ય છે. એ સમસંવેદન જ લોકગીતનું અમરફળ છે.