આંગણે ટહુકે કોયલ/માધુભાના બાગમાં એલચીનાં

૪૫. માધુભાના બાગમાં એલચીનાં

માધુભાના બાગમાં એલચીનાં ઝાડ છે,
જે રે જોઈએ તે લઈ લ્યો સખી,
આજ મારી અખિયાંમાં નીંદર હતી.
નીંદર હતી રાજ ઝોલાં ખાતી,
આજ મારી અખિયાંમાં નીંદર હતી.
માધુભાના બાગમાં સોપારીનાં ઝાડ છે,
જે રે જોઈએ તે લઈ લ્યો સખી,
આજ મારી અખિયાંમાં નીંદર હતી.
નીંદર હતી રાજ ઝોલાં ખાતી,
આજ મારી અખિયાંમાં નીંદર હતી.
માધુભાના બાગમાં નાળિયેરનાં ઝાડ છે,
જે રે જોઈએ તે લઈ લ્યો સખી,
આજ મારી અખિયાંમાં નીંદર હતી.
નીંદર હતી રાજ ઝોલાં ખાતી,
આજ મારી અખિયાંમાં નીંદર હતી.
માધુભાના બાગમાં ખારેકનાં ઝાડ છે,
જે રે જોઈએ તે લઈ લ્યો સખી,
આજ મારી અખિયાંમાં નીંદર હતી.
નીંદર હતી રાજ ઝોલાં ખાતી,
આજ મારી અખિયાંમાં નીંદર હતી.

ઉનાળુ વેકેશનમાં મામાને ઘેર જવું, કાકા, ફૈબા-માસીને ત્યાં રોકાવું, આપણે ઘેર સગાંવહાલાં આવે. રાત્રે ફળિયામાં ખાટલા નાખીને કે અગાસીમાં ગાદલાં પાથરીને તારા જોતાં જોતાં પવનની લ્હારેખીની ઠંડકમાં સૂઈ જવું. સવારે મોટેરાંઓને પોતપોતાની પ્રવૃત્તિ તો બાળકોને મોઈદાંડિયો, ભમરડા (ગરિયા) ફેરવવા, લંગડી, છૂટદડી, કબડ્ડી, પકડમપટ્ટી, મૂંગીવેલ-જેવી દેશી રમતો, ઉનાળાની બપોરે કેરી સાથેનું ખાણું તો બપોર પછી તાપ વધે ત્યારે બરફના ગોલા, કુલ્ફી, ઘરનું વરિયાળી શરબત ને એમ ગરમી સામે મલ્લયુદ્ધ થતું જેમાં પરાજય ગરમીનો જ થતો! આમ રજાના દિવસો લાગલગાટ પસાર થઈ જતા અને અબાલવૃદ્ધ સૌ તનમનથી ચુસ્ત થઇ જતાં. એ દિવસો હતા સમૂહજીવન જીવવાના લોકજીવનનો પહેલો મંત્ર જ સમૂહજીવન છે. ઔદ્યોગિકરણને કારણે આપણું સમૂહજીવન બાધિત થયું ને મોબાઈલના આગમન પછી તો લોકજીવન રફેદફે થઇ ગયું. આજે આપણું સમૂહજીવન એટલે ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર ને એવું બધું. બસ, આપણે સૌ મોબાઈલમાં સમૂહજીવન જીવીએ છીએ જે સાવ ફેઇક છે એ આપણે જાણીએ જ છીએ. ‘માધુભાના બાગમાં એલચીનાં ઝાડ છે...’ બહુ મીઠડું લોકગીત છે. શ્રમિકવર્ગને પોતાના કામનો કેવો કેફ હોય છે એની પ્રતીતિ અહિ થાય છે. કોઈ જમીન-જાગીરદારના બગીચામાં એલચી, સોપારી નાળિયેર, ખારેક વીણવાનું મજૂરીકામ કરતી બહેનો આખો દિવસ બાગમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ બનતી એટલે કે તે પુરૂષ સમોવડી નહિ પણ પુરૂષથી બે ડગલાં આગળ રહી હોવાનો અહેસાસ થાય છે, કેમકે મજૂરીએ જતાં પહેલા પ્રભાતના પહોરમાં ઉઠીને એણે દળણું દળવું પડે, રસોઈ બનાવવાથી લઈ બધાં ઘરકામ કરવાં પડે, સાંજે ઘેર જઈને મોડીરાત સુધી ઘરની તમામ જવાબદારી નિભાવવી પડે એટલે મોડું સૂવાનું, વહેલું ઊઠવાનું ને એટલું કામ એટલે એની આંખોમાં નીંદર ભરી છે, એ ઝોલાં ખાય છે છતાં એની કર્મનિષ્ઠામાં જરાય ઓટ આવવા નથી દેતી. પોતે ચીવટથી, ખંતથી કામ કરે છે ને વળી મોટા માણસને ત્યાં શ્રમિક બનીને શ્રમ કરવાનોય એને મન ઉમંગ છે જે ગીતમાં છલકી રહ્યો છે. લોકગીતોમાં ક્યાંક અતિરેક, માહિતીદોષ, ક્યારેક અશક્યને શક્ય, કોઈવાર એનાથી ઉલટું થવું સામાન્ય છે. પોતાને મોજ આવે એવીરીતે રજૂઆત કરવી એ પણ લોકનું એક લક્ષણ છે. માધુભાના બાગમાં એલચી અને સોપારી વીણવાની વાત કરી છે પણ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં એલચી કે સોપારીનું ઝાઝું ઉત્પાદન થતું નથી. સોપારી અને એલચી કર્ણાટક, તમિલનાડુ, કેરલ, મેઘાલય અને પશ્ચિમ બંગાળમાં ઉગે છે પણ અન્ય ફળોની સાથે અહિ ‘લોકપ્રિય’ સોપારી અને એલચીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ લોકગીતમાં અમુક વિસ્તારોમાં એકવાર ‘માધુભાના બાગમાં’ તો બીજીવાર ‘જાડેજાના બાગમાં’ કોઈ વળી ‘મનુભાના બાગમાં’ એવી રીતે પણ ગાય છે. ટૂંકમાં, લોકની જેમ લોકગીત પણ બદલાતું રહેતું હોય છે.