આંગણે ટહુકે કોયલ/મારા વાલાના વનમાંય

૪૭. મારા વાલાના વનમાંય


મારા વાલાના વનમાંય, વાગે રૂડી વાંસલડી
હું તો ઘેલી ફરું ઘરમાંય, કોણે ભીડી સાંકળડી
કુંભ વન્યા જળ ભરવા ચાલી, શિર પર મેલી ઈંઢોણી રે;
ગળણું લઈ જળ ભરવા બેઠી, ઘરની સૂધબૂધ ભૂલી રે,
વાગે રૂડી વાંસલડી...
ગોણિયા વન્યા ગા દોવા બેઠી, સાડી ભીંજાણી નવ જાણી રે;
વાછરું વાળંતાં વહુએ બાળક બાંધ્યાં, બાંધ્યાં છે બહુ તાણી રે,
વાગે રૂડી વાંસલડી...
ઘી તાવીને છાશમાં રેડ્યાં, દૂધમાં રેડ્યાં પાણી રે,
નેતરું લઈ નાહોલિયો બાંધ્યો, ઘરનો ધણી નવ જાણી રે,
વાગે રૂડી વાંસલડી...
વાસણ વન્યાનાં ભોજન પીરસ્યાં, મોદકમાં મરચાં ભેળ્યાં રે;
સાકર વડીનાં શાક વઘાર્યાં, સેવમાં સૂંઠ જ ભેળી રે,
વાગે રૂડી વાંસલડી...
સાસુ કે’ વહુને વૈતર વળગ્યું, ઓસડિયાં ઊતરાવો રે;
દેર કહે ભોજાઈને બાંધો, સાન કરી સમજાવો રે,
વાગે રૂડી વાંસલડી...

કૃષ્ણની બંસરી વાગે ને ગોપીઓ ઘર-બા’ર, સૂધબૂધ ભૂલીને વનરાવનમાં દોડી જાય, જ્યાં બંસીનાદ થઈ રહ્યો છે ત્યાં એકત્ર થાય, મનમોહનનાં દર્શન કરે, રાસ રમે ને એમ કનૈયાની પાછળ પાછળ ભમે! જે સ્ત્રી ઘરની બહાર જઈ શકતી ન હોય, જેના સાસુ-સસરા પહેરો ભરીને બેઠા હોય. કોઈનો ગોપગોવાળ પતિ બહાર જવાની રજા ન આપે તો કોઈને દેરિયાં-જેઠિયાંની મર્યાદા જાળવવી પડતી હોય એવી ગોપીઓની શી વલે થાય? ‘મારા વાલાના વનમાંય વાગે રૂડી વાંસલડી...’ લોકગીતમાં એવી જ એક ગોપીનું માનસચિત્રણ અંકિત થયું છે જે પ્રાણપ્યારા પુરૂષોત્તમની બાંસુરીનું મધુરું કૂજન સાંભળે છે પણ ઘરની બહાર નથી જઈ શકતી, એની દ્વિધા અહીં પ્રગટ થઈ છે. વાંસળીનો નાદ સંભળાય છે પણ ત્યાં જઈ નથી શકાતું એટલે મન ત્યાં પણ તન અહીં! અર્થાત્ કોઈ કામમાં મન નથી લાગતું;માત્ર શરીર જુદી જુદી ક્રિયા કરે છે જેમકે પાણી ભરવા જાય છે પણ ઘડો લેવાનું યાદ ન આવ્યું! ગાય દોહવા બેઠી પણ દૂધ ભરવાનું વાસણ ન લીધું, વાછરુંની જગ્યાએ છોકરાંને બાંધી દીધાં, ઘી તાવીને છાશમાં રેડી દીધું ને હદ તો ત્યારે થઈ જયારે નેતરાથી પોતાના પતિને બાંધી દીધો! લાડુમાં મરચાં ભેળવવાં, સેવમાં સૂંઠ નાખવી-આ બધું જ શૂન્યમનસ્કતાનું પરિણામ છે. જેનું ચિત્ત ગીતાના ગાનાર ગોવિંદે ચોરી લીધું હોય એને દુન્યવી કર્મકાંડોમાં રસ કેમ રહે? અહીં માત્ર શબ્દમેળ કે તુક્કા લડાવીને લોકગીત રચી દેવાયું નથી, કેટલી મોટી માનસશાસ્ત્રીય ગતિવિધિ ઝીલવામાં આવી છે. કૃષ્ણપ્રીતિમાં લીન બનેલી એક ગોપી, કોઈ વહુવારુ, નરસિંહ કે મીરાં જેવું શ્યામસામીપ્ય અનુભવે છે એનો તાદૃશ ચિતાર છે. ગોપીના બખેડા ઈરાદાપૂર્વકના નથી, એ ઘરના સભ્યોને હેરાન કરવાના આશયથી ઉલટાં કામો નથી કરતી પણ મધુસૂદનમાં મન લાગ્યું હોય એનાથી સ્થૂળ ગૃહકાર્ય કેમ ઉકલે? વહુના આવા હાલ જોઈને સાસુને લાગ્યું કે વહુને વળગાડ છે. દિયરને લાગ્યું કે એને બાંધી દેવી જોઈએ-આમ જે તે કાળની લોકમાન્યતા, શ્રદ્ધા-અંધશ્રદ્ધાની વાતો અહિ થઇ છે કેમકે લોક જેવું માને એવું લોકગીતમાં આવે.