આચમની/૪૮

૪૮

કલહરીના અફાટ રણ અને ત્યાંના વામન આદિવાસી બુશમેન વિષે લોરેન્સ વાન ડર પોસ્ટનાં બે પુસ્તકો છે : એક ‘ધ લોસ્ટ વર્લ્ડ ઓફ કલહરી’ અને બીજું ‘ધ હાર્ટ ઓફ ધ હન્ટર.’ એકમાં તેના રણપ્રવાસનું વર્ણન છે, બીજામાં આ રણના નિવાસી વામન બુશમેનનાં વિશાળ હૃદય અને તેમની લોકકથાઓ જોવા મળે છે. રણમાં શિકારી જીવન જીવતા આ વામન કદના માનવની અંતદૃષ્ટિ તો જુઓ ! એક વાર વાન ડર પોસ્ટ અને તેના સાથીઓ તાપથી બળ્યા-ઝળ્યા, થાક્યા-પાક્યા આરામ કરતા હતા, ત્યાં તેમના દુભાષિયા બુશમેને આવી વાન ડર પોસ્ટને કાનમાં કહ્યુંઃ ‘લોરેન, જાગો છો? કેટલાક લોકો આવી રહ્યા છે.’ વાન ડર પોસ્ટ તરત જ બેઠા થઈ ગયા. જરા દૂર જઈને જોયું પણ કોઈ માણસો જોવામાં ન આવ્યા. દુભાષિયાને પૂછ્યું: ‘ક્યાં છે માણસો? કોઈ દેખાતું નથી. અવાજ પણ નથી આવતો. તને ખાતરી છે કે આ બાજુ લોકો આવી રહ્યા છે?’ ‘હા, તેમને આવતા હું અનુભવું છું. દુભાષિયા દાબેએ પોતાની છાતી પર હાથ મૂકી કહ્યું : ‘કેટલાક પુરુષો ને સ્ત્રીઓ મુશ્કેલીમાં છે અને આ બાજુ આવી રહ્યાં છે. મને છાતીમાં એમનું સ્પંદન અનુભવાય છે.’ અને ખરેખર થોડીવાર પછી દૂરના સુકાયેલા ઝાડ પાસે માણસનો આકાર દેખાયો. પછી સાવ હાડપિંજર જેવા પાંચ પુખ્ત વયના પુરુષો, છ સ્ત્રીઓ ને પાંચ બાળકો આવતાં દેખાયા. હૃદય ચીરી નાખે એવું દૃશ્ય હતું. દાબે તેમને આવકારવા દોડ્યો. એ લોકો નજીક આવતાં જ બેસી પડ્યાં. દાબેએ તેમને પાણી પાયું અને ભયંકર તરસ છીપતાં જ તેઓ અર્ધગોળાકારમાં ઢળી પડ્યાં. ત્યાં એક જુવાન સ્ત્રી ઊભી થઈ અને જે બાજુથી તેઓ આવ્યાં હતાં એ તરફ શાહમૃગનાં પાંચ ઇંડાંમાં પાણી ભરી દોડી. પોતાના કોઈ અક્ષમ્ય અપરાધ માટે એ છોભીલી પડી ગઈ હતી. ઇંડાંમાં પાણી ભરી ઘાસના બનાવેલા બુચથી દાટો દઈ ખભે ઇંડાં ભરાવી તે ચાલી. લગભગ દોઢ કલાકે તે પાછી ફરી ત્યારે તે એક વૃદ્ધ દંપતીને દોરી લાવતી હતી. એ બંને વૃદ્ધોના ચહેરા પર ગૌરવ અને નિર્મળતા નીતરતાં હતાં. ધરતીના ધબકાર સાથે જેનું હૃદય જોડાયેલું હોય એ જ ધરતી પર સુદૂર પડતાં પગલાં પારખી શકે અને એ પગલાંની વેદના પોતાની કરી શકે. આવી અત્યંત ઝીણી સંવેદના ધરાવતા લોકોને સુધરેલો સમાજ અવિકસિત અને પછાત ગણે છે.

***