આત્માની માતૃભાષા/17


ઝંખનાથી ઝાંખી ભણીની પ્રસન્નકર સૌંદર્યયાત્રા

દર્શના ધોળકિયા

મળી ન્હોતી જ્યારે –

મળી ન્હોતી ત્યારે તુજ કરી હતી ખોજ કશી મેં?
ભમ્યો'તો કાન્તારે, કલરવ કરંતાં ઝરણને
તટે ઘૂમ્યો, ખૂંદ્યો ગિરિવર તણો સ્કંધપટ, ને
દ્રુમે ડાળે ડાળે કીધ નજર માળે ખગ તણા.

મળી ન્હોતી જ્યારે દિવસભરની જાગૃતિ મહીં,
મળી'તી સ્વપ્નોમાં મદિલ મિલનોની સુરભિથી.

સુગંધે પ્રેરાયો દિનભર રહ્યો શોધ મહીં, ને
દિવાસ્વપ્ને ઝાંખી કદી કદી થતાં થાક ન લહ્યો.

મળી અંતે સ્વપ્નો સકલ થકીયે સ્વપ્નમય જે.
મળી આશાઓની ક્ષિતિજ થકીયે પારની સુધા.
સૂની આયુર્નૌકા મુજ ઝૂલતી'તી અસ્થિર જલે,
સુકાને જૈ જોતી મળી જગતઝંઝાનિલ મહીં.

મળી ન્હોતી ત્યારે, પ્રિય, જલથલે ખોજી તુજને
રહું શોધી આજે તુજ મહીં પદાર્થો સકલ એ.
૨૫-૧૧-૧૯૩૭


વિશ્વશાંતિના પયગંબરી મંગલ શબ્દબ્રહ્મના મંત્રથી કાવ્યારંભે દીક્ષિત થયેલા કવિ ઉમાશંકર શ્રદ્ધાના ને એ અર્થમાં આસ્તિકતાના ઉપાસક છે. શ્રી સુમન શાહે ઉચિત રીતે તેમને મૂલવતાં નોંધ્યું છે તેમ, ‘કલા-સ્વીકૃતિ તેમનામાં જીવન-સ્વીકૃતિના એક સંવિભાગ રૂપે મહોરે છે. જીવનના સરિયામ માર્ગમાં અહીં કવિતાને મળવાનું બને છે… માનવસંસ્કૃતિનું છેલ્લી ક્ષણ લગીનું સ્વારસ્ય એમની જીવનપ્રેરણાનો તેમજ કાવ્યપ્રેરણાનો એક એવો સતત આધાર છે જેને તમે એમની સાહિત્યસૃષ્ટિ અને સાહિત્યપ્રવૃત્તિમાત્રનું અકાટ્ય પરિણામ લેખી શકો.’ જીવનના સરિયામ માર્ગે શાંત સાધનાના એક ભાગ રૂપે સતત ચાલતા રહેલા ઉમાશંકરે આરંભે દૂરથી સંભળાયેલા મંગલ ધ્વનિને આત્મસાત્ કરવાની જાણે મહાયાત્રા આરંભી છે. ત્યારથી માંડીને છેક સુધી ઉમાશંકર શોધના કવિ રહ્યા છે. આ શોધ તેમણે એકલપંડે કરી છે. ભોમિયા વિના જ જીવતરના ડુંગરા ચઢવા તેમણે કસવાના કોઈ ખ્યાલ વિના જ કમર પાસેથી કામ લીધું છે. જીવતરના ગીતની, સંવાદના ‘સા'ની તેમ પ્રિયાની, કહો કે પ્રેમની તે એમાં જ રહેલી-ભળેલી કવિતાની શોધ સ્વધર્મ બનીને ઉમાશંકરમાં પાંગરતી, શ્વસતી રહી છે. પ્રસ્તુત સૉનેટ એનું જ્વલંત દૃષ્ટાન્ત છે. ‘મળી નહોતી જ્યારે —’ કહેતાં શીર્ષકમાં અધ્ધર મુકાયેલો ભાવસંદર્ભ કાવ્યની પહેલી પંક્તિમાં ‘ત્યારે'થી સંધાય છે: ‘મળી નહોતી ત્યારે તુજ કરી હતી ખોજ કશી મેં?’ કહેતા કવિ હવે કદાચ જે મળી ગઈ છે એવી પ્રિયાની અડોઅડ બેસીને પ્રિયાએ પોતાની શોધ વિશે પ્રિયતમે કરેલા પ્રયત્નની પૃચ્છાના ઉત્તરમાં આખીય વાત જાણે માંડે છે, ઉઘાડે છે. આ અર્થમાં આ કાવ્ય એક રીતે પ્રિયા સાથેનો સંવાદ જણાય છે પણ કાવ્યમાં પછીથી ક્રમશ: વણાતી જતી શોધના પ્રયત્નની ગતિના વમળમાં ડૂબતો ગયેલો પ્રિયતમ એવો નાયક એની ભાવદશાને લઈને સંવાદને સ્વગતોક્તિમાં રૂપાંતરિત કરતો જણાય છે. આરંભે મળી નહોતી એવી પ્રિયા અત્યારે નાયક માટે હાથવગી, બલકે હૃદયવગી થઈ છે ત્યારે એની અનુપસ્થિતિની ક્ષણોમાં એના માટે પોતે કરેલી લાંબી યાત્રા નાયક માટે છે તો આકરી; પણ એમાં રહેલી પ્રિયદર્શનની તાલાવેલીને લઈને એ શુષ્ક, રુક્ષ યાત્રાને બદલે કેવી તો મનોરમ બની ઊઠી છે તે જોવા જેવું છે. પ્રિયદર્શન માટે ચાલતો રહેલો નાયક ક્યાં ક્યાં પહોંચ્યો છે તેનું વર્ણન કહો કે દર્શન શિખરિણીના ગત્યાત્મક લયમાં કરાવાયું છે:

‘ભમ્યો'તો કાન્તારે, કલરવ કરંતાં ઝરણને
તટે ઘૂમ્યો, ખૂંદ્યો ગિરિવર તણા સ્કંધપટ, ને
દ્રુમે ડાળે ડાળે કીધ નજર માળે ખગ તણા.

જેવી નાયકની પ્રિયા સૌંદર્યમંડિત છે તેવાં જ એનાં રહેઠાણનાં શક્ય સ્થાનોય સૌંદર્યરસ્યાં છે. પ્રિયાની શોધમાં પોતાનાં ચંચળ નયનોને ઉતારતો-ચઢાવતો નાયક સતત ભમ્યો છે. ક્યાં? ‘કાન્તારે.’ કવિની શબ્દપસંદગીનું ઔચિત્ય તો જુઓ! અરણ્યમાં, જંગલમાં કે વનમાં નહીં, ‘કાન્તારે.’ સૌંદર્યશ્રીથી લચેલાં, વનશ્રીથી સોહતાં કાન્તારમાં જ પ્રિયા હોય તો હોય. પ્રિયાની ઉપસ્થિતિ અરણ્યની રુક્ષતાને, એકલતાને કાન્તારની શ્રીમાં રૂપાંતરિત કરી દે! આવી વનશ્રીથી સુશોભિત સ્થળના એકેએક ખૂણે કવિ ફરી વળ્યા છે:

કલરવ કરંતાં ઝરણને
તટે ઘૂમ્યો, ખૂંદ્યો ગિરિવર તણા સ્કંધપટ, ને
કાન્તાર પછી ઝરણું પછી ગિરિવરનો ખભો ને એ પછી —
‘દ્રુમે ડાળે ડાળે કીધ નજર માળે ખગ તણા.’

વૃક્ષની ડાળે ડાળે ફરતી કવિની ચંચળ નજરે એ ડાળ પર રહેલા પક્ષીના માળામાંય ડોકિયું કરી લીધું છે. ક્યાંક આવા નાજુક ખૂણે પ્રિયાની ઉપસ્થિતિની શક્યતાની આશંકાને લઈને. શિખરિણીના લયને આત્મસાત્ કરતાં કરતાં છંદની આકૃતિને અનુરૂપ લઘુ-ગુરુનાં શિખરો અહીં ‘ભમ્યો', ‘ઘૂમ્યો', ‘ખૂંદ્યો’ જેવાં ક્રિયાપદો દ્વારા નાયકનાં ચરણોની ગતિની તીવ્રતાને ઇંદ્રિયગ્રાહ્યતાથી સૂચવતાં સૂચવતાં તેની શોધયાત્રાને અનોખું ચિત્રાત્મક રૂપ અર્પે છે. પ્રિયાની શોધને અંગે અહીં થતો પ્રકૃતિતત્ત્વનો વિનિયોગ કવિની ઝંખનાને સુકુમાર રૂપાકૃતિમાં ઢાળે છે. ‘માળે ખગ તણા.’ પાસે પૂરી થતી સૉનેટની પ્રથમ ચાર પંક્તિ પાસે નાયક જાણે થાક ખાવા બેસે છે. થોડો શ્વાસ ભરી લઈને ખુલ્લી આંખે કરેલી શોધના શ્રમ તેને શ્રમિત કરવાને બદલે બંધ આંખે થતી તૃપ્તિની કંઈક ઝાંખી સંપડાવવામાં સરળ બનાવે છે તે ‘ત્યારે’નું ‘જ્યારે'માં, પરિણામનું પ્રયાસમાં રૂપાંતરણ કરતો નાયક પ્રિયાની શોધમાં આગળ ધપતાં અંદર પેસે છે તે પરિણામે જે બહાર ન વરતાયું તેની ઝાંખી સ્વપ્નમાં કરી બેસે છે:

‘મળી ન્હોતી જ્યારે દિવસભરની જાગૃતિ મહીં,
મળી'તી સ્વપ્નોમાં મદિલ મિલનોની સુરભિથી.’

પ્રિયાનાં કલ્પેલાં રૂપની, સુવાસની કંઈક ઝાંખી કવિને સ્વપ્નાવસ્થામાં થાય છે તે એ સ્વપ્નિલ મિલનની માદક સુરભિથી કવિ સંતૃપ્ત, તરોતાજા બને છે. કવિ કાન્તના નિજ ગગનમાં પથરાયેલી કુસુમવનની વિમલ પરિમલે અહીં ઉમાશંકરના ચિત્ત-ચૈતન્યમાં પણ પ્રાણ પૂર્યા છે ને તેમને વિશ્રામ આપવામાં મદદ કરી છે. આ વિમલ સુગંધને સથવારે ફરીથી ચાલતા થયેલા કવિને હવે તો દિવસે પણ પ્રિયાનું સ્વપ્નદર્શન થતું રહ્યું છે. સૉનેટના પ્રથમ ચરણમાં શોધની ગતિ છે, બીજા ચરણમાં હવે પછી થનાર પ્રાપ્તિની કંઈક કંઈક ઝાંખી ને એ ઝાંખીએ સંપડાવેલું બળ છે જે ત્રીજા ખંડમાં પ્રાપ્તિમાં પરિણમીને વિરમે છે. લાંબી યાત્રા પછી અચાનક પરમકૃપા રૂપે અવતરિત થયેલી અનામ આશા-શી પ્રિયા આવી ત્યારે કેવા રૂપમાં?

‘મળી અંતે સ્વપ્નો સકલ થકીયે સ્વપ્નમય જે,
મળી આશાઓની ક્ષિતિજ થકીયે પારની સુધા.’

પ્રિયા જ્યારે મળી નહોતી ત્યારેય સહૃદયના ચિત્તમાં એક અમૂર્ત ખ્યાલ રૂપે કવિએ તેનું સ્થાપન કરેલું ને મળી ત્યારેય એ જ ભાવરેખા રૂપે, કલ્પી હતી તેથીય વધારે સ્વપ્નથી, ધારી હતી તેના કરતાંય વિશેષ અમૃતમય. જ્યારે ને ત્યારે વચ્ચે પ્રિયાની આંતરશ્રીનાં જ દર્શનનું કવિને મન મૂલ્ય છે. કાન્તારનાં બાહ્ય સૌંદર્યની વચાળે કવિની શોધ આ સૌંદર્યનું પ્રતિબિંબ પાડતી અમૂર્ત વ્યક્તિમત્તાનું છે. આથી જ સમગ્ર કાવ્યમાં પ્રિયાનો સીધો ઉલ્લેખ ક્ષણમાત્ર પણ કવિએ કર્યો નથી. રખેને એ ઉલ્લેખ માત્રથી પ્રિયાની આંતર્શ્રી નંદવાઈ ન જાય, એનું કોમળતમ સૌંદર્ય નજરાઈ ન જાય એવા ખ્યાલથી. નિસર્ગશ્રીમાં પ્રિયાને શોધતા કવિને નિસર્ગશ્રીની વચ્ચેથી જ અચાનક પ્રગટેલી પ્રિયા જ્યારે મળી ત્યારે કવિનો અવતાર જ બદલાઈ ગયો; તેઓ દ્વિજ બન્યા: પ્રિયાનાં દર્શનથી સાંપડેલાં આ દ્વિજત્વથી ધન્યતા, કૃતજ્ઞતા અનુભવતા કવિની અંતિમ પંક્તિઓ આથી જ શ્લોકત્વ પામી:

‘સૂની આયુર્નૌકા મુજ ઝૂલતી'તી અસ્થિર જલે,
સુકાને જૈ જોતી મળી જગતઝંઝાનિલ મહીં.’

પ્રિયાનાં દર્શનમાત્રથી મળ્યું આજીવન સ્થૈર્ય; જીવતરના અત્યાર સુધી અંધારા રહેલા ખોરડાને ભરી દેતો વિરલ આલોક. સૉનેટના ત્રીજા ખંડે પ્રિયામાં ખોડાયેલાં કવિનાં નયન ને પ્રિયા પાસે થંભેલાં ચરણ પાસે મુકાયેલું પૂર્ણવિરામ પ્રસન્નતાના પરિતોષનું દ્યોતક બન્યું છે. પ્રિયની અડોઅડ બેસીને, પોતા માટે કરેલી તેની યાત્રાને એકમન બનીને સાંભળી રહેલી પ્રિયાનો હાથ હાથમાં લેતા કાવ્યનાયકની અંતિમ પ્રતીતિ કવિનાં તે શિખરિણીનાં ઊર્ધ્વારોહણનુંય આહ્લાદક શૃંગ બની રહે છે:

‘મળી ન્હોતી ત્યારે, પ્રિય, જલથલે ખોજી તુજને
રહું શોધી આજે તુજ મહીં પદાર્થો સકલ એ.’

પ્રિયાએ ઉઘાડેલાં દ્વારમાં પેસતા કવિ પ્રહ્લાદે દુનિયાને બહાર રાખીને અંદરની દુનિયામાં હજારો દુનિયાનાં દર્શન કરેલાં એ જ આહ્લાદ અહીં પણ અનુભવાયો. કાન્તારની વનશ્રી પ્રિયામાં સમાઈ ગઈ ને પ્રિયાનું સૌંદર્ય દ્વિગુણિત થયું. જીવનભર પ્રિયાની શોધ કરતા કાવ્યનાયકે પ્રિયા માટે ને છેવટે પ્રિયામાં કરેલું નિર્મળ સૌંદર્યદર્શન કાવ્યનાયકની ગરિમાને પ્રસ્થાપન કરવામાં પ્રચ્છન્ન રીતે ભાગ ભજવે છે તેનુંય મૂલ્ય ઓછું નથી. તેથી કાવ્યમાં બંનેની સહોપસ્થિતિનું વિરલ પુદ્ગલ રચાય છે. વિશાળે જગવિસ્તારે સઘળાં કંઈને આલિંગતા કવિનો પ્રણયભાવ પ્રસ્તુત કાવ્યમાં જે સઘનતાને પામ્યો છે એ સઘનતા કવિની સ્વસ્થ જીવનદૃષ્ટિની નીપજ બનીને પ્રસ્તુત સૉનેટને સાચા અર્થમાં ‘ચમત્કારિક’ વળાંક આપવામાં કામિયાબ નીવડી છે. સૌને ચાહતા, આરાધતા આ કવિ પ્રેમને અહીં આરાધનામાં રૂપાંતરિત કરી શક્યા છે એમની આગવી આસ્તિક, નરવી, પ્રશાંત જીવનદૃષ્ટિના બળે. એ અર્થમાં આ પ્રણયકાવ્ય નોખી મુદ્રા ઉપસાવતું કાવ્ય બની શક્યું છે.