આત્માની માતૃભાષા/18


હૈયાનો સ્વભાવ અને પ્રભાવ

ભગીરથ બ્રહ્મભટ્ટ

માનવી નું હૈયું

માનવીના હૈયાને નંદવામાં વાર શી?
અધબોલ્યા બોલડે,
થોડે અ બો લ ડે,
પોચાશા હૈયાને પીંજવામાં વાર શી?
સ્મિતની જ્યાં વીજળી,
જરીશી ફરી વળી,
એના એ હૈયાને રંજવામાં વાર શી?
એવા તે હૈયાને નંદવામાં વાર શી?
માનવીના હૈયાને રંજવામાં વાર શી?
એના એ હૈયાને નંદવામાં વાર શી?
મુંબઈ, ૨૮-૧૦-૧૯૩૭



ઉમાશંકર જોશીએ ‘વિશ્વશાંતિ'ની વાત માંડેલી પરંતુ ‘આત્મશાંતિ'ની અનિવાર્યતા ઉપર પણ તેમનું ધ્યાન ગયું છે. ઉમાશંકરે મનુષ્યને સમજવા પર અને તેની સમજદારી ઉપર મોટો મદાર રાખ્યો છે. સાહિત્ય સમજદારી માટે સહાયક બને છે, અને સમજદારીનો એક છેડો હૃદયમાં પડેલો છે, એટલે માનવીના હૃદયનું મહત્ત્વ વિશ્વસંવાદમાં ઘણું મોટું છે. ‘માનવીનું હૈયું’ એ ઉમાશંકર જોશીકૃત સુભાષિત કોટિનું સરળ ઊર્મિગીત છે. લાઘવબળે હૃદયનો અને કાવ્યનો એમ ઉભય મહિમા કર્યો છે. હૃદયનો મૂળ ધર્મ કયો? હૃદયનું સ્વરૂપ કેવું? આ બે મૂળભૂત પ્રશ્નોના ચિંતનમાં કાવ્યનો પ્રાણ ધબકે છે. હૃદયની મૂળભૂત પ્રકૃતિમાં પ્રસન્નતા અને પ્રસન્નલયધબકાર છે. એ પ્રસન્નતા પ્રગટે ક્યારે? અને એ પ્રસન્નતા મૂરઝાઈ જાય ક્યારે? કેમ? ટૂંકમાં પ્રસન્નતા બક્ષનારાં અને નારાજગી આણનારાં તત્ત્વો સામે કવિ નિર્દેશ કરી, કોઈ ફરિયાદ કર્યા સિવાય કેવળ હૃદયની પ્રકૃતિનો પરિચય કરાવે છે. માનવીના હૈયાને અન્ય હૈયાં સાથે નાતો હોય છે, એ નાતો કોઈ ને કોઈ પ્રકારે અભિવ્યક્ત થયા વગર રહેતો નથી. ક્યારેક આંગિક સંકેત — અશાબ્દી ભાષાથી ક્યારેક વાચિક સંકેત — શાબ્દી ભાષાથી હૈયાનો ભાવ માનવી અભિવ્યક્ત કરે છે. હૃદય એ માધ્યમથી બીજા હૃદયને પારખે છે. એ સંવાદમાં જ જીવન સમાવિષ્ટ થાય છે. ‘માનવીના હૈયાને નંદવામાં વાર શી?’ ઉપાડ પંક્તિમાં જ ષટ્કલ પકડાય છે. ‘વાર શી?’ બોલચાલનો લ્હેકો છે — પ્રયોગ છે. ચપટીકમાં, ઘડીમાં એવો અર્થબોધ અહીં ‘વાર શી?'ના પ્રશ્નમાંથી સૂચવાય છે. પ્રથમ પંક્તિમાં કર્મના અર્થમાં વપરાતો ‘ને’ અનુગ હૈયાને લાગ્યો છે — અહીં આખા વાક્યમાં કર્તા અપ્રસ્તુત છે. હૃદય એની મેળે રાજી અને નારાજ થઈ જતું હોય છે… ત્યાર પછીની પંક્તિમાં — અધબોલ્યા બોલડે થોડે અબોલડે જેવાં ક્રિયારૂપોમાં ‘એ’ પ્રત્યય તાદર્થ્યનો ભાવ સૂચવે છે, આમ અનુગ ને એનો સ્થાનફેર કાવ્યત્વ સિદ્ધ કરે છે. પ્રથમ પંક્તિમાં હૃદયનો સ્વભાવ જ એવો છે કે સ્હેજમાં એ નંદવાઈ જાય. કેટલું બરડ! કેટલું નાજુક! અહીં કોણ નંદવે છે એની વાત જ નથી પણ કયા કારણે નંદવાય છે તેનાં કારણો કવિ જણાવે છે — 

અધ બોલ્યા બોલડે
થોડા અબોલડે…

અહીં ‘બોલ’ ક્રિયારૂપને ‘ડે’ પ્રત્યય લગાડી એમાં લાલિત્ય, અને ‘એ’ અનુગ મૂકી તાદર્શ્યનો ભાવ કવિ પ્રગટાવે છે. આવી સરળ વાત — શબ્દ — અર્ધશબ્દ અને મૌન થકી વ્હેતી તો થાય જ છે. કાવ્યમાં ત્રણ ક્રિયાપદો છે. (૧) નંદવામાં (૨) પીંજવામાં (૩) રંજવામાં — ત્રણેય ક્રિયાપદના અર્થના સરવાળામાંથી હૃદયની વિશેષતાનો પરિચય પમાય છે. (૧) નંદવામાં: ક્રિયાપદ દ્વારા હૃદયની નાજુકાઈનો બોધ કવિ કરાવે છે, શું નંદવાય? જે બરડ હોય તે… હૃદય પણ એટલું નાજુક છતાં કાચ જેવું પારદર્શક. (૨) પીંજવામાં: ક્રિયાપદ દ્વારા હૈયું રૂની જેમ પીંજી શકાય એટલે કે એનામાં સંવૃત્ત-વિવૃત્તનો ગુણ છે. હૃદયમાં વ્યાપ્તિનો — વિશાળતાનો ગુણ રહેલો છે. (૩) રંજવામાં : ક્રિયાપદ દ્વારા હૃદય મૂળભૂત પ્રસન્નતાનો ગુણ ધરાવે છે. સાનુકૂળ પરિસ્થિતિ જોતાં એ પ્રસન્નતાની પ્રતીતિ કરે છે. ‘સ્મિતની વીજળી’ જેવો પ્રયોગ કૃતક ભલે લાગે પણ સ્મિતમાં જે ચમત્કાર છે, જે ચમત્કૃતિ ધરતી ઉપર વીજળી રૂપે આવીને ધરતીને ન્યાલ કરે એવો જ ભાવ ચહેરા ઉપર આવી હૃદયને ન્યાલ કરી દેવાનો છે… જે હૈયું સામેની વ્યક્તિની ભાષાભંગિમા, એના કાકુ, એના સૂચિતાર્થો પામી જાય — થોડા શબ્દો અને અશબ્દો — એને દુ:ખી કરી નાખે. કોકના બોલાયેલા શબ્દોની ઉષ્મા ઓછી પડે અને ઉષ્માની સદંતર ગેરહાજરી હોય ત્યારે હૃદય એ વ્યક્તિને પામી જાય છે — અહીં ‘અધબોલ્યા બોલડે’ ‘થોડે અબોલડે’ જેવાં ક્રિયારૂપોથી બોલનાર વ્યક્તિની અને ઝીલનાર વ્યક્તિના હૃદયની કવિએ જે સૂક્ષ્મ નોંધ લીધી છે — તેનું મહિમાગાન થયું છે. આમ વાતવાતમાં નંદવાઈ જતું હૈયું કેવળ સ્મિતની આછી રેખાથી કેવી પ્રસન્નતા અનુભવે છે! હૃદયમાં રહેલી આ વિશેષતાને, હૃદયમાં રહેલી આ ઉભય પ્રકારની ક્ષમતાને ઉમાશંકરે શબ્દસ્થ કરી છે. માનવહૃદયની સામાન્ય વૃત્તિનું અને મિજાજનું એક — અસામાન્ય ઊર્મિગીત આપણને હૈયાની પ્રકૃતિનો પરિચય પૂરો પાડે છે. માનવે પોતાના નાનકડા અહમ્થી માંડી વિશ્વને વ્યાપતી અને વિશ્વથીયે પરાત્પર એવી વિશ્વાતીત પરમ દિવ્યતા સુધીની જે વિરાટ સૃષ્ટિ છે તેના પ્રતિ યાત્રા આ હૃદય મારફતે જ આદરવાની છે. અને પોતાના અંદરની યાત્રા પણ આ હૃદય થકી જ શક્ય બને છે — એવા ઘટક તરીકે હૈયાનો અ-પૂર્વ મહિમા ઓછા શબ્દોમાં તટસ્થભાવે કવિએ રજૂ કર્યો છે. માનવી જેમ બીજાના શબ્દોથી દુ:ખી થાય, અથવા અન્યના શબ્દો સ્વના હૃદયને નારાજ કરે એમ પોતાના શબ્દોની પણ અન્ય ઉપર એવી જ અસર થાય છે — એવો ધ્વનિ પણ કાવ્યની રજૂઆતમાં રહેલો છે.