આપણો ઘડીક સંગ/પ્રકરણ ૯

વાતચીત–શબ્દે શબ્દે અર્થો-અનર્થોના ફુવારા ફૂટતા હોય, વ્યંજનાઓની વણજાર ચાલતી હોય, અલંકારોની આતશબાજી આંખોને આંજી નાખતી હોય ત્યારે તે આકર્ષક બને.

ધૂર્જટિ અને અર્વાચીના વચ્ચે અત્યાર સુધી થયેલી શબ્દોની આપ-લે સ્થૂલ રીતે જોતાં તો છેક જ સામાન્ય હતી.

‘આ ચોપડી વાંચવા જેવી છે, સાહેબ?’

‘ના… આના કરતાં બીજી એક છે તે વધારે સારી છે.’

‘આ ફ્રેમ કોણે ભરેલી?’ ધૂર્જટિએ એક વાર પૂછ્યું.

‘મેં.’ અર્વાચીનાએ કહ્યું.

‘સરસ છે!’

‘ગઈ કાલે તો બહુ મોડી રાતે ઘેર પાછો ફરેલો.’ ધૂર્જટિએ સહજ કહ્યું હોય.

‘કેમ એમ?’ અર્વાચીના પણ એટલી જ સાહજિકતાથી પૂછે.

‘ચાંદની બહુ સરસ હતી, એટલે સમય ગયાની ખબર ન રહી, અને ક્યાંય સુધી ફરતો જ રહ્યો…’ ધૂર્જટિનો ખુલાસો આવો હોય.

‘એકલા જ હતા?’ અર્વાચીનાનો પ્રશ્ન. એ જ સાહજિકતા…

…ને એમ પેલા પાવલોવના કૂતરાને, રોજ રોટલી નાખનાર નોકરને જોઈને જ રોટલીનો રાસાયણિક સાક્ષાત્કાર થયો, જેમ ધૂર્જટિ-અર્વાચીનાને પણ આ એકલા-બેકલા, રાત-ચાંદની જેવા શબ્દોના પ્રયોગમાત્રથી આછી અકળામણ થઈ આવતી.

અરે! ચંદ્રાબાના આવ્યા પછી, એટલે કે એક-બે દિવસ ઉપર જ, ધૂર્જટિ અચાનક અર્વાચીનાના ઘર બાજુથી સાંજના પહોરનો નીકળ્યો, અને તેને એમ થયું કે, ચાલો બૂચસા’બને મળતો જઉં, તે ઘરમાં દાખલ થયો. દીવાનખાનામાં જોયું તો અર્વાચીના એકલી બેઠી બેઠી વાંચતી હતી… એક કવિતામાંની કોઈ મુશ્કેલી તેણે પૂછી. તેમાં અનિવાર્ય રીતે જ પ્રેમ વિશે કાંઈક હતું, કેમ કે તે કવિતા હતી. અર્વાચીનાને પોતાને તે કવિતા ‘આવતી પરીક્ષામાં પુછાય તેવી કવિતા છે’ તે સિવાય વધારે રસ ન હતો અને છતાં, ‘બધું મર્ત્ય છે, એક આપણો પ્રેમ જ…’ આ પંક્તિ શીખવતાં શિક્ષક ધૂર્જટિએ ઊચું જોયું, શિષ્યા અર્વાચીનાએ નીચું જોયું… અને ફનિર્ચરે આંખો મીંચી દીધી એમ કહીએ તો ચાલે… બીજી જ ક્ષણે ધૂર્જટિએ ખોંખારો ખાઈ, પીંછાં પ્રસારી, અંગત લાગણી ખંખેરી નાખી, પ્રેમ પરની પેલી કવિતાની આસપાસ બોલવા માંડ્યું…

આવું થતું… એકાદ શબ્દને કે અર્થને પોતે એકાએક કૂદીને, એકાદ માછલી કૂદે તેમ કૂદીને, બટકું ભરી દેતો અને પછી તે જ શબ્દાર્થના ટુકડા સાથે તણાઈ તે પોતાના રોજના મનોજીવનનાં શાંત, જાણીતાં પાણીમાંથી બહારની ગૂંગળાવી નાખતી પ્રાણવાયુવાળી હવાઓમાંથી ફેંકાઈ જતો ત્યારે ધૂર્જટિ અકળાઈ ઊઠતો. તેને તે કોઈ ત્રીજી જ શક્તિનો ગુલામ હોય એવું થઈ આવતું. તેનું આખું અહમ્ બહારના આવા આક્રમણ સામે ઝઝૂમી ઊઠતું. ધૂર્જટિને પોતાનું જ્ઞાન, પોતાની સભ્યતા, પોતાની ઇચ્છાશક્તિ, પોતાની સંસ્કૃતિ — એક જ શબ્દમાં કહીએ તો પોતાની સારીય ‘સ્વતંત્રતા’–કોઈ વિચિત્ર વીજળીના ઝબકારામાત્રમાં તેણે પહેરેલા પોશાકની જેમ સરી પડતી લાગતી અને એ વીજળી તેને વીંટાઈ વળતા દેહના કણેકણમાં વસી રહી હતી. ધૂર્જટિ તેનાથી દૂર જવા પ્રયત્ન કરતો, પણ તે અસહાય હતો…

આવી વિક્ષિપ્ત લાગણીઓ સાથે તે અર્વાચીના તરફ ફરતો ત્યારે તેની રોજની સોહામણી, સ્વસ્થ, સુગંધિત અર્વાચીનાની મૂતિર્ તરડાઈ, તૂટી-ફૂટી જતી. ‘પ્રેમ’ શબ્દથી જ આમ પરતંત્ર થઈ રહેતી આ નવીન અર્વાચીના તેને હવે માત્ર નિષ્ઠુર અવકાશમાં વહેતું મુકાયેલું અર્થહીન, અભાન એવું, કોઈ અતિમાનુષ મશ્કરાએ યોજેલું, એકાદ જીવનયંત્ર જ હોય તેવું લાગી આવતું.

ફરી પાછી શબ્દ-રૂપ-ગંધથી બનેલી અર્વાચીના ધૂર્જટિના મનમાં સ્વસ્થ થઈ રહેતી ત્યારે જ તે શાંત થતો… તેની સાથે કરેલી વાતચીતનો એકાદ શબ્દ ચંદ્રકિરણોના જેવા તેજપુંજની જેમ ગબડી આવી તેના મનની સમતુલાને મીઠો આઘાત પહોંચાડી જતો. તેના વાળની કે આંખની કે ચહેરાની એકાદ છટા આખાય વિશ્વ પર છાઈ જતી. અણધારી રીતે જ, બારી બહાર દેખાતા આસોપાલવના એકાદ પાંદડામાં કે ઉઘાડા પડેલા પુસ્તકના એકાદ પૅરૅગ્રાફમાં કે છેવટે કાંઈ નહિ તો સામે દેખાતા બંગલાની બાલ્કનીના પેલા લહેરી વળાંકમાં પણ અર્વાચીના છલકાઈ જતી.

*

‘ચંદ્રાબા!’ વિનાયકે ગંભીર ચહેરે વાત ઉપાડી. ચંદ્રાબા અને પેલી ‘રોમન સમયની પૂતળી’વાળો વિનાયક મિત્રો હતાં. બંને ધૂર્જટિનાં સ્વજનો હતાં.

‘ચંદ્રાબા!’

‘હં…’ ચંદ્રાબાએ કહ્યું.

‘એક ચેતવણી આપું?’

‘આપ.’ ચંદ્રાબાએ નિરાંત-જીવે કહ્યું : ‘કોના વિશે?’

‘ધૂર્જટિ વિશે!’ વિનાયકની ગંભીરતા ઘેરી બનતી જતી હતી.

‘જટિ વિશે?’ ચંદ્રાબાનો ચહેરો ક્ષણભર ચંતાિતુર બની ગયો, પણ બીજી જ ક્ષણે એક ચમકારામાં ચંતાિને હટાવી નાખતાં તેમણે વિનાયકને ખંખેરવા માંડ્યો : ‘એમાં આમ જટાયુ જેવું મોં લઈને શું બેઠો છે? જટિ વિશે ચેતવણી શી હોય વળી? બહુ ગુસ્સે થઈ જશે તો યોગસાધના કરશે. તેનાથી વધુ કરવાનો શું હતો એ?’

‘મને એના માટે ચંતાિ થાય છે, એને સાચવો.’ વિનાયકે સ્નિગ્ધગંભીર અવાજે કહ્યું. આથી તો ચંદ્રાબા છેડાઈ પડ્યાં.

‘તારે સાચવવો હોય તો સાચવ, બાકી હું તો અર્વાચીન મા છું, વિનાયક! છોકરાને છૂટો મૂકવામાં માનું છું.’

‘એની ઉમ્મરના અને પ્રતિભાવાળા છોકરાઓને સમાજમાં છૂટા મૂકવા એટલે સમાજ પર તેમને છોડી મૂકવા બરાબર છે. પછી તેનું ને સમાજનું ભલે ગમે તે થાય. કેમ?’ વિનાયકને લાગી આવ્યું.

‘પણ… જટિ માટે ચેતવણી આપવા જેવું છે શું? અને કોઈ નહિ ને જટિ સમાજની શાંતિને ભયરૂપ હોય?’ ચંદ્રાબાને આ બધું જરાય સમજાતું ન હતું. તેમણે આગળ ચલાવ્યું :

‘આપણે જાણીએ છીએ ને કે જટિ કેટલા વિશુદ્ધ ચારિત્ર્યનો છે? તેના વિચારો કેટલા ઊચા છે? પહેલાં તો, તે જ્યારે બી.એ.માં હતો ત્યારે, યાદ હોય તો ‘‘ચિરકુમાર સભા’’ વાંચતો અને તેના ટેબલ ઉપર મોટા અક્ષરમાં પાટિયું રાખતો ‘‘પરસ્ત્રી માત સમાન.’’ એ કેમ ભૂલી જાય છે, વિનાયક?’

‘પણ ત્યારે…’ વિનાયકને અહીં ડૂમો ભરાઈ આવ્યો. ‘આજે… મેં… જોયું… સાંભળ્યું…’ અને કડવો ઘૂંટડો ગળતાં તેણે પૂછ્યું, ‘તે શું, ખોટું?’ આ સવાલ તેણે ધૂર્જટિનાં માતુશ્રીને, ચંદ્રાબાને ઉદ્દેશીને પૂછ્યો, એટલું જ નહિ, પણ પોતાની જાતનેય પૂછ્યો. ધૂર્જટિને વિનાયક ક્યાં નહોતો ઓળખતો? હજુ પેલો પ્રસંગ તો તેના મનમાં તાજો જ હતો…

બેએક વર્ષ પરની વાત, કદાચ ત્રણ-ચાર વર્ષ પહેલાંની હશે. વિનાયક અને ધૂર્જટિ તો નાનપણના દોસ્તો. ધૂર્જટિ તરતનો બી.એ. થયેલો. એમ.એ.ના પહેલા વર્ષમાં ત્યારે હતો. કોલેજનો ‘ફેલો’. આખી કોલેજમાં પંકાયેલો. એ પાસેથી પસાર થાય તોપણ વિદ્યાર્થીઓ વાત કરતા અટકી જઈ તેની સામે જોઈ રહેતા અને આ ધૂર્જટિ એક સમી સાંજે વિનાયકને ત્યાં ગભરાતો ગભરાતો આવેલો…

‘વિનુ!’

‘અરે, જટિ! તું ક્યાંથી, યાર!’ વિનાયક રોજની માફક બરાડી ઊઠ્યો.

‘વિનુ!’ જટિનો અવાજ ગૂંગળાતો જતો હતો.

‘શું થયું છે, દોસ્ત! આમ ગભરાયેલો શું છે!’

‘વિનુ!!!’

‘શું છે તને!? ‘‘વિનુ, વિનુ’’ કરે છે, પણ તને શું થાય છે તે તો કહે. તો તને કાંઈક મદદ…’

અહીં વિનાયકને એમ લાગ્યું કે આ તબક્કે વાણીથી વધુ જોરદાર સારવારની જરૂર જટિને માટે ઊભી થઈ છે. તેથી તેણે જટિને બે ખભાથી પકડી, હલાવી, હચમચાવી, તેની આંખમાં આંખ પરોવી, તેને નજરબંધી કરતા અવાજે પૂછ્યું :

‘શું છે, બોલ? ‘‘વિનુ, વિનુ’’ કેમ કરે છે? શું છે?’

‘પે… લી…’ જટિએ ખૂબ પ્રયત્ન કરી બોલવા માંડ્યું.

‘પેલી… કઈ?’ વિનાયકે તેના શબ્દો ઝડપી લીધા : ‘જટિ! જાગી જા! પેલી… કઈ? શું?’

જટિ ફરી ખોટકાયો,

‘પેલી… પણ કઈ?’ વિનાયકે ફરીથી પૂછ્યું, અને પછી જટિને મદદ કરવાના ઇરાદાથી પેલી, બધીય પેલીઓનાં નામ બોલવા માંડ્યો : ‘પેલી… તારિકા? સારિકા? તરલા? સરલા? યશોધરા?’

…અને યશોધરા નામ આગળ જટિએ જોરથી માથું હલાવ્યું.

‘પેલી યશોધરા?’ વિનાયકે જટિને ઉત્સાહથી પૂછ્યું.

‘હા.’ જટિએ એકરાર કર્યો.

‘તે શું છે? યશોધરાને શું છે? તેનાથી આમ ગભરાયેલો કેમ છે? તેને…’ પણ વિનાયક યશોધરા પરના વેરને અક્ષરદેહ આપે તે પહેલાં તો ધૂર્જટિને ખિસ્સામાંથી કાંઈક કાઢતાં તેણે જોયો.

ફૂલ… ગુલાબ… ધૂર્જટિ બતાવતો હતો.

ગુલાબને હાવભાવથી જ ઓળખાવાય અને બહુમાં બહુ બે શબ્દો બોલાય તો તે પણ ઉર્દૂમાં જ — એવું માનનારાઓમાંનો એક વિનાયક ન હતો. તેણે તો ગુજરાતીમાં જ…

‘આ… તેનું–યશોધરાનું છે?’ વિનાયકે ધૂર્જટિને ખુરશીમાં પાછો સ્થાપિત કર્યો. પરિસ્થિતિ કાબૂમાં છે એમ માની પોતે પણ સામે સ્ટૂલ પર ગોઠવાયો.

‘આ ફૂલ, આ ગુલાબ યશોધરાનું છે?’ તેણે ઊલટતપાસ કરતાં પૂછ્યું.

‘હા!’ ધૂર્જટિએ કબૂલ્યું.

‘યશોધરાએ તને આપ્યું?’ વિનાયકે આગળ ચાલતાં પૂછ્યું.

‘હં…’ ધૂર્જટિએ સંદિગ્ધ અવાજ કરી મોં ફેરવી લીધું.

‘કે પછી તેં એના માથામાંથી લઈ લીધું?’ વિનાયકે આ સવાલ જરા તીખાશથી પૂછ્યો.

‘શી ખબર!’ ધૂર્જટિએ કહ્યું.

‘ત્યારે તું ગભરાય છે શાનો?’

‘એટલે જ ગભરાઉં છું.’ ધૂર્જટિને પોતાને પણ હવે જરા હાશ થઈ, કેમ કે પોતાની મૂંઝવણનું ખરું સ્વરૂપ જ હવે તેને સમજાયું. ‘કદાચ આ ગુલાબ યશોધરાએ તેને એમ પણ આપ્યું હોય.’ તેને મોડો મોડો પણ વિચાર આવ્યો.

અત્યાર સુધી તો તેનો જીવ એમ જ પડીકે બંધાયો હતો કે આ ગુલાબ યશોધરાનું છે ને હવે શું થશે…

અને ધૂર્જટિ આવું કરે?

‘ચંદ્રાબા!’ વિનાયકે તો તેની ફરજ બજાવી. ‘મારે તમને જટિ વિશે જે ચેતવણી આપવાની છે તે આ છે. તેને પેલી અર્વાચીના સાથેનો સત્સંગ છોડાવી દ્યો!’

‘કેમ? તે કાંઈ ઊડો ઊતર્યો છે?’

‘ઊડો તો એટલો બધો કે…’ અને પછી વિનાયકને જે બનાવે ચોંકાવી મૂક્યો હતો તે તેણે ચંદ્રાબાને કહ્યો : ‘ગઈ કાલે ‘‘અર્વાચીના કવિતા’’ને બદલે તે બોલી ગયો, અર્વાચીના કવિતા!!!’

‘આ બાબત ગંભીર ન કહેવાય?’ વિનાયકે છેવટે ચંદ્રાબાને જ પૂછ્યું.

‘કહેવાય તો ખરી!’ ચંદ્રાબાએ મોં મલકાવી વિચારમાં પડી જતાં કહ્યું.

‘આવું બને તો નહિ હોં!’ બૂચસાહેબ હજુ પણ માનવા તૈયાર નહોતા.

‘પણ ત્યારે વિમળાબહેન કહે તે વાત ખોટી હોય?’ તેમનાં પત્નીએ, અર્વાચીનાનાં બાએ, તેમના સામે મીટ માંડીને પૂછ્યું.

બૂચસાહેબને એક વાર તો એમ થઈ ગયું કે કહી દઉં કે, ‘હોય! હા, હોય! વિમળાબહેન કરે તે વાત ખોટી પણ હોય!’

પણ બીજી જ પળે તેમણે આ શૂરાતન સંકેલી લીધું, કેમ કે તે જાણતા હતા કે આમ કહી દેવું અત્યંત જોખમભરેલું છે. વિમળાબહેન સામે પોતાની પત્ની સમક્ષ બોલવામાં જાનમાલનું જોખમ હતું.

બૂચસાહેબે આ ઘરમાં રહેવા આવ્યાનાં આરંભનાં અઠવાડિયાંઓ દરમ્યાન જ મને-કમને પણ આ વાત સ્વીકારી લીધી હતી કે હવે પછી આત્મા-પરમાત્માથી માંડીને ‘એટમ’ સુધીની, અને ચાનાં પ્યાલા-રકાબીના ઘાટથી માંડીને ચાંદીનાં વાસણો સુધીની બધી જ વાતોમાં વિમળાબહેનનો મત છેવટનો ગણાશે.

વિમળાબહેન, બીજાં અનેક વિમળાબહેનોની માફક, પાડોશમાં જ રહેતાં હતાં. અર્વાચીનાનાં બાનાં તે મિત્ર હતાં. જીભનાં તો તે જાદુગર હતાં. કૌલીનનાં તે કારીગર હતાં. નરી કલ્પનાને જોરે તે પોતાના સંપર્કમાં આવતા લોકોનાં અનેક રહસ્યોને આકાર આપી શકતાં, અને ધારે ત્યારે તે રડી શકતાં, રડાવી પણ શકતાં, તેમની સહાનુભૂતિને સીમા ન હતી. અન્ય જનોનાં જીવન વિશે જાણવાની તેમની જિજ્ઞાસાની જોડ ન હતી.

અર્વાચીનાનાં બાની સાથે એમની ઓળખાણ પણ વિલક્ષણ સંયોગોમાં થઈ હતી…

આજથી એક-બે વર્ષ પર જ બૂચસાહેબ તેમના અત્યારના ઘરમાં અમદાવાદમાં રહેવા આવેલા. દક્ષિણ ગુજરાતના એક ગામમાં લાંબો વખત સેવા કરી હવે નિવૃત્તિનો સમય અહીં અમદાવાદમાં વિતાવવા એ ધારતા હતા. અહીં તેમને કાંઈ કામ મળી રહે તેમ હતું. વળી અર્વાચીના એક-બે વર્ષમાં કોલેજમાં આવે ત્યારે તે ખર્ચ પણ…

રહેવા આવ્યા પછી પહેલા એક-બે દિવસ તો બહુ શાંતિથી પસાર થયા. પણ ત્રીજે દિવસે બૂચસાહેબે બારી બહાર જોઈ જાહેર કર્યું કે :

‘આ મારાથી નહિ સહન થાય!’

‘શું?’ તેમનાં પત્નીએ પૂછ્યું.

‘આ પાટિયું!’

‘કયું? આપણા ઘર પર છે?’

‘ના!’ બૂચસાહેબે રોષભર્યા અવાજે કહ્યું : ‘બાજુના ઘર પર!’

‘પણ તેમાં આપણે શું?’

‘તમે જાણો છો કે દરેક પ્રકારની સ્ત્રીપ્રવૃત્તિથી હું વિરુદ્ધ છું. તેમાં હું સમકાલીન સમાજનો વિનાશ જોઉં છું અને મને એ જાણીને દુ:ખ થાય છે કે આ બાજુના પાડોશના ઘર પર જ, આવી પ્રવૃત્તિનું તે એક કેન્દ્ર હોવાની સ્પષ્ટ ચેતવણી ચીતરેલી છે. વાંચો તે પાટિયું! આમ આવો!’

અને અર્વાચીનાનાં બાએ તે પાટિયું વાંચ્યું તો — ‘માનાર્હ મંત્રી, મહિલા સહાયક મંડળ.’

‘હું આ પાટિયું તો તોડી જ નાખીશ!’ અને ખરેખર એક-બે દિવસ પછી અર્વાચીનાનાં બાની અચાનક નજર પડી તો તે પાટિયું ત્યાં નહોતું!

વળી ચાર-પાંચ દિવસ થયા હશે, ત્યાં એ જ બારી પાસેથી બૂચસાહેબે સાંજના પહોરે સંતોષ વ્યક્ત કર્યો :

‘બહુ જ સારું થયું! આ જ પરિણામ આવવું જોઈએ!’

‘શાની વાત કરો છો?’

‘શેની તે આ સ્ત્રીપ્રવૃત્તિની. જુઓ, આમની દશા થઈ છે તે. આમ આવો આ બારીએ.’

…અને અર્વાચીનાનાં બાએ બહાર જોયું તો માનાર્હ મંત્રી વિમળાબહેનને એક સ્ટ્રેચરમાંથી ઉતારવામાં આવતાં હતાં. એમ્બ્યુલન્સની પાછળ એક જીપગાડી આવી, જેમાંથી બે-ચાર બીજી સન્નારીઓએ એક ગામડિયણ બાઈને ઉતારી, જે બાઈ બધાંને રોતી દેખાતી હતી, પણ બૂચસાહેબની ઝીણી નજરથી કાંઈ છૂપું નહોતું.

‘બધાં આડું જુએ ત્યારે એ હસે છે, જોયું કે?’ સાહેબે અર્વાચીનાનાં બાને બતાવ્યું.

‘તેમાં તમારે શું? તમે વિમળાબહેન સામે જુઓ છો કે પેલી ગામડિયણ સામે?’ તેમનાં પત્નીએ ઊલટાં ગુસ્સે થઈને પૂછ્યું.

…અને આ બનાવ પછી એકાદ અઠવાડિયા બાદ, વિમળાબહેનને સાજાં થઈ જવા માટે પૂરતો સમય પસાર થયો હતો, ત્યારે પાછો બૂચસાહેબે પેલી બારી પાસેથી નિર્ણય કર્યો :

‘હવે તો પોલીસમાં ખબર આપવી જ પડશે.’

‘કેમ?’ તેમનાં પત્નીએ ચમકીને પૂછ્યું.

‘કેમ શું? આ વિમળાબહેન માથાભારે થતાં જાય છે!’ બૂચસાહેબ છેડાઈ પડ્યા.

‘પણ કેમ?’

‘રિવોલ્વર રાખે છે. મને તો કોઈ ફાસિસ્ટ લાગે છે.’ તેમણે ધીમે સાદે કહ્યું.

અને બૂચસાહેબે ટોપી પહેરી, બૂટ પહેરવા માંડ્યા. એ પોલીસસ્ટેશને જતા હશે? એમણે હાથમાં લાકડી લીધી.

પણ ત્યાં તો વિમળાબહેન જ ઉપર આવ્યાં.

કોઈ પણ પુરુષના હાથમાં આ વિમળાબહેન લાકડી જોતાં તો તે આમેય દોડી આવતાં.

…અને એમનો આ રીતે ગૃહપ્રવેશ થયો ત્યારની એમણે અર્વાચીનાનાં બા ઉપર આણ વર્તાવી હતી…

અને આ વિમળાબહેને સૂચવ્યું હતું કે ધૂર્જટિ-અર્વાચીના જેવી મૈત્રી આગળ જતાં લગ્નમાં પણ પરિણમે!

‘મારું ચાલે તો તો હું કરાવી જ દઉં!’ એમણે અર્વાચીનાનાં બાને તાળી આપતાં કહ્યું હતું.

આથી જ અર્વાચીનાનાં બા-બાપુજી વિચારમાં પડ્યાં હતાં. વિમળાબહેન શું ન કરી શકે?

‘એવું બને તો નહિ હો!’

‘પણ ત્યારે વિમળાબહેન…’

*