આપણો ઘડીક સંગ/પ્રકરણ ૧૦
તે દિવસે ભૂલથી પણ પોતાના મિત્ર વિનાયક પાસે ‘અર્વાચીના’નું નામ બોલાઈ ગયું ત્યારથી જ પ્રો. ધૂર્જટિ જરા બેચેન તો રહેવા લાગ્યા. ‘આમ કેમ થયું?’ તેમણે પોતાની જાતને પ્રશ્ન કર્યો. ‘એમ ને એમ જ!’ તેમણે પોતે જ પાછો જવાબ દીધો, અને બધું શાંત થઈ ગયું. ત્યાં તો…
‘પણ અર્વાચીનાનું જ નામ કેમ? બીજી કોઈનું કેમ નહિ, હેં જટિ?’ વળી પાછો એને વિચાર આવ્યો.
‘હશે, હોરેશિયો! આ જગતમાં…’ એમ જ, ધૂર્જટિસાહેબ અડધું ઇંગ્લિશમાં મન વાળતા હતા એમની મેળે, પણ આજે તે કાંઈક પોતાની જાત સામે યુદ્ધે ચડ્યો હતો, તેથી કે પછી તેની કારકિર્દીમાં કોઈક કટોકટી આવવાની હોય તેથી, ગમે તેમ, પણ તેણે પોતાની જાતને ચોખ્ખું કહી દીધું, ‘જટિ, આવો ગોટાળો લાંબો વખત નહિ ચાલે!’
અને આ અવાજ એણે કાનોકાન સાંભળ્યો અને તે પણ એટલી સચોટતાથી સાંભળ્યો કે પેલી નેતરની ખુરશીમાંથી તે ખરેખર ઊભો થઈ ગયો.
ઊતરતા માર્ચનો ઊતરતો દિવસ હતો. બારી બહાર ઝાડ સ્તબ્ધ બની ગયાં હતાં. સુકાઈ ગયેલાં પાંદડાં જેવો તડકો રસ્તા પર ઊડી રહ્યો હતો. અચાનક જ એક નાનકડી ઘૂમરી ચડી અને પાંદડાં, કાગળો, તણખલાંઓ બધાંને પળભર ચકરાવે ચઢાવી ચીમળાઈ ગઈ. ધૂર્જટિના આંતરપ્રદેશમાં પણ તેવી જ ઘૂમરી ઊપસી આવી.
‘જટિ! તું પ્રેમમાં તો નથી પડ્યો ને?’ ધૂર્જટિએ છેવટે હંમિત કરીને પૂછી નાખ્યું.
‘પ્રેમમાં?’ ધૂર્જટિને એક મીઠી છાલક વાગી. જાણે સદીઓથી તેનામાં ગૂંચવાતો, અકળાતો તેજતરંગ અચાનક ઊછળી જઈ કોઈ અસીમ અજવાળાંઓમાં સમાઈ ગયો. ઊગતા ઉનાળાના આછા સોનેરી — રાખોડી તડકાઓમાં જાણે કોઈ અનેરો રસ રેડાયો. તેના મનમાં જામેલાં સૂકા વિચારોનાં જાળાં એકદમ ભેદાઈ ગયાં. તે અંદરથી હસી ઊઠ્યો. તે અંદરથી આર્દ્ર થઈ ગયો…
અને એક ક્ષણ પછી જોયું તો બારી બહારનું જગત ફરી પાછું સ્વસ્થ બની ઊભું રહી ગયું હતું. એની એ સડક, એનાં એ ઝાડ, એનાં એ પાંદડાં, કાગળ, તણખલાં, ફક્ત પેલી ઘૂમરી સંતાઈ ગઈ હતી. બધાંય ઠાવકાં બની નિર્દોષ બાળકોની જેમ ધૂર્જટિની સામે જોઈ રહ્યાં હતાં, જાણે કાંઈ બન્યું જ ન હોય…
પણ ધૂર્જટિ માટે ઘણું બધું બની ગયું હતું, બની રહ્યું હતું.
‘જટિ! મજામાં છે ને?’ વિનાયક કે જેને આમ અવકાશમાંથી ઊતરી આવ્યો હોય તેમ પોતાના મિત્રો પર તૂટી પડવાની ટેવ હતી, તે વિનાયકે બારણામાં પ્રવેશતાં ધૂર્જટિને પૂછ્યું.
‘મજામાં!’ ધૂર્જટિએ ઔપચારિક રીતે કહ્યું.
‘શું મજામાં?’ વિનાયકે આંકડા ભિડાવ્યા.
‘મારે તારી સાથે બહાર નથી આવવું. હું તદ્દન ખુશીમજામાં છું. મારાં દિલ-દિમાગ તદ્દન તંદુરસ્ત છે. માટે તું તારે…’ ધૂર્જટિએ પાણી પહેલાં પાળ બાંધવા માંડી. તેને એમ કે આ વિનાયક વળી તેને બહાર ફરવા લઈ જશે. પરંતુ…
‘ધૂર્જટિ! તું ક્યાં જઈ રહ્યો છે તેની તને ખબર છે?’ વિનાયકે તેના આશ્ચર્ય વચ્ચે પૂછ્યું.
‘હું ક્યાંય જતો નથી.’ ધૂર્જટિએ દૃઢતાથી જવાબ આપ્યો. અને વાત તદ્દન સાચી હતી. એ ક્યાંય જતો નહોતો, એટલું જ નહિ, પણ ક્યાંય જવાની તો તેણે હમણાં જ ના પાડી હતી. એમ સૂક્ષ્મ રીતે તો તે બહુ મોટી સફરને આરે ઊભો હતો, પણ તેને અને વિનાયકના પ્રશ્નને કોઈ સીધો સંબંધ હોય તો તે કલ્પી જ ન શક્યો અને આથી જ આટલું બોલી એ અટક્યો.
‘તું મોટા મહાભારત તરફ જઈ રહ્યો છે!’ જૂની ચીજોના શોખીન વિનાયકે જૂનામાં જૂના ઉપમાનનો આશ્રય લેતાં કહ્યું.
‘શા ઉપરથી?’ જટિએ તટસ્થતાથી પૂછ્યું.
‘ઉપરથી નહિ, પણ નીચેથી.’ વિનાયકે અકળાઈને કહ્યું. ‘અક્કલનાં સામાન્યમાં સામાન્ય ધોરણોની પણ નીચેથી.’
ધૂર્જટિ શાન્ત જ રહ્યો.
‘વિમળાબહેનનું નામ સાંભળ્યું છે?’ વિનાયકે પૂછ્યું.
‘ના.’
‘તો સાંભળ!’
‘સાંભળ્યું.’
‘તેમણે તારો પ્રશ્ન હાથમાં લીધો છે.’
‘કયો પ્રશ્ન?’
‘તારા લગ્નનો.’
‘પણ…’
‘પણ-બણ નહિ ચાલે. તું તેમને ઓળખતો નથી. એ એક ખતરનાક બાનુ છે. મહિલા સહાયક મંડળનાં માનાર્હ મંત્રી છે.’
‘પણ…’ ધૂર્જટિ ધ્રૂજી ઊઠ્યો. તેણે આ મંડળનું નામ સાંભળ્યું હતું. ‘પણ મારે તેમની સાથે ન પરણવું હોય તોપણ…’ તેણે દયામણે ચહેરે વિનાયકને પૂછ્યું.
‘તું છેક જ અજ્ઞાન, બાલિશ અને અણસમજુ છે.’ વિનાયક તાડૂકી ઊઠ્યો.
‘છેવટે મારે તેમને…’ ધૂર્જટિનો શ્વાસ રૂંધાતો હતો. ‘ઠીક ત્યારે, જો તેમણે ધાર્યું જ હશે તો… મારે હા પાડવી જ પડશે.’ એમ બોલતો બોલતો તે બારી પાસે જઈ ઊભો રહ્યો.
‘અરે જટિ!’ અને અહીં વિનાયક કોઈ તીવ્ર વિશેષણ શોધતો આમતેમ જોવા લાગ્યો, અને પછી બોલ્યો : ‘તું પણ… આ… આસોપાલવ જેટલો મૂર્ખ છે. તે પોતે તો, વિમળાબહેન તો, પરણેલાં છે!’
‘એમ?’ ધૂર્જટિના આનંદનો પાર ન રહ્યો.
‘ત્યારે?’ વિનાયકે કહ્યું.
‘ત્યારે?’ ધૂર્જટિએ સામે પૂછ્યું.
‘એ તો તારાં લગ્ન કરાવવાનાં છે.’ વિનાયકે ખબર આપ્યા.
‘કોઈ બીજા સાથે ને?’
‘હા!’
‘તો વાંધો નહિ, વિનાયક!’ ધૂર્જટિએ સ્વસ્થતાથી કહ્યું, અને ઉમેર્યું : ‘પણ વિનાયક!…’ તે કાંઈક કહેવા જતો હતો, પણ અત્યારે તો તેણે એટલું જ કહ્યું : ‘બેસ ને…’
વિનાયક પેલી બીજી નેતરની ખુરશીમાં બેઠો. બંને મૂંગા થઈ ગયા હતા. એકબીજા સામું જોતા હતા.
‘બિચારો મારો જટિ!… તેને વિમળાબહેન પરણાવી દેશે… એનું કશું જ નહિ ચાલે… પછી શી ખબર… જટિનું શું થશે!’ આમ વિચારતા વિનાયકની આંખમાં કરુણા તરી આવતી હતી. તે જોઈને ધૂર્જટિ પળભર પોતાની પરિસ્થિતિ છેક જ ભૂલી ગયો અને બોલી ઊઠ્યો : ‘બુદ્ધનાં ચક્ષુ.’
પણ ધૂર્જટિ જરા જુઠ્ઠો પડ્યો. પેલા બુક-કેસની બાજુમાં ગોઠવાયેલા બુદ્ધને પણ ધૂર્જટિના મામલામાં રસ તો જરૂર પડ્યો હતો. આ બુદ્ધના હાવભાવને ઝીણી નજરે જોનારે એ બાબત નોંધી જ હશે કે જ્યારે વિનાયકે ધૂર્જટિને પેલી ‘તેનાં, જટિનાં લગ્ન થઈ જશે’ તેવી ધમકી આપી ત્યારે બુદ્ધ પોતાના આસન પરથી નીચે ઊતરી આવી ધૂર્જટિનો હાથ ઝાલવાની અણી પર આવી ગયા હતા. પણ અત્યારે જ્યારે ધૂર્જટિ–વિનાયક એકબીજા સામે જોઈ રહ્યા હતા ત્યારે તો બુદ્ધ માત્ર તેમના મનથી મલકાઈ રહ્યા હતા…
તેનું કારણ કદાચ એ પણ હોય કે પેલા આદ્ય બુદ્ધની માફક આ ધૂર્જટિના દીવાનખાનાના બુદ્ધ પણ માટીના જ હતા, અને એટલે પોતે એક ફિરસ્તા છે તે વાત કોઈ કોઈ વાર તે ભૂલી જતા.
‘તેમને પોતાના યશોધરા સાથેનાં લગ્ન યાદ આવ્યાં હશે.’ ધૂર્જટિએ એમને મલકાતા જોઈ નક્કી કર્યું…
અને બીજી જ પળે બુદ્ધ પાછા સ્થિર, ગંભીર થઈ ગયા. આ પ્રોફેસર પોતાની સામે હસે છે તે તેમનાથી છાનું ન રહ્યું.
‘પણ, વિનાયક!…’ ધૂર્જટિએ વિનાયકને બરોબર બેઠેલો જોઈ ફરી પાછું કહ્યું. તે કાંઈક મહત્ત્વનું કહેવા માગતો હતો, પણ આજે પ્રસંગોએ કોઈ વિચિત્ર ગતિ પકડી હતી.
‘વિમળાબહેન જ આવતાં લાગે છે.’ વિનાયકે જાહેર કર્યું. તેની નજર બારણામાં જડાઈ ગઈ હતી. તેનો અણિયાળો ચહેરો પળેપળે સુકાતો ચાલ્યો હતો, અને પ્રોફેસર ધૂર્જટિ!
‘ઓ બા! ચંદ્રાબા!’ એણે તો પોતાનાં પચીસેય વર્ષ અને સર્વે ઉપાધિઓ બાજુ પર મૂકી દીધાં : ‘ઓ બા!!’
બીજું કોણ બચાવે?
અંદરના ખંડમાંથી ચંદ્રાબા પ્રવેશ્યાં, અને બારણામાંની વિમળાબહેન…
*
વિમળાબહેન વિરુદ્ધ ચંદ્રાબા, ધૂર્જટિ, વિનાયક…
છ આક્રમક આંખોની મીટ વિમળાબહેન પર મંડાઈ. વિમળાબહેન હસતે મોંએ આ આક્રમણને ઝીલી રહ્યાં.
‘આમ વિના આમંત્રણે આવી ચડવા બદલ માફ કરશો ને, બહેન?’ વિમળાબહેને ચંદ્રાબાને ઉદ્દેશ્યાં.
‘આ વિમળાબહેન છે!’ વિનાયકે વચમાં પડતું મૂક્યું. તેના અવાજમાં ઓળખ કરતાં ચેતવણીના સૂર વધુ ઊચા હતા. ચંદ્રાબાના ચહેરા પરની ગૂંચવણ તેનાથી સહન ન થઈ, અને ધૂર્જટિના ઘાટીલા, ગોળમટોળ ચહેરા પરની ગુલાબી સુરખી સુકાતી જોઈ તેણે માથું કોરાણે મૂક્યું.
‘હા… હું વિમળાબહેન છું!’ વિમળાબહેને પણ બીડું ઝડપ્યું.
‘બેસોને, બહેન! આનંદ થયો.’ ચંદ્રાબાના ઔપચારિક શબ્દો તો આ વિમળાબહેન અને વિનાયકની વચ્ચેની સાઠમારીમાં સમાઈ જ ગયા.
‘આપ જ પ્રોફેસર ધૂર્જટિ કે?’ વિમળાબહેને સોફા પર ઊતરતાં વિનાયકને ઉદ્દેશીને પૂછ્યું, જાણે કે પોતાની ધારણા ખરી પડ્યાનો સંતોષ સૂચવતાં હોય તેવા અવાજે.
આ દરમ્યાન ચંદ્રાબા પણ સોફા પર સમતુલા રાખવા બેસી ગયાં હતાં. બંને, વિમળાબહેન તથા ચંદ્રાબા બંને, જાજરમાન હતાં. છતાં બંનેને જોતાં જાણે એમ થતું કે હમણાં જ તેમનામાં છુપાઈ ગયેલી પેલી વીસ-પચીસ વર્ષ પહેલાંની છોકરીઓ છતી થઈ જશે…
અને કદાચ તેથી જ ધૂર્જટિ અને વિનાયક બંને છોકરડાઓમાં તેમને આમ બેઠેલાં જોઈ બાળકની નિ:સહાયતા અને તેની સાથે જ જુવાનીનાં ઝેર નીતરી રહ્યાં.
‘આ ધૂર્જટિ, હું તેનો મિત્ર વિનાયક.’ વિનાયકે વિમળાબહેનને જવાબ વાળ્યો.
વિમળાબહેને હવે ધૂર્જટિને જોઈ હાથ જોડ્યા. ધૂર્જટિએ પણ વળતા હાથ જોડ્યા. તે ઉપચાર-માત્રમાં ધૂર્જટિથી ઘણું બધું કહેવાઈ ગયું.
‘આ ધૂર્જટિનાં બા, ચંદ્રાબા…’ વિનાયકની ઓળખવિધિનો આમ સુખદ અંત આવ્યો અને ચંદ્રાબાને નિરાંત થઈ. બાકી કોઈ પણ નવી ઓળખાણ જેવા નાજુક પ્રસંગે વિનાયકની હાજરીને ચંદ્રાબા ‘સ્ફોટક’ તત્ત્વ તરીકે લેખતાં…
આજથી ચાર-પાંચ વર્ષ પર પોતાનાં અગ્રણી બહેનપણી પ્રસન્નબહેન સાથે વિનાયકનો ધૂર્જટિના અનન્ય મિત્ર તરીકે પરિચય કરાવવા પ્રયત્ન કરેલો ચંદ્રાબાએ, ત્યારે વિનાયકે પ્રસન્નબહેનને હસતાં હસતાં કહ્યું, ‘ઘણો આનંદ થયો આપને મળીને, પણ…’ અને ચંદ્રાબાનો જીવ તાળવે ટંગાયો… ‘પણ માફ કરજો, મારાં લગ્ન હમણાં જ થઈ ગયાં છે, છેવટનાં છે.’ પાછળથી ચંદ્રાબાએ વિનાયકને પૂછ્યું કે આ પહેલા જ પરિચયે પ્રસન્નબહેનને આમ કહેવું કેમ પડ્યું? તો વિનાયક કહે કે પ્રસન્નબહેનને જોડાં ગોઠવી કાઢવામાં મજા આવે છે એ વાત જગજાહેર છે, અને તેથીજ પ્રસન્નબહેન આ બાબતમાં ખોટી આશાઓ બાંધી, નાહક પાછળથી નિરાશ ન થાય એ હિસાબે એણે…
અત્યારે વિમળાબહેન વખતે પણ ચંદ્રાબાને એ પ્રસંગ જ યાદ આવી ગયો. પેલાં પ્રસન્ન હતાં, અને આ તો વળી વિમળાબહેન! શુંનું શું થાય!
વાતચીતમાં વૅક્યુમ આવી પડ્યું હતું. વિમળાબહેનની આવી સૌમ્ય રીતભાત જોતો હોવાથી વિનાયક તેમના તરફ જરા નરમ પડતો જતો હતો. જોકે સોફા પર સ્વસ્થતાથી છલકાઈ ગયેલાં આ વિમળાબહેનની એક સમયબોમ્બ તરીકેની છાપ તેની આંખમાંથી હજુ સાવ ગઈ નહોતી. ધૂર્જટિ આ બાજુ અંતરમાં બુદ્ધં શરણં ગચ્છામિ|નું રટણ કરતો હતો. વિમળાબહેન સામે એ જ છેલ્લું રક્ષણ હતું; બીજો રસ્તો ન હતો. ચંદ્રાબા અને વિમળાબહેન એકબીજાનું માપ કાઢતાં હતાં.
‘આપનો પરિચય પામવાની ખરેખર ખૂબ ઇચ્છા હતી.’ ચંદ્રાબાએ શરૂઆત કરી.
‘મનોમન સાક્ષી છે ને!’ જુઓ, આવી પહોંચી ને!’ વિમળાબહેને સામે ઉમળકાભેર આરંભ્યું.
‘મહિલા સહાયક મંડળ વિશે સહેજ જિજ્ઞાસા હતી. તેને વિષે રોજ સમાચાર વાંચું છું.’ ચંદ્રાબાએ વાત ચલાવી : ‘જોડવાની પણ ઇચ્છા થયેલી.’
‘ઘણી ખુશીની વાત! તમારા જેવાં સન્નારી માટે એ સારું જ કહેવાય પણ…’ અને અહીં એમણે ખૂબ અંગત આંખે ચંદ્રાબા સામે જોઈ ઉમેર્યું, ‘…અત્યારે તો હું બીજા જ કામે આવી છું હો, ચંદ્રાબહેન!’
‘જોજે હો, જટિ! જાળવજે!’ વિનાયકે ધૂર્જટિને આંખથી કહી દીધું. જ્યારે જ્યારે વિમળાબહેન મંડળના કામે કોઈને મળવા જતાં ત્યારે ત્યારે એમ જ કહેતાં કે, ‘હું તે કામે આવી જ નથી. અંગત કામે…’ વિનાયક જાણતો હતો.
‘આપના દીકરા…’ વિમળાબહેન મુદ્દા પર આવતાં જતાં હતાં, અને કદાચ એટલે જ…
‘ચંદ્રાબા!’ ધૂર્જટિએ એકાએક ચિત્કાર કર્યો. તેનાથી ન રહેવાયું.
વિનાયકના સંકેત પછી તેનું મન વંટોળે ચડ્યું હતું. વિમળાબહેનને વિખેરવાં શી રીતે? પોતે બહાર ચાલ્યા જવું? તો વિનાયક બજારમાં ઉપાડી જાય!… ત્યાં જ બેસી રહેવું? તો વિમળાબહેન વકરી જાય, વાત વણસી જાય!… અને પછી ધૂર્જટિને, પ્રો. ધૂર્જટિને અવનવા રસ્તા સૂઝવા મંડ્યા… ફટાકડા ફોડવા?… પોલીસ બોલાવવા?… કે પછી… લીમડાનો ધુમાડો કરવો…
એટલે જ ધૂર્જટિ અકળાઈ ગયો અને તેનાથી મોટેથી બોલી જવાયું : ‘ચંદ્રાબા!’
ચંદ્રાબા અને વિમળાબહેન તેની સામે હવે જોઈ રહ્યાં છે તે જાણી તે વધુ તંગ થયો.
‘ચા મુકાવું?’ ધૂર્જટિએ અંધારામાં માર્ગ કરતો હોય તે રીતે કહ્યું. ચંદ્રાબાને થયું કે ધૂર્જટિને આરામની જરૂર છે. એણે વાંચવાનું ઓછું કરી નાખવું જોઈએ. વિમળાબહેન વિવેક કરવા ના પાડવા જતાં હતાં, ત્યાં તો…
‘રામા…!’ ધૂર્જટિએ બૂમ મારી. બેઠેલા બાંધાનો, ગૌર વર્ણ, સુદૃઢ શરીર, ઊડતાં ઝુલ્ફાં — આવો આ રામો રજૂ થયો, અને…
ચંદ્રાબા ચેતે તે પહેલાં વિનાયક વળી બે પગલાં આગળ વધ્યો…
‘વિમળાબહેન, આ રામપ્રસાદ છે. રામપ્રસાદ, આ વિમળાબહેન.’ વિનાયકે મહેમાન-નોકરને અરસપરસ પરિચય આપ્યો.
બાકીનાને એમ કે આ કટોકટીનું તાકિર્ક પરિણામ તો એ જ આવે કે હવે વિમળાબહેન વિવેકમાં હાથ જોડશે, અને રામાને કાંઈ સૂઝ નહિ પડે તો મુક્કો ઉગામશે તો! ચંદ્રાબાને ફાળ પડી…
પણ બધાંને ઓળંગીને…
‘રામલા… તું?’ કહેતાં વિમળાબહેન સોફામાંથી ઊભાં થઈ ગયાં! વિમળાબહેનના વાળમાંથી વીજળી, આંખમાંથી અંગારા ઝરતાં હતાં…
ધૂર્જટિ અને વિનાયકે આંખો બંધ કરી દીધી. ઉઘાડી ત્યારે વિમળાબહેન નહોતાં…
અને રામો પણ નહોતો!
પાછળથી ચંદ્રાબા પાસેથી જાણવા મળ્યું કે રામાનો લગભગ કાન પકડીને બહાર લઈ જતાં જતાં વિમળાબહેન કહેતાં ગયાં હતાં કે, ‘આને તો હું ક્યારની શોધતી’તી! હવે હાથમાં આવ્યો…’
ધૂર્જટિ અને વિનાયક વિમાસણમાં પડી ગયા.
રામલાનું દામ્પત્યજીવન જોખમમાં હતું?
‘મારો રામો!’ ધૂર્જટિએ વિલાપ આરંભ્યો હોત, પણ વિનાયકે વાર્યો….*