આમંત્રિત/૩૪. સચિન

૩૪. સચિન

અંજલિની સાથે વાત કર્યા પછી સચિન ચિંતામાં પડી ગયો હતો. બે-ત્રણ મિનિટ સ્તબ્ધ બેસી રહ્યા પછી એ એના મૅનૅજરની ઑફીસમાં ગયો, અને ફૅમિલિ ઇમર્જન્સીને લીધે ઘેર જવાની રજા માગી. મૅનૅજરે તો એને તરત જ નીકળી જવા કહ્યું, અને કાંઈ પણ મદદની જરૂર હોય તો જણાવવા કહ્યું. સચિન એનો આભારવશ હતો. પોતે કેટલો નસીબદાર હતો કે એને આવા મૅનૅજર મળ્યા હતા. પણ એ પણ ખરું કે સચિનનું કામ જ એવું હતું કે એના પર બધા જ ઉપરી ખુશ હતા. બહાર નીકળતાં નીકળતાં એણે જૅકિને ફોન કરીને કહી દીધું કે એ ઘેર જતો હતો, અને અંજલિ મળવા આવવાની હતી. જૅકિએ હંમેશ મુજબ ફોનમાં પૂછપરછ કરી નહીં. એ જાણતી હતી કે સાંજે સચિન બધું કહેશે જ. સચિને ઘેર પહોંચીને ઑફીસનાં કપડાં બદલ્યાં, ને ત્યાં જ અંજલિનો બેલ વાગ્યો. અંદર આવતાંની સાથે અંજલિએ સચિનને એ પૅકૅટ બતાવ્યું. “તું આવ, ને બેસ તો ખરી, સિસ. ખોલીએ છીએ. આ કાંઈ બૉમ્બ નથી કે આટલી ગભરાય છે”, સચિન બોલ્યો. સોફા પર બંને બેઠાં પછી સચિને પૅકૅટ ખોલ્યું, તો સૌથી ઉપર એક કવર હતું. એના પર સચિન અને અંજલિનાં નામ લખેલાં હતાં. અને એમ પણ લખ્યું હતું કે અંદરનો કાગળ બંનેએ સાથે વાંચવો. કવરની અંદર કેતકીના હાથનો લખેલો એક કાગળ હતો. એણે લખ્યું હતું, “મારા વહાલા બાબા અને મારી વહાલી દીકરી, હા, તમને નથી ગમતું, પણ મારા મનમાં તો હું તમને બંનેને આ જ રીતે બોલાવું છું. આ પત્ર તમે વાંચતાં હશો ત્યારે હું પંચભૂતમાં ભળી ગઈ હોઈશ. અરે, ચોંકતાં નહીં, મારી માંદગી ઘણા વખતથી ચાલતી હતી, અને છેવટે અંત તો આ જ હોય છેને? મેં પહેલેથી નિર્ણય લઈ રાખેલો, કે મૃત્યુના સમાચાર કોઈને આપવાના નથી, અને ફ્યુનરલ હોમમાં કોઈને બોલાવવાનાં નથી. મારે બહુ સરસ રીતે, આનંદથી અને શાંતિથી વિદાય લેવી છે, તેમ મારી ઈચ્છા હતી. આનંદ તો બહુ જ હતો મારા મનમાં. તમે બંને મને મળવા આવ્યાં એ મનમાં પૂરતું લાગ્યું હતું. તમને બંનેને છેલ્લે જોયાં, કેવાં દેખાવડાં થયાં છો તમે બંને. મારા મનમાં ખૂબ વહાલ છે તમારે માટે. સાથેના બીજા કવરમાં બે ચેક છે. મારા તરફથી તમને બંનેને ભેટ છે. રોચેસ્ટરનું ઘર વેચવાથી મળેલા પૈસામાંથી અમુક તમને આપ્યા છે, અમુક દેવકીને આપ્યા છે - એણે મારું ઘણું કર્યું; અમુક મારી સારવારમાં વપરાયા, અને અગ્નિદાહ વગેરેને માટે પણ પૂરતા પૈસા રાખ્યા છે. હા, મારી રાખ પણ ત્યાં જ, સ્મશાનગૃહના જથ્થા ભેગી નાખી દેવાની છે. ક્યાંય - કોઈ પણ નદીમાં પધરાવવી નથી મારે. મારી પાસે ખાસ કશું ઘરેણું હતું નહીં. બે ચેન છે, એમાંની એક અંજલિને માટે, ને બીજી સચિનની (થનારી) મંગેતરને માટે. અંજલિના (થનારા) વરને માટે અને સચિનને માટે આ બે વીંટી છે. તે ના થાય તો બદલાવી લેજો. તમે બધાં ખૂબ પ્રેમ અને આનંદથી જીવન ગાળજો. આવજો. – મૉમ.” સચિન વિચારતો હતો કે પૅકૅટની અંદરથી ખરેખર આ બૉમ્બ જ નીકળ્યો. આવી કોઈ કલ્પના જ નહતી, કે મૉમ જવાની આટલી અણી પર હશે. તો એ કદાચ ફરી ગયો હોત મૉમને મળવા. કદાચ જૅકિને લઈને ગયો હોત. અંજલિ પણ ફરી મળવા ગઈ જ હોત. જોકે શું ફેર પડત એનાથી? મૉમ લખે છે એમ, એના જીવમાં શાંતિ જ હતી. કેવી ઊંડી પ્રાપ્તિ કહેવાય. આટલા વખતમાં મૉમ ધ્યાન-ચિંતન કરતી થઈ હશે, ને આવી સમજણ કેળવી હશે જીવન અને મરણની બાબતે? ક્યાંય સુધી સચિન અને અંજલિ ચૂપ રહ્યાં. એટલું અચાનક અને અણધાર્યું બની ગયું હતું, કે જાણે પીડાની સભાનતા પણ નહતી. મનમાં ને મનમાં બંનેના વિચાર ચાલતા રહ્યા. છેવટે સચિન કહેવા માંડ્યો, “આમ આપણને ચૅક આપતી ગઈ. હાથોહાથ આપ્યા હોત તો આપણે લીધા ના હોત. આપણે વર્ષોથી એની કોઈ પડી ના કરી, કોઈ કાળજી ના લીધી. આપણાંથી એ દુઃખ જ પામતી રહી હશે. એની પાસેથી કશું પણ લેવાનો, કે સ્વીકારવાનો આપણને હક્ક જ નથી. ખરું કે નહીં, સિસ?” અંજલિ જવાબ આપી ના શકી. ધ્રુસકાં લેવા માંડી, ને જોરથી માથું હલાવતાં હલાવતાં કહેવા માંડી, “ઓ મૉમ, ઓ મૉમ.” સચિને એને સાંત્વન આપવા બે હાથ એના ખભા પર વીંટાળ્યા, પણ એને જ ધ્રુસકાં આવવા લાગ્યાં. થોડી વારે એ ઊઠીને બે ગ્લાસ પાણી લઈ આવ્યો. “આમ જતી રહેશે એવું ધાર્યું પણ નહતું. એણે આવું કશું આપણને કહ્યું નહીં. આટલી માંદી છે એવી ખબર હોત તો આપણે —”, ફરી અંજલિનાં આંસુ વહી નીકળ્યાં. “દોલાએ કશું કહ્યું નહીં ક્યારેય. કે પછી એનાથી પણ મૉમ અને દેવકી માશીએ છુપાવ્યું હશે.” સચિને જરા અકળાઈને કહ્યું, “એમને લાગ્યું હશે, કે જીવતેજીવત કોઈએ સાથ આપ્યો નહીં, તો મરવાને વખતે, કે મર્યા પછી કોઈ આંસુ સારે, કે ફૂલ ચઢાવે, કે રાખ પધરાવે - એનાથી શું ફેર પડવાનો?” પછી એ ગુસ્સે પણ થયો. “જતાં જતાં પણ આપણને હેરાન કરતી ગઈ - આપણે વાંક કર્યો હોય તેવો ભાવ કરાવતી ગઈ. નથી રાખવા મારે એના પૈસા. ચૅક ફાડીને ફેંકી દેવાનો અર્થ નથી, પણ બધા પૈસા દાન ખાતે આપી દેવાય. હા, હું તો એમ જ કરીશ.” હવે અંજલિ એને સાંત્વન આપવાનો પ્રયત્ન કરવા લાગી. “એવું નથી, ભાઈ. આપણે જીવ બાળીએ કે પસ્તાવો કરીએ, એવું મૉમ ના જ ઈચ્છતી હોય. એ તો આપણને પૈસાની છૂટ રહે, એવી ભેટ આપતી ગઈ.” સચિન હજી પણ મનમાંથી કડવાશ કાઢી શકતો નહતો. “આપણી જિંદગી, જાણે દુનિયામાં બધાંથી, સાવ જુદી જ ગઈ. મા-બાપનાં ઠેકાણાં જ નહતાં જાણે.” પછી એકદમ કંઇક યાદ આવ્યું હોય તેમ એ ઉતાવળે બોલવા માંડ્યો, “સાંભળ, સિસ. આપણે માટે આ મોટો આઘાત છે, પણ આપણે આપણી મેળે સ્વસ્થ થઈ જવું જ પડશે. પાપા ઈન્ડિયાથી પાછા આવી જવામાં છે. સોમવારે જ આવી જવાના છેને? તું યાદ રાખજે, એમને આ વાત જણાવવાની જ નથી. મૉમના કાગળ વિષે, કે એ હવે નથી એ વિષે કોઈ વાત પાપાને કરવાની જ નથી. કદાચ છેને એમને એવો આઘાત લાગે, કે એમની તબિયત બગડી જાય તો. વચમાં જે બે-ત્રણ દિવસ છે એટલાંમાં આપણે કૈંક અંશે - ના, મોટે ભાગે - સ્વસ્થ અને સ્વાભાવિક થઈ જવું પડશે. એમની ટ્રીપ માટે આપણે ઘણો રસ બતાવવો પડશે, હોં. અરે, મારે અને જૅકિએ તો હજી એમને અમારાં લગ્નના નિર્ણય અને તારિખ વિષે પણ કહેવાનું છે. મને લાગે છે કે જાણે બધું સામટું આવી પડ્યું છે. મારે ને જૅકિ માટે જે બહુ આનંદનો સમય છે તે જાણે —-” સચિનનું વાક્ય અધૂરું હતું, ને જૅકિ આવી ગઈ. “આનંદના સમયમાં શું તકલીફ છે?”, એણે હસીને પૂછ્યું. પણ એટલાંમાં ભાઈ-બહેનનાં ઊતરી ગયેલાં મોઢાં અને આંસુના ડાઘાવાળા ગાલ જોઈને એ ચમકી ગઈ. સચિનની પાસે જઈને એનું મોઢું ઊંચું કરીને એની આંખોમાં જોઈ રહી. એમાં પ્રશ્ન કરતાં પ્રેમ વધારે હતો. સચિને એને નજીક બેસાડી, અને કેતકીનો લખેલો કાગળ વાંચી સંભળાવ્યો. જૅકિ પણ સાંભળીને સ્તંભિત થઈ ગઈ. બીજા કશા શબ્દો વગર એ આખી પરિસ્થિતિ સમજી ગઈ. સચિનનો હાથ પકડી રાખીને એ અંજલિની પાસે બેઠી, અને એના મોઢા પર, એના ખભા પર, એના વાળમાં હાથ ફેરવવા લાગી. ઘણો વખત આમ જ ગયો - નિઃશબ્દ સાંત્વનમાં. એ દરમ્યાન આંસુ વહ્યાં, લુછાયાં. જૅકિ એ બંનેને માટે આધારરૂપ થતી રહી. આખરે એણે વાસ્તવિક બનતાં કહ્યું, “અંજલિ, માર્શલને ફોન કરીને અહીં બોલાવી લે. આપણે સાથે જમીએ. અને તમે બે આજે રાતે અહીં જ રહી જજો.” સચિનને લાગ્યું, કે અત્યારે ઘેર બેસવા કરતાં બહાર જઈએ તો વધારે સારું, કારણકે બીજા વાતાવરણમાં મનનો ભાર કૈંક ઓછો થશે. એણે વિચાર્યું, કે માર્શલને ‘હુનાન બાલ્કનિ’ ચીની રૅસ્ટૉરાઁ પર જ બોલાવી લઈએ. ત્યાં જમવાનું એને પણ ગમશે. અંજલિને આવું કાંઈ કરવું નહતું. એ તો ત્યારે જ ઘેર જતી રહેવા માગતી હતી. પણ એણે એ પૅકૅટ સચિનની પાસે જ રહેવા દીધું. કદાચ છેને ત્યાં પાપાની નજરે ચઢી જાય. જૅકિને પહેલાં તો થયું કે સુજીતને કેતકીના મૃત્યુના ખબર જણાવવા જોઈએ. પણ સચિનની દલીલ હતી, કે વર્ષોથી એ બંનેમાં કોઈ સંપર્ક કે સંબંધ હતો નહીં, અને બંનેએ મન સાથે સમાધાન કરી લીધેલું, તો હવે આ ખબર જણાવીને પાપાને માનસિક ઊથલો શા માટે આપવો? આમેય મૉમ એમને માટે બિનહયાત જેવી જ હતીને. એ સમજૂતી સાંભળ્યા પછી એ સચિન સાથે સંમત થઈ. “હા, કદાચ આમાં જ ડહાપણ છે. પાપા ખૂબ ખુશ થઈને ઈન્ડિયાથી આવશે, તો શા માટે એમને કોઈ પણ કારણ આપવું દુઃખી થવાનું, કે આ સંજોગ માટે પોતાને જવાબદાર ગણવાનું?”, જૅકિએ કહ્યું. અંજલિ એકલી ઘેર જઈ શકે તેમ હતી, છતાં સચિન સાથે નીચે ગયો, એને ટૅક્સીમાં બેસાડી, ભાડાના પૈસા પણ ચૂકવી દીધા, અને ઘેર પહોંચીને તરત ફોન કરી દેવા કહ્યું. બેધ્યાનપણે ટેક્સીની પાછળ જોતો એ થોડી વાર ફૂટપાથ પર ઊભો રહી ગયો. જાણે એને ખબર નહતી પડતી કે શું થયું કહેવાય?, શું કરવું જોઈએ?, મનમાં કેવું લાગવું જોઈએ? મનમાં શું લાગતું હતું તે એને જાણે સમજાતું નહતું. પહેલી જ વાર કશું ખાલી જેવું લાગતું હતું? જાણે કશું છૂટું પડી ગયું હોય તેવું? સારું હતું કે અંજલિ અને પાપા એના જીવનમાં હતાં. અને જૅકિ? ઓ માય ગૉડ, જૅકિ ના મળી હોત તો એ કપાયેલા પતંગની જેમ, આમતેમ ફંગોળાતો રહ્યો હોત. બે ગ્લાસમાં થોડો થોડો વાઇન લઈને જૅકિ બાલ્કનિમાં આવી. એને એમ હતું કે સચિન હડસન નદીની સામે જોતો, કૈંક હળવો થતો બેઠો છે. પણ બંધ આંખે સચિન કશા ગાઢ વિચારમાં જાતને ભૂલી ગયેલો લાગતો હતો. જૅકિએ એને ખલેલ ના પાડી, પણ સચિને જ આંખો ખોલી. જૅકિને જોઈને એને ઊંડે સુધી હાશ થયું, ને ઊભા થઈને જૅકિને ક્યાંય સુધી એણે પકડી રાખી. સચિનને સમજાયું કે એણે મનને મજબૂત કરવાનું હતું, પોતાની સુખ અને શાંતિની જિંદગીને સાચવવાની હતી, અને જેમને જરૂર હોય તેમને હંમેશાં મદદ કરતાં રહેવાનું હતું. એમાંથી જ મળવાનો હતો સંતોષ છેવટે તો. જૅકિની સાથે આ બાબતે ચર્ચા થયા કરી. બંને સહમત જ હતાં જિંદગીનાં મૂલ્યો વિષે. એ જ સમજણપૂર્વક સચિને દેવકી આન્ટીને ફોન કર્યો. દેવકીએ કબૂલ્યું, કે કેતકીની ઈચ્છા નહતી તેથી સચિન અને અંજલિને કાંઈ જ કહ્યું નહતું. પણ છેલ્લાં વર્ષોથી કેતકી કૅન્સરનો ભોગ બનેલી હતી. બંને બ્રૅસ્ટ ઓપરેશનથી કાઢી નાખવામાં આવેલી. કિમો થૅરપીથી ફેર પડ્યો, પણ તે થોડો વખત. કૅન્સર ફેલાતું ગયેલું. “તમે બંને મળવા આવી ગયાં તેનાથી કેતકીને એવો સંતોષ થયેલો, કે શરીરની પીડા જાણે સહ્ય બનેલી. એ શાંત ચિત્તે જ ગઈ છે, અને તમને આશીર્વાદ આપતી ગઈ છે. તું ને અંજલિ સુખેથી જીવો, એવું જ એ ઈચ્છતી હતી.” ફરીથી સચિન સ્તબ્ધ બની ગયો. “મૉમને અમે સજા કરતાં ગયાં, અને એ ચૂપચાપ સજા સહેતી ગઈ, નહીં, જૅકિ? જો સાચી વાત અમને જણાવી હોત તો મેં અને અંજલિએ ચોક્કસ એને માફ કરી દીધી હોત, અને એની કાળજી લીધી હોત. હું તો માનું છું કે આ વાત જાણી હોત તો પાપા પણ એને મળવા તૈયાર થયા હોત.” પછીને દિવસે સચિને ફોન કરીને વામા આન્ટીને કેતકીના અવસાનના સમાચાર આપ્યા. એમને પણ આવો કોઈ જ ખ્યાલ નહતો. એમની ને મૉમની વચ્ચે સંપર્ક ઘટી પણ ગયેલો, પણ એ દુઃખી ઘણાં થયાં. સચિને એમને જણાવી દીધું, કે આ વાત પાપાથી છુપાવેલી રાખવાની છે, “તેથી વિનંતી કરું છું કે ક્યારેય મૉમના મૃત્યુની વાત પાપાની પાસે ના કરતાં. પ્લીઝ”, અને શનિવારે વામા આન્ટી અને રૉબર્ટ અંકલને મળવાની વાત હતી, તે પણ એણે માંડી વાળી. “ફરી કોઈ વાર પ્લાન કરીશું, આન્ટી. ચોક્કસ”, એણે કહી દીધેલું. “રવિવારે ક્લિફર્ડ સાથે ભેગાં થવાનું છે, એનું શું કરવું છે, જૅકિ?” “એની સાથે તો આપણે ‘બર્ડલૅન્ડ’માં જાઝ સાંભળવા જવાનાં છીએ, ખરું? તે જઈએ. એણે ટિકિટો લઈ લીધી હશે, અને સારું મ્યુઝીક તો થૅરપી જેવું જ હોય છેને. વળી, ક્લિફર્ડની અને લિરૉય અંકલની સાથે કુટુંબ વિષે ક્યાં કદિ વાત થાય છે? એટલે એ સાંજ તારે માટે મદદરૂપ બનશે, સચિન. આ રીતે જ તારું મન રુઝાશે. ને સોમવારે તો પાપા આવી જશે, એટલે તું સ્વસ્થ હોય તે જરૂરી છે. તું જાણે છે ને, કે તને સહેજ પણ અજંપો હશે તો એમને ખબર પડી જવાની?”