આમંત્રિત/૩૫. અંજલિ
૩૫. અંજલિ
ન્યૂયોર્ક શહેરમાં ઑક્ટોબર મહિનો તો બહુ સ્પેશિયલ બને. એક તો, ઑટમ્ન-પાનખર ઋતુના રંગરાગ હજી સાવ પૂરા ના થયા હોય, ને ઓછા થયા હોય તોયે મોજુદ તો હજીયે હોય. અને બીજું, દિવસો ફરીથી ઉષ્માસભર બનતા હોય. ઊતરી ચૂકેલો ઉનાળો જાણે ફરી એક વાર પાછો આવે. એને ‘ઇન્ડિયન સમર’ કહે છે. સચિને જૅકિને એક વાર સમજાવેલું, કે “આ કાંઈ ઈન્ડિયાનો ઉલ્લેખ નથી. આ શબ્દોનો સંદર્ભ અમેરિકાના તળ-ઇન્ડિયનની સાથે છે. અને ‘જે નથી તે’ - એવો કૈંક અર્થ થાય છે એ શબ્દોનો. એટલેકે આ કાંઈ સાચેસાચો સમર-ઉનાળો નથી, એટલેકે આ તો એક ‘છેતરામણી’ છે! ” “છેતરામણી તો છેતરામણી - પણ લાગે છે કેટલી સરસ. પીળાં પડી ગયેલાં પાંદડાંમાંથી સોનેરી-સોનેરી થઈને આવતું તેજ મને બહુ ગમે છે”, જૅકિએ કહ્યું હતું. “ઋતુ-ઋતુની બહુ સંુદરતા હોય છે આ શહેરની આસપાસ, ખરું કે નહીં?” શુક્રવારની સાંજે સચિને જૅકિ સાથે વિચારેલો પ્લાન બદલ્યો, ને એ અંજલિને મળવા ગયો. એ બરાબર છે, તે ખાતરી કરવી હતી, અને પાપા ના હોય ત્યારે બીજી વાત પણ કરવી હતી. બન્યું પણ એવું, કે જૅકિને ઑફીસમાં મોડું જ થવાનું હતું. બે દિવસમાં જ અંજલિ એને સુકાઈ ગયેલી લાગી. “સિસ, તું સંભાળ. પાપા તરત પૂછશે, કે શું થયું?” “શું કરું, ભાઈ? વારંવાર રડવું આવે છે, ને કશું ખવાતું નથી. આખો વખત એક જ વિચાર આવ્યા કરે છે, કે મેં મૉમને બહુ હેરાન કરી, સાવ અવિચારી અને ઉદ્ધત બની ગઈ હતી હું.” રડતાં રડતાં અંજલિ આગળ બોલી, “ભાઈ, મારાથી હેરાન થઈ થઈને તો એની માંદગી શરૂ નહીં થઈ હોય ને?” ઓહ, સચિનને ત્યારે જ ખ્યાલ આવ્યો, કે કદાચ અંજલિને મૉમના બ્રેસ્ટ-કૅન્સર વિષે જાણ જ નહીં હોય. એને શાંત પાડીને પછી સચિને દેવકી આન્ટી સાથેની વાતચીત વિષે કહ્યું. “જો સિસ, તારો કોઈ વાંક નહતો. આવો રોગ ક્યાંથી લાગુ પડે છે, તે કોણ જાણે છે?” ઊભો થઈને એ રસોડામાં ગયો, અને ડબ્બા ખોલવા માંડ્યો. “માલતીબહેને શું નાસ્તો બનાવ્યો છે?” “તું પણ, ભાઈ! અહીં આવે એટલે ભૂખ લાગી જ જાય, નહીં?”, અંજલિએ નાસ્તો કાઢતાં કહ્યું. “અને સોમવારે પાપાને ભાવે એવો નાસ્તો બનાવડાવી રાખજે, હોં.” બંને ટેબલ પર બેસીને ચ્હા-નાસ્તો કરતાં હતાં ત્યાં જ માર્શલ આવી ગયો. સારું થયું, સચિને વિચાર્યું, હવે બંનેને એક સાથે જ પૂછી શકાશે, કે એમનો શું પ્લાન છે, ને ક્યાંક બીજે નોકરી લઈને જવાનું વિચારતાં તો નથીને? સચિનનો પ્રશ્ન સાંભળીને માર્શલે તરત કહ્યું, “ના સચિન, એવો કોઈ જ પ્લાન નથી.” ને અંજલિ બોલી, “મારો કોર્સ પૂરો થવામાં છે. પછી ન્યૂયોર્કના આર્ટ-ફીલ્ડમાં મળે તેનાથી વધારે સારી નોકરી બીજે ક્યાં મળે? ને માર્શલ પણ એવા જૉબને માટે ટ્રાય કરે છે જેમાં ન્યૂયોર્કની બહાર ક્યાંય જવાનું ના હોય.” “સચિન, હું અને અંજલિ તો તારો આભાર માન્યા કરતાં હોઈએ છીએ, કે તેં અમને રહેવા માટે આવી સરસ જગ્યા આપી. અને હવે અમે તને ભાડું પણ આપવા માગીએ છીએ.” “બીલકુલ નહીં. તમે બંને તો મને મદદરૂપ થઈ રહ્યાં છો. તમારે લીધે પાપાની આવી સારી સંભાળ લેવાઈ રહી છે, ને મને જૅકિની સાથે સમય મળે છે. મેં તો તમને એટલે પૂછૃયું, કે જો તમે બીજે ક્યાંક જવા માગતાં હો તો હું ત્રણ બેડરૂમનો અપાર્ટમેન્ટ શોધી લઉં. જૅકિનું બિલ્ડીન્ગ અમને બહુ ગમે છે, એમાં મળી જાય તો સૌથી સારું. હું ટ્રાય કરી જ રહ્યો છું.” “ના, ભાઈ, મદદ તો તેં મને જ કરી છે. જે સમયે હું એકલી રહી શકું તેમ નહતી, ત્યારે તેં મને અહીં રહેવાની જગ્યા આપી, અને તે પણ પાપાની સાથે. અત્યાર સુધીની જિંદગીમાં મને જે નહતું મળ્યું તે બધું તારે લીધે મળ્યું. અને તારી નિઃસ્વાર્થ સહાયનું પરિણામ જો. જાણે એને લીધે જ ખેંચાઈને માર્શલ પણ મારી જિંદગીમાં પાછો આવ્યો.” સચિને અંજલિને પાસે લઈને એના વાળ ચુમ્યા. “આપણે એકબીજાંને કારણે જ આટલાં સુખી થયાં છીએ, સિસ. હવે ક્યારેય આપણે મનમાં કડવાશને આવવા જ નથી દેવાની. હવેથી હંમેશાં, આપણે માટે તેમજ બીજાં કોઈને પણ માટે, આપણે દિલથી ઉદાર થઈને રહેવાનું વચન જાતને આપવાનું છે. બરાબર છેને?” ખલિલ ફોન પર ફોન કર્યે જતો હતો - “ક્યારે મળે છે, દોસ્ત? ક્યારે મળવાનો?” એને કેતકીના અવસાનના સમાચાર પણ આપવાના બાકી હતા. સચિન અને જૅકિ શનિવારે એને ઘેર ગયાં. એણે કહેલું, “તમે પાંચેક વાગ્યે આવી જજો. રેહાના હોસ્પિટલથી છ સુધીમાં આવી જશે. આપણને આખી સાંજ સાથે મળશે.” પણ એમને પહોંચતાં જરા મોડું થયું, અને રેહાના જરા વહેલી આવી જઈ શકી હતી. આ પણ સારું જ થયું. હવે બે વાર આ વાત કરવી નહીં પડે, સચિને વિચાર્યું. ખલિલ અને રેહાનાનાં કુટુંબો સુજીત અને કેતકીને વર્ષોથી ઓળખતાં હતાં. ખલિલ અને સચિનની જેમ રેહાના અને અંજલિ પણ એકબીજાંને પહેલેથી જાણતાં હતાં. એ બધાં એક જ સ્કૂલમાં ભણ્યાં. આ કારણે આ ખબર ખલિલ અને રેહાના બંનેને આપવી તો પડે જ. ખલિલને ઘણો આઘાત લાગ્યો. એ સચિનનાં પાપા અને મૉમને વધારે જાણતો હતો. એ તો એને ત્યાં હજારો વાર ગયો હોય. આવી માંદગી થઈ હતી, ને આપણે કોઈએ જાણ્યું પણ નહીં? એને સચિનને માટે થઈને મનમાં વધારે દુઃખ થયું. એ સચિનને સાંત્વન આપતાં કહેવા લાગ્યો, “દોસ્ત, કૅન્સર તો ક્યારે પણ થઈ જતું હોય છે. એમાં કોઈ જવાબદાર હોતું નથી. તું તારો પોતાનો વાંક ના કાઢતો.” રેહાનાએ તબીબી દૃષ્ટિકોણથી પૂછ્યું, “સચિન, આન્ટીના કુટુંબમાં - એમનાં દાદીને, માને કે બહેનને - બ્રેસ્ટ-કૅન્સરની હિસ્ટરી છે ખરી? કૅન્સર ઘણી જાતનાં હોઈ શકે છે, પણ એક કારણ કુટુંબમાંથી પણ મળતું હોય છે.” એ સાથે જ એક અગત્યનો વિચાર આવ્યો હોય તેમ એણે ઉતાવળે કહ્યું, “સચિન, એ તો અંજલિનાં મૉમ અને દોલાનાં આન્ટી થયાં, એટલે અંજલિ અને દોલાએ જલદીથી પૂરો ચેક-અપ કરાવી લેવો જોઈએ. આ રોગ વારસામાં આવી શકે છે. હું એ બંનેને મારી હોસ્પિટલમાં જ લઈ જઈશ.” “પણ આ કૅન્સરમાંથી મૃત્યુ પણ થઈ જાય?”, જૅકિએ સવાલ કર્યો. “હંમેશાં ના પણ થાય, પણ બધા રિપોર્ટ અને એક્સરે જોયા વગર પૂરેપૂરું કારણ જાણવું શક્ય નથી. વિગતે અત્યારે જણાવવું અઘરું છે. ઉપર ઉપરથી કહી શકાય, કે જો કૅન્સર મેટાસ્ટાસિસમાં ફેરવાય, તો મરવાના ચાન્સ ઘણા વધારે થાય. ખેર —-” “સચિન, અંકલ ઈન્ડિયાથી આવી ગયા? એમને જણાવ્યું?”, ખલિલે, કદાચ વાત બદલવા, પૂછ્યું. “ના, દોસ્ત, અમે - મેં, અંજલિએ, અને જૅકિએ - વિચારીને એમ નક્કી કર્યું છે કે પાપાને મૉમના અવસાનના સમાચાર આપવા જ નહીં. એમણે તો મૉમની બાબતે બધા વિચાર ક્યારનાયે છોડી દીધા છે. હવે મૉમના આવા પીડાજનક અંત વિષે જણાવીને એમને પીડા શા માટે આપવી?”, સચિન બોલ્યો. “મારે ને અંજલિએ એકદમ સ્વસ્થ રીતે વર્તવું પડશે. એ પોતે કેટલા સતેજ છે, તું જાણે છેને? જોતાંની સાથે સમજી જઈ શકે, કે કશુંક બરાબર નથી.” “તું પણ એવો જ થયો છું, હોં, સચિન”, જૅકિએ ધીમેથી કહ્યું. “પાપા જેવો જ સતેજ, ને હોંશિયાર.” ટેવ પ્રમાણે ખલિલ કહે, “હું જાણું છું તેં શું કહ્યું તે. બહુ મસકા મારે છે સચિનને.” પછી કહે, “સચિન, આણે તને બીલકુલ મુઠીમાં લઈ લીધો છે. સાચવ, નહીં તો સજ્જડ બાંધી દેશે.” “શું કહું, દોસ્ત, આપણા બંનેની હાલત સરખી જ છે!” ધીરે ધીરે બધાંનો મૂડ હળવો થતો ગયેલો. સોમવારે મોડી સવારે ફ્લાઈટ આવવાની હતી, ને લોકેશની ગાડીમાં જ પાપા ઘેર આવવાના હતા, તે સચિન જાણતો હતો. સાંજ પડ્યે, ઑફીસમાંથી નીકળીને, એ ને જૅકિ એમને મળવા ગયાં. બંને સાથે જઈને એમને પ્રણામ કરીને લગ્નનું નક્કી કર્યાની વાત જણાવવા માગતાં હતાં. સુજીતે થોડો આરામ કરી લીધો લાગતો હતો. સચિનને જોતાં જ એમણે પૂછ્યું, “કેમ છે, બાબા? કેમ તું ને અંજલિ જરા થાકેલાં લાગો છો? કે પછી ઉજાગરા છે?” અંજલિ જોરથી હસી, “પાપા, તમે તો આવતાંની સાથે અમારી જાંચતપાસ કરવા માડી, હોં.” સચિને પણ પાપાનો પ્રશ્ન ભુલાઈ જાય તેવી યુક્તિ કરી. એણે જૅકિની સામે જોયું, અને “પાપા, તમને એક ખબર આપવાના છે. મેં અને જૅકિએ લગ્નની તારિખ નક્કી કરી છે,” કહીને એ અને જૅકિ સુજીતને પગે લાગ્યાં. “અરે, આ તો બહુ ખુશીના ખબર છે. અભિનંદન, અને તમને બંનેને ઘણા આશીર્વાદ છે.” “પાપા, ડિસેમ્બરની સાતમીએ અમે સિટી હૉલમાં રજિસ્ટર કરાવી આવીશું. પછી અઠવાડિયામાં હું જૅકિને લઈને પોન્ડિચેરી જવાનું વિચારું છું. મેં ધાર્યું હતું કે તમને સાથે લઈ જઈશું, અને ચેન્નાઈ પણ જઈ આવીશું. તમે તો આજે જ આવ્યા છો, એટલે તરત વિચારી પણ નહીં શકો - ફરી ઈન્ડિયા જવાનું. પણ હજી વચમાં ટાઇમ છે. તમારી ટિકિટ આપણે પછીથી પણ લઈ શકીશું. એટલે તમે આ ધ્યાનમાં રાખજો.” અંજલિને ઉદ્દેશીને એણે કહ્યું, “તું ને માર્શલ પણ જોડાવાનું વિચારી શકો. પછી આપણે ઉદેપુર અને આગ્રા પણ જઈ શકીએ. કેમ લાગે છે આઈડિયા?” “અમે વિચારી જોઈશું, ભાઈ, પણ બહુ શક્યતા લાગતી નથી. અમે બંને નવી નોકરીઓ શોધવામાં હોઈશું.” “તો પાપા, તમારી ટ્રીપ વિષે કહો. કેવું રહ્યું બધે? આટલાં વર્ષે ઈન્ડિયા સાવ જુદું જ લાગ્યું હશે, નહીં?”, જૅકિએ કહ્યું. “બહુ જુદું તો લાગ્યું જ, પણ મને લગભગ કશું જ યાદ નહતું, એમ કહું તોયે ચાલે. એ બધાં સાથે બહુ સારું રહ્યું, હોં. લોકેશ બહુ ધ્યાન રાખતો હતો - જેવું શર્માજીનું તેવું જ મારું. મને પાપા, પાપા કહેવા માંડ્યો છે એ.” સચિનને પોતાનો ભય સાચો પડતો લાગ્યો. ‘મને ભૂલી જ ગયા હતા પાપા. હવે લોકેશ જ એમને — ‘. એ જાણે જરા ભોંઠો પડી ગયો. જૅકિને તો સચિનના આ ડરની જાણ હતી જ, પણ જાણે સુજીત પણ એ સમજી ગયા ના હોય, એમ એમણે કહ્યું, “બધું બરાબર હતું, લોકેશ ધ્યાન રાખતો હતો, શર્માજીની કંપની હતી, પણ હું તને ને અંજલિને બહુ મિસ કરતો હતો. રોજ મનમાં થાય, કે તમે બધાં અહીં હોત તો કેટલું ગમત.” સચિનના ચહેરા પર પહોળું સ્મિત પ્રસરી ગયું. એ ઉત્સાહથી બોલ્યો, “બસ, તો પાપા, હવે તમે અમારી સાથે ઈન્ડિયા આવજો.” સુજીતે હસીને માથું હલાવ્યું, જવાબ ટાળ્યો, ને આગળ વાત કરવા લાગ્યા. “હરદ્વાર પહોંચ્યાં તો ખૂબ વરસાદ. બધું એવું કાદવિયું થઈ ગયેલું કે અમે ઘાટ પર ગયાં જ નહીં. બીજે દિવસે ગયાં, ત્યારે ગંગાને જોઈને અમને બધાંને હડસન નદી યાદ આવી ગઈ. અજાણતાં જ, ને બધાંને એક સાથે જ જાણે. પછી તો ન્યૂયોર્ક ને ત્યાંનું ઘર યાદ આવી ગયાં, અને શીલા તો માનિનીને યાદ કરીને ખૂબ વિવશ થઈ ગઈ. એની અને લોકેશની આંખોમાંથી આંસુ સરવા લાગ્યાં. શર્માજી પણ લાગણીવશ થઈ ગયા, ને હું પણ જાણે કૈંક અવાચક જેવો થઈ ગયો. “તે જ વખતે અચાનક શીલાએ મન બદલી નાખ્યું. એને અહીં માનિનીનાં અસ્થિ પધરાવવાની ઈચ્છા ના રહી. લોકેશને પણ એમ જ થયું. એક તો ગંગાનું પાણી હતું જ અસ્વચ્છ. એમાં કશું વધારે એમને નાખવું નહતું. અસ્થિનું શું કરીશું, એ ખ્યાલ નહતો, પણ કંઇક વિચારીશું, કંઇક કરીશું, નહીં તો પાછાં લઈ જઈશું. “મને લાગ્યું કે કદાચ એ બંને જણ એકની એક દીકરી માનિનીને હજી થોડો વધારે વખત પોતાની પાસે રાખવા ઈચ્છતાં હતાં. આ જ બરાબર હતું. મને ગંગામાં અસ્થિ નાખવાનો આઇડિયા ગમ્યો જ નહતો.” સચિન અને અંજલિની આંખો મળી. બંનેને કેતકીના કાગળમાંના શબ્દો યાદ આવી ગયા, કે ‘મારે રાખને કોઈ નદીમાં પધરાવવી નથી.’ પાપા અને મૉમને ક્યારેય ખબર નહીં પડી હોય, કે પોતાના વિચારો કેટલા સરખા હતા. સચિન અને અંજલિથી છાના નિઃશ્વાસ નીકળી ગયા. કોઈ રીતે પાપા અને મૉમ મળ્યાં હોત તો, ભેગાં થઈ શક્યાં હોત તો. સુજીત આગળ વાત કરતા હતા. “બોધગયામાં અમને ચારેને મનની અંદર બહુ શાંતિ લાગી. અમે બે દિવસ ગયા શહેરમાં રહ્યાં, આસપાસનું બધું જોયું - મગધ યુનિવર્સિટી, પ્રાચીન નાલંદાનાં અવશેષ, ચોપન મિટર ઊંચા શિખરથી યુક્ત મહાબોધી મંદિર, અને વિશાળ બોધી વૃક્ષ. આટલાંથી જ ખૂબ સંતોષ થયો હતો. પછી લોકેશે એક બૌદ્ધ મઠમાં રહેવાનું ગોઠવ્યું. ત્યાં અમે થોડું ધ્યાન અને મનન કરતાં હતાં. રહેવાનું, ખાવાનું બધું જ સાવ સાદું, પણ જીવની અંદર શું પરમ શાંતિનો અનુભવ થયો છે ત્યાં. મને તો થાય છે કે હવે ગમે તે ઘડીએ અંત આવે, હું એને આનંદથી આવકારવા તૈયાર છું.” આ છેલ્લું વાક્ય સાંભળીને બધાં એકદમ ઝંખવાઈ ગયાં. આની સામે શું કહેવાનું? ત્યાં જ પાપાના ફોનમાં રિન્ગ વાગી. દિવાન અંકલે જાણે સમય સાચવી લીધો. સચિન પાપાની સાથે વાતમાં હતો ત્યારે તક જોઈને જૅકિએ અંજલિને કહ્યું, “સિસ, આજકાલમાં રેહાના સાથે જરા વાત કરી લેજે.” અંજલિએ પહોળી આંખે, બહુ ખુશ થઈને કહ્યું, “ઓહ, મને સિસ કહીને બોલાવી તેં? તો હું હવે તને ભાભી કહી શકું ને?”