ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો/કરદેજ

કરદેજ

કોલેજની પરીક્ષાઓ પૂરી કરી હું મોસાળ ઊપડ્યો. નાનો હતો ત્યારે તો કરદેજ ચારછ મહિને જતો-આવતો રહેતો, પણ મૅટ્રિકની પરીક્ષા પસાર કરી આગળ અભ્યાસ કરવા મુંબઈ ગયો, ત્યારેથી હું મામીની મીઠી મહેમાનગીરી ચાખવા જઈ શકેલો નહીં. આજે લગભગ ચાર વર્ષે ત્યાં જતો હતો. કાંઈક મામાને મળવાના ઉછંગે અને મુખ્યત્વે, શહેરના કૃત્રિમ, શુષ્ક અને યંત્રમય જીવનથી કંટાળી આ વખતે તો ઘરે ન જતાં, સીધું મામાને ત્યાં જવાનું નક્કી કર્યું હતું. ગામડાના શાંત, પ્રેમાળ અને કુદરતી જીવનની ભૂખ જાગેલી એમ પણ ખરુંં. કરદેજ સ્ટેશન નહોતું. સ્ટેશનથી લગભગ ત્રણ સાડાત્રણ માઈલને અંતરે મામાનું આ ‘મધઝરતું’ ગામ વસેલું હતું. ધીરેધીરે સ્ટેશન આગળ પણ નાનકડું ગામડું વસી ગયું હતું. તેનું કોઈ ખાસ નામ નહોતું : લોકો એને ‘સ્ટેશન’ કહેતા. ‘સ્ટેશન’ અને કરદેજ વચ્ચે ઘોડાગાડીઓ દોડતી. ગાડી આવવાને સમયે દશ-પંદર ઘોડાગાડીઓ ‘સ્ટેશન’ની પીપરો નીચે આવીને ઊભી રહેતી. ગાડી ઊપડે એટલે તેઓ પણ બેસાડુઓને લઈને કરદેજ ભણી ઊપડતી : આસપાસ બન્ને બાજુએ હિલોળા લેતાં હરિયાળાં ખેતરો વચ્ચેથી પોણાબે કલાકમાં બેસાડુઓને કરદેજ પહોંચાડી દેતી. ‘સ્ટેશન’ જેમજેમ નજીક આવતું ગયું, તેમતેમ સ્મૃતિપટ ઉપરથી આપોઆપ પડદાઓ ઊપડવા લાગ્યા. ધીમે-ધીમે કરદેજનું આખું જીવન માનસચક્ષુ સામે તરવરવા લાગ્યું. નાનો હતો ને બાની સાથે કરદેજ ચારછ મહિને જતો. મામા દર વખતે દાઉદ ધોબીની ગાડી લઈને સામા આવતા. પંદરેય ગાડીઓમાંથી દાઉદની ગાડી મામાની માનીતી. પછી સવારના મંદમંદ પવનમાં ઘડીક આમ ઢળતાં, ઘડીક તેમ ઢળતાં, ઘડીમાં સાગરની વીચિમાળા રચતાં ઘઉંનાં ખેતરો વીંધીને દાઉદની ઘૂઘરિયાળી ઘોડી ધીમેધીમે દોડતી. ડહેલીએ પહોંચીએ ત્યાં તો મામી આવીને ઓવારણાં લેતી. સૂરજ નમતાં બા બહેનપણીઓને મળવા જતી અને અમે સૌ — ભાંડરડાં, મામાનાં છોકરાં અને દાઉદ ધોબીનો દીકરો ઉસ્માન — નદીએ ઊપડતાં. નદીના પહોળા પટમાં શંખલાં, બઘોલાં અને છીપલીઓ વીણતાં અને રમતાં. અમે વાળુ સુધી ફર્યા કરતાં. બહેનો પોતાની ઓઢણીનો છેડો ભરતી; અને અમે અમારા ખમીસનો ઝોળો. પછી શહેર જતાં ત્યારે કોથળીઓ ભરી સાથે લઈ જતાં. સાંજે નદીની રેતમાં ગામના લોકો ફરવા નીકળતા. જ્યાં જુઓ ત્યાં મંડળી બેઠી જ હોય. રબારી દુહા લલકારતા હોય અને ક્યાંક ભજન ચાલતાં હોય. વાળુ કર્યા પછી અમે છોકરાં પાછાં નીકળતાં. એક શેરીમાં એક ઊંચા ઓટલા અને નીચા છાપરાવાળા મકાનમાં છોકરાંઓએ રામજીનું મંદિર બનાવ્યું હતું. દરરોજ રાત્રે ત્યાં ઘીનો દીવો થતો અને પ્રસાદ વહેંચાતો. છોકરા દીઠ એના વારા કાઢ્યા હતા. જે દિવસે જે છોકરો દીવા માટે ઘી અને પ્રસાદ માટે કોપરું અને સાકર લાવે, તે દિવસે તે છોકરાનો નગારું વગાડવાનો અધિકાર : અમે મહેમાન અને ભાણિયા ગણાઈએ, એટલે અમને તો રોજરોજ વગાડવાનું મળતું. સવારમાં અમે કોસે નાહવા જતાં. નદીને સામે કાંઠે ધોળનાથ મહાદેવનું મંદિર હતું, ત્યાં એકસાથે સાત કોસ ચાલતા. જૂના વખતના વીર કાઠીઓના થોડા પાળિયા પણ હતા. આસપાસ અનેક મોરલા ઢેલરાણીઓની સાથે ફર્યા કરતા. અમે નહાઈને ત્યાં પીછાં વીણતાં, પછી મહાદેવનું ચડાવેલું ચંદન ઉપાડી કપાળે ચોપડતા અને ઘરે જતા. અમે કાંઈ એકલા મામાના જ ભાણેજ ન હતા; આખા કરદેજ ગામના ભાણિયાઓ ગણાતા. મામા તો ગામના શેઠ; એટલે ખેડૂતો ભાણિયાભાઈ આવ્યા છે એમ જાણીને સકરટેટી મોકલતા, શિયાળામાં ઘઉં-બાજરીના પોંક આવતા, શે2ડી ટાણે ભારાના ભારા ઓસરીમાં આવી પડતા. એથી ધરવ ન થતો તે મામા મારફત ખેડૂતની વેલડી મંગાવી વાઢે જતાં; ત્યાં ધરાઈધરાઈને શેરડીનો રસ પીતાં અને સાથે લઈ ગયેલા દાળિયા, મમરા અને શીંગોના લાડવા બનાવડાવતાં. અમારી બહેનો ખેડૂતોની છોકરીઓ સાથે સહિયરપણાં કરી લેતી. પાછાં ફરતાં ત્યારે અમને તેઓ ખેતર-બેખેતરવા વળાવા આવતી; અને પોતાના સાબૂત અવાજથી વગડો ગજવી મૂકતી. અમારી બહેનો એ ગીતો પકડી લેતી અને શહેરમાં આવી સહિયરોને સંભળાવતી અને ફુલાતી. મામાની વખારેથી અમે થોડો કપાસ ઉપાડી મીઠાઈવાળી ડોસીની દુકાને જતાં. કપાસના બદલામાં જલેબી લઈ નદીની રેતમાં જઈ ઉજાણી કરતાં. ક્યારેકક્યારેક ઉસ્માન સાથે દાઉદને ઘરે જતાં એના નાના તથા સુઘડ ઘરમાં અમને રમવાનું ખૂબ ગમતું. ઘરની સામે ઢાળિયામાં એની ઘૂઘરિયાળી ઘોડી બંધાતી. ખડ ખાતાંખાતાં તે ડોક હલાવતી અને ઘૂઘરીઓ ગાજી ઊઠતી. પડખે જ એની રંગેલી ગાડી પડી રહેતી. પછી બાપાનો કાગળ આવતો અને અમે શહેર જવાની તૈયારી કરતાં. આગલી રાતે બા બહેનપણીઓ સાથે મોડે સુધી બેસી રહેતી. અમે તેના ખોળામાં જ સૂઈ જતાં. ગાલ ઉપર કંઈક ઊનુંઊનું પડતાં અમે જાગી જતાં અને જોતાં તો બાને અને તેની સખીઓને રોતી નિહાળતાં. જવાને દિવસે સવારના પહોરમાં દાઉદનો ઉસ્માન ત્રણ વાગ્યામાં અમને ઉઠાડી જતો. ચાર વાગતાં અમે તૈયાર થયા હોઈએ કે દૂરથી દાઉદની ઘોડીની ઘૂઘરીઓ રણકી ઊઠતી. ડેલીએ ગાડી અટકે, કે દાદા મેડીએથી ઊતરી દીકરીને છાતીએ ચાંપી, અમને એકએક બચ્ચી લઈ વિદાય કરતા. મામા ‘સ્ટેશન’ સુધી વળાવવા આવતા. મામી ‘પાછા વહેલાં-વહેલાં આવજો,’ અને, ‘સાચવીને રે’જો,’ એમ કહેતી પાદર સુધી સાથે આવતી. પછી તો ધીમેધીને અમારી ગાડી મળસકાના ભૂખરા અંધારામાં એકલી પડી જતી. ઘૂઘરિયાળીની ઘંટડી વાતાવરણમાં ગાજી ઊઠતી. નદી પાર કરી સામે કાંઠે ગાડી પહોંચે ત્યારે અમે ગામ ભણી પાછું વાળી જોતાં, મામાની મેડીએ દીવો બળતો દેખી કલ્પના કરતાં, કે દાદા બારીએ ઊભાઊભા અમારી તરફ જોઈ રહ્યા હશે! પછી તો બહેનો ગાવા લાગતી અને હું બહાર કૂદીને દાઉદની પડખે બેસી જતો. દાઉદનો હાથ પકડી લઈ ગાતો : ‘કોઈ ધીરે ગાડી હાંકો રે, કોઈ મધુરી ગાડી હાંકો રે, દાઉદભાઈ! ગાડીવાળા!’ પો ફાટતાં તો અમે ‘સ્ટેશને’ પહોંચી જતાં. ગાડી પીપરો નીચે છૂટતી. અમે બધાં દાદર ચડીને સ્ટેશનમાં જતાં. ગાડી આવતી. અમે અંદર બેસતાં : મામાની આંખમાં ઝળઝળિયાં આવતાં : સીટી વાગતી. અને........ સીટી વાગી અને હું તંદ્રામાંથી જાગ્યો. ગાડીમાંથી ઊતરી દાદર ચડવા લાગ્યો. તરંગ ઊઠ્યો : ‘નીચે ઊતરીશ કે દાઉદ આવશે! મામાએ એને કહી રાખ્યું હશે!’ ‘ભાણિયાભાઈ, ભલે આવ્યા’ કહેતીકને મારો બિસ્તરો ઉપાડી લેશે ત્યાં તો મોટરનું ભૂંગળું વાગ્યું. હું ભડક્યો. પીપર નીચે જોયું તો એકેય ગાડી ન મળે. ત્યાં બેત્રણ મોટર-ખટારાઓ ઊભેલાં. દાઉદની ખૂબ રાહ જોઈ પણ તે ન આવ્યો. અંતે ડ્રાઇવરે પૂછ્યું, ‘આવવું છે? પછી રહી જશો?’ હું મોટર ઉપર ચડી બેઠો અને પાએક કલાકમાં તો મામાની ડેલીએ ઊતરી પડ્યો. બીજે દિવસે સવારના ધોળનાથ મહાદેવ નાહવા ગયો. કોસના કિચૂડકિચૂડ અવાજને બદલે ત્યાં મેં એન્જિનના ધડાકા સાંભળ્યા. હવે ત્યાં એકે મોર ન ફરતો. જેમતેમ નાહી પાછો આવ્યો. જમીને જૂનાં સ્મરણો તાજાં કરવા બજારમાં ફરવા નીકળ્યો. મીઠાઈવાળી ડોસી જ્યાં બેસતી ત્યાં એક હોટેલ શરૂ થઈ હતી. પડખે પાનવાળાઓની દુકાને ઊભાઊભા થોડાક જુવાનિયા કોઈ સ્ત્રીની મશ્કરી કરતા હતા. આગળ વધ્યો તો એક બરફની દુકાન પણ શરૂ થઈ હતી. સાંજે નદીએ ફરવા ગયો, તો ત્યાં પહેલાંની જેમ ભજનો કે દુહા નહોતા ચાલતા. થોડાએક જુવાનિયાઓ પાન ચાવતાચાવતા ધર્મશાળામાં તાજી જ આવેલી નાટક કંપનીની વાતો કરતા હતા. કોઈક ગાયનો પણ લલકારતા હતા. હું અને મામા વાળુ કરવા બેઠા, ત્યારે મામાએ મારું મ્લાન વદન જોઈ પૂછ્યું : ‘કેમ, બા યાદ આવે છે? નથી ગમતું?’ મેં કહ્યું ‘ના ના, એવું કશું નથી.’ વાળુ કરીને પાછો ફરવા નીકળ્યો. રામજી મંદિરની ગલી આવતાં સહેજે ત્યાં ડોકિયું કરી આવવાનું મન થયું. ઓરડામાં બધે અંધારું હતું. ઘીની દીવીમાં ધૂળ જામી ગઈ હતી અને રામજીની મૂર્તિ ઉપર બાવાં બાઝી ગયાં હતાં. નગારાનું ચામડું ફાટી ગયું હતું અને જાણે તે અંધારા સામે મોઢું ફાડીને તાકી રહ્યું હતું. નીચે ઊતરીને દુકાનદાર ઈસાજીને પૂછ્યું, તો ખબર મળી, કે કેટલાક છોકરાઓ તો શહેરમાં ભણવા ઊપડી ગયા છે, બાકી રહ્યા છે તેઓને હવે રામજીની આરતી કરતાં ધર્મશાળામાં આવેલી નાટક મંડળીમાં વધારે રસ પડે છે. ડેલીએ જતાં પહેલાં દાઉદને ત્યાં થઈ આવવાનું મન થયું. એના ફળિયામાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાં પહેલાંના આનંદને બદલે ઉદાસીનતાનું સામ્રાજ્ય જોયું. ઘોડી બાંધવાની ગમાણ ખાલી પડી હતી અને પડખે જ તૂટેલી ગાડી પડી હતી. દાઉદ રહેતો એ મકાનમાં, એક ઓરડામાં કોડિયું ઝાંખું બળતું હતું. આછા પ્રકાશમાં એક તૂટેલા ખાટલામાં દાઉદ પડ્યો હતો. એની સ્ત્રી ઓશીકે બેસીને માથું ચાંપી રહી હતી. મને જોતાં જ દાઉદ બેઠો થઈ ગયો અને બોલી ઊઠ્યો : ‘ભાણિયાભાઈ, ભલે આવ્યા. કંઈ જાજે દિવસે?’ મેં તેને આગ્રહ કરી પાછો સુવાડી દીધો. હું તેની નાડી જોતો પડખે જ બેસી ગયો. થોડી વાર અમે બન્ને મૂંગા રહ્યા. અંતે મેં શરૂ કર્યું, ‘દાઉદ, તારી આ દશા? ઘૂઘરિયાળી ક્યાં ગઈ? ઉસ્માન કેમ દેખાતો નથી?’ ખૂણામાંથી દાઉદની સ્ત્રીનું ડૂસકું સંભળાયું. દાઉદની આંખમાંથી ધાર ચાલી. મહામહેનતે ગળાનો ડૂમો દૂર કરી તે બોલ્યો : ‘મોટરો શરૂ થઈ ત્યારથી મારી અવદશા બેઠી છે. ધીરેધીરે ઘરાકી ઘટતી ગઈ અને હું પાયમાલ થઈ ગયો. અધૂરામાં પૂરું ઉસ્માન માંદો પડ્યો. એરે રે! હું એની પૂરી દવા પણ ન કરી શક્યો. બધા કહેતા, કે શહેરમાં લઈ જઈ ઓપરેશન કરાવશો તો જીવશે. મેં ઘૂઘરિયાળી વેચી તોય હું ન પહોંચી શક્યો.’ હવે તો મારાથી પણ ન સહાયું. મેં આંસુઓ લૂછ્યાં. બે કલાક ત્યાં બેસી રહ્યો. ઊઠતાં પૂછ્યું : ‘દાઉદ, કંઈ જોઈએ?’ ‘ના ભાણિયાભાઈ, તમારુંં દીધેલું પણ ક્યાં સુધી ટકશે? એ તો ઈશ્વરે જેમ ધાર્યું હશે તેમ થશે.’ મામાની ડેલી આવતાં આંખ લૂછી હું અંદર પેઠો. મામા અને હું જ્યારે પથારીમાં પડ્યા, ત્યારે હું બોલ્યો : ‘મામા, તમારું કરદેજ હવે ગામડું મટીને શહેર થઈ ગયું.’ ‘કેમ નહિ?’ મામાએ સહેજ ગૌરવ સાથે જવાબ આપ્યો. થોડી વાર હું આળોટતો પડ્યો રહ્યો. ફરી બોલ્યો, ‘મામા, હું કાલે જ સવારે જઈશ. મારે કેટલીક તૈયારી કરવાની છે. અને હું પુસ્તકો અહીં લાવ્યો નથી.’ મામાએ અને મામીએ લાંબી રકઝકને અંતે એ કબૂલ્યું અને હું નિદ્રાવશ થયો. ‘ત્રણના ટકોરા થયા; ઉસ્માન આવીને ઉઠાડી ગયો. દાદા મેડીએથી ઊતર્યા; દાઉદ ગાડી લઈ આવી ગયો; મામી પાદર લગી વળાવવા આવી. મળસકાના ભૂખરા પ્રકાશમાં ઘૂઘરિયાળીની ઘંટડી રણકી રહી.....’ ત્યાં તો મારી આંખ ઊઘડી ગઈ. ચોકમાં ઉતારુઓને સાવધાન કરવા મોટરનું કર્ણકટુ ભૂંગળું ગાજી રહ્યું હતું. ઘૂઘરિયાળીની ઘંટડી મનમાં જ રહી..

[‘બે ઘડી મોજ’ : નવેમ્બર 8, 1931]