ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો/ગડદિયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગડદિયો

ધનતેરસનાં ઝોકાર અજવાળાં એક નિર્ધન કુટુંબ પર પડતાં હતાં. આખી શેરી દીવાદીવા થઈ ગઈ હતી. ધનવાન કુટુંબોએ પોતાનાં ઘરો ઉપર પ્યાલાઓની હારની હાર ખડી કરી દીધી હતી. ટોડલે ને ગોખલે કોડિયાં મૂકી દીધાં હતાં. આખી શેરીમાં જાણે ધનદેવી રમાના ઝાંઝરનો ઝંકાર વ્યાપી ગયો હતો. બાર ઓટલાઓ ઉપર નાનાંનાનાં છોકરાંઓ ફટાકડા ફોડવામાં મશગૂલ થઈ ગયાં હતાં. મોટાં ભાઈ-બહેનો નાનાઓને શિખવાડવાને બહાને ઘણી વખત ફટાકડાઓની તડાફડી કરી જતાં હતાં. ઘડીમાં ફૂલઝર તો ઘડીકમાં દાડમ! જાણે બાળકોના હૃદયાનંદના ફુવારાઓ મૂર્તિમંત થતા હતા! એ બધાં વચ્ચે છોકરાંઓનો પંખીઓ જેવો કિલકિલાટ તો ચાલુ જ હતો. વચ્ચેવચ્ચે મોટાં છોકરાંઓ અડીના અસહ્ય અવાજો કરી જતા અને વાતાવરણમાં એક ધ્રુજારી ભરી જતાં. શેઠનો છોકરો જ્યારે રૂપિયાવાળો મોટો ગડદિયો ફોડવા નીચે ઊતરતો, ત્યારે બધાં છોકરાંઓ પોતાની મીણબત્તીઓને સળગતી છોડી ભેગાં થઈ જતાં. ક્ષણવારમાં તો ગડદિયાનો એ ભંયકર અવાજ ફાટી નીકળતો. આસપાસ એકઠાં થયેલાં છોકરાંઓને તેનાં છોતાં વાગતાં અને ‘ઓય માર્યા’ કરતાં’કને સૌ પાછાં પોતપોતાને સ્થાને ભાગતાં. શેરીનાં કૂતરાંઓ પણ આ ટાણે વધારે ભસી લેતાં-જાણે ફટાકટા ફૂટે ત્યારે તેમણે કોણ જાણે ઓર આનંદ થયો હોય! શેરીની લગભગ મધ્યમાં એક નાનો એવો ખાંચો હતો. તેના નાકા ઉપર એક અંધારિયું અને બેઠેલું ઘર હતું. એક ઓરડો, નાનો અને ભેજવાળો. તેમાં જ આખું ઘર સમાઈ જતું. મચ્છરનું તો જાણે મહિયર હોય તેમ ત્યાં ગણગણાટ તો ચાલુ જ હતો. આખી શેરીમાં ફક્ત આ એક જ ઘર દીવા વિનાનું હતું. આખી શેરીમાં ફક્ત આ એક જ ઘરના ઓટલા ઉપર કોઈ ફટાકડા નહોતું ફોડતું! આખી શેરીમાં ફક્ત આ એક જ ઘરમાં ધનદેવીનું રૂમઝૂમ નહોતું સંભળાતું. શેરીનું ઊટકણું અને દળણું કરનારી ડોશીનું આ ઘર હતું. અંદર એક ઝાંખું કોડિયું બળતું હતું. તેા ઝાંખા પ્રકાશમાં એક ફાટેલી ગોદડી દેખાતી હતી અને તેની ઉપર એક દશેક વર્ષનો છોકરો રડતો પડ્યો હતો. પાસે જ તેની ઘરડી મા બેઠીબેઠી તેને કાંઈક કહેતી હતી; પણ છોકરો તો વધારે ને વધારે પગ પછાડતો હતો. ફાટેલાં કપડાંમાં આળોટતા પોતાના કુંવરને મા કંઈ-કંઈ મનામણાં કરતી હતી, પણ છોકરાનો અવાજ તો મોટો થતો જતો હતો. છોકરાને શેઠના દીકરના જેવો ગડદિયો લેવો હતો. એઠ ખાઈને જીવન ગુજારનાર અને સાથે-સાથે એક છોકરાને ઉછેરનાર ડોશીનું તો એક રૂપિયો કિંમત સાંભળીને કાળજું કાંપતું હતું. ‘બેટા, એવા તે વેન હોય આપણે? આપણી તે કઈ સ્થિતિ કે આપણે એક રૂપિયાનો ગડદિયો ફોડીએ?’ માએ ફરી સમજાવવું શરૂ કર્યું. ‘નહિ, બસ મારે તો એ જોઈ એ જ.’ છોકરાએ હઠ જારી રાખી. શેઠનો છોકરો ગડદિયો ફોડી શકે ને હું કેમ ન ફોડી શકું? તું જ એવી છે! નહિ તો એની મા એને ઘણા ગડદિયા અપાવે ને તું મને એક પણ કેમ ન અપાવે?’ ત્યાં તો બહાર ફરી એ જ જાતના ગડદિયાનો અવાજ થયો. ઘર આખું ધ્રૂજી ઊઠ્યું. છોકરાએ માથું પછાડવું શરૂ કર્યું. ‘બેટા, મારી પાસે એક પાઈ પણ નથી, નહિ તો હું તને આમ રડવા દઉં ખરી?’ માએ છોકરાના માથા ઉપર હાથ ફેરવવો શરૂ કર્યો. છોકરાએ તે તરછોડી કાઢ્યો. ‘જુઠ્ઠું કેમ બોલે છે? મેં તારી દાબડીમાં એક આખો રૂપિયો જોયો છે.’ છોકરાએ પોતાનાં કપડાં વધુ ફાડવાં શરૂ કર્યાં. ‘એ તો તને બેસતા વર્ષને દહાડે મીઠાઈ આણી આપવા સાચવી રાખ્યો છે, દીકરા.’ મા થોડી વાર શાંત રહી. ‘આખા વર્ષની પાઈપાઈ કરીને ભેગી કરેલી મૂડીનો એક ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કેમ જોયું જાય?’ ‘અમારે તારી મીઠાઈ નથી ખાવી, જા.’ છોકરાએ આળોટવા માંડ્યું. માની આંખમાં આંસુ આવ્યાં. કોડિયાના ઝાંખા પ્રકાશમાં એ સહેજ ચમક્યાં! જાણે એમાં આખા જગતનું દ્રારિદ્ર્ય એકઠું થયું હતું! માએ એકદમ આંખો લૂછી નાખી. બૂઢાપાથી કૃશ થયેલા શરીરને મહામહેનતે તેણે ઊભું કર્યું. કોડિયાનો ઝાંખો પ્રકાશ તેના મોં ઉપરની કરચલીઓને અને હાથની લટકતી ચામડીને વધારે પ્લાન બનાવતો હતો. ઓરડાના એક ખૂણામાં તે ગઈ. અભરાઈ ઉપરના એક અંધારા ખૂણામાંથી એક ખવાઈ ગયેલી નાની દાબડી કાઢી તેમાં રહેલી સઘળી દોલત — એ રૂપિયો — તેણે ધ્રૂજતે હાથે બહાર કાઢી અને છોકરા ભણી ફગાવી. ‘જા બેટા, લઈ આવ ગડદિયો, પણ ફરી કદી રડીશ મા હો’ મા તેની પાસે બેસી ગઈ, પોતાના ફાટલા સાડલાથી છોકરાની આંખો લૂછી અને ગાલ ઉપર બચી ભરી. ‘છાનો રહી જા હવે, બેટા. જો બહુ રડીએ ને તો ગળું બેસી જાય.’ છોકરો બેઠો થયો, ઊભો થયો. ‘પાણીથી મોઢું ધોઈ લે, થોડું પાણી પી ને પછી બહાર જજે, હો દીકરા; આપું પાણી?’ ‘ના, મા, તમે બેસી રહો, હું મારે હાથે લઈ લઈશ.’ છોકરો શાણો થઈ ગયો હતો. તેણે પાણી પીધું અને પછી બહાર ગયો. ડોશી એ પાછો ફર્યો ત્યાં સુધી કોડિયા સામે જોતી બેસી રહી. એ આંખોમાં શા-શા વિચારો વ્યક્ત થતા હતા તે કોને ખબર?’ ‘કાંઈ નહિ એ તો, મીઠાઈ આણવા હું થોડાક પૈસા ઉછીના લઈ આવીશ.’ એમ બોલીને તેણે એક નિસાસો નાખ્યો. ઊભી થઈ બારણાંમાં જઈને તે દીકરાની રાહ જોતી બેઠી. ‘આવ્યો બેટા? બહુ જલદી આવ્યો હો! હાંફે છે કેમ! દોડતોદોડતો આવ્યો?’ પણ છોકરાને જવાબ દેવાની ફુરસદ નહોતી. તે તો વારેવારે પેલા ગડદિયા તરફ સગર્વ દૃષ્ટિ ફેંકતો, ઘડી મા સામું જોઈ હસતો. ‘જા, બેટા, જાળવીને ફોડજે, હો! હજી ગઈ કાલે જ એક છોકરો અડી ફોડતાં મરી ગયો, તને ખબર છે ને? જા, બેટા, રામ તારી રક્ષા કરે.’ છોકરો તો દીવાસળી લઈ આવ્યો. કાંઈ બહાદુરી કરતો હોય તેમ ગર્વભેર શેરીની મધ્યમાં ચાલ્યો. બધાં છોકરાંઓ તેની આસપાસ વીંટળાઈ વળ્યાં. તેની તો છાતી ફૂલતી હતી! તેને તો થતું હતું કે આખી શેરીમાં એક એ અને બીજો શેઠનો દીકરો બે જ જણા સૌથી મોટા હતા. શેઠનો દીકરો પણ ગડદિયો જોવા બારીએ ડોકાણો. છોકરાએ વાટ પેટાવી. પોતાના વિજયને જોવામાં તે એટલો તો મશગૂલ બની ગયો, કે ખસવાનું પણ ભૂલી ગયો, ગડદિયો ઊડ્યો અને તેને હઇડિયે વળગ્યો. આખી શેરીમાં હાહાકાર વર્તી ગયો. છોકરાંઓ સૌ ઘરમાં પેસી ગયાં. મીણબત્તીઓ પોતાની મેળે બુઝાઈ ગઈ. શેરીનાં બધાં મોટાં માણસો છોકરાની આસપાસ ભેગા થઈ ગયા. પેલી અંધારી ઓરડીમાંથી એક કારમી ચીસ આવી. મારાથી આ ન સહાયું. હું ચાલ્યો ગયો. બીજે દિવસે સાંભળ્યું કે મા પણ પોતાના દીકરાને બેસતા વર્ષને દહાડે મીઠાઈ ખવડાવવા સાથે ગઈ.

[‘વીણા’ : 1931]