ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો/કુરબાની

કુરબાની

સૂર્યનારાયણના અરધા અંગ પર ક્ષિતિજરેખા અંકાઈ હતી. પંજાબનો એ લીલોછમ પ્રદેશ બાદશાહ ઔરંગઝેબના પ્રતાપથી સહેજ શુષ્ક થઈ ગયો હતો, તોય તેનું મૂળ સૌંદર્ય લોપાયું નહોતું. હિલોળા લેતાં એ ઘઉંનાં ખેતરો ઉપર સૂર્યનાં છેલ્લાં કિરણો પડતાં હતાં અને ખેતરોને સોનેરી સાગર શાં દીપાવતાં હતાં. સર્વત્ર શાંતિ હતી, પરંતુ મંથનભરી બે આંખો જ કેવળ અશાંત હતી. શાંત પ્રકૃતિમાં તે આંખોને ઠારવાની તાકાત નહોતી. જુવાનીને પહેલે પગથારે પગ મૂકતા સોળ વર્ષના ગુરુ ગોવિંદસિંહ દિલ્હી જવાના માર્ગ ઉપર ચાલ્યા જતા હતા. ગુરુનું પડછંદ શરીર ને ફાટતી છાતી સૌને મુગ્ધ કરતાં, કેવળ શત્રુને કંપાવતાં, કમ્મરે તલવાર લટકતી હતી : ખૂન ભરેલી નહિ, શાંતિ ભરેલી. માર્ગમાં જ્યાંજ્યાં પાદશાહનો અત્યાચાર થયેલો જોતા ત્યાંત્યાં તેમની આંખો વધારે તીવ્ર થતી ને ચહેરો ગમગીન બનતો. જોતજોતામાં તો સૂર્યનારાયણ ક્ષિતિજમાં સમાઈ ગયા અને ગોવિંદસિંહે પોતાનું ગૌરવભર્યું શિર નીચું ઝુકાવી વંદના કરી. દિલ્હીની મસીદોમાંથી બાંગના આછા અવાજો આવ્યા અને ગોવિંદસિંહ વધારે ત્વરાથી આગળ ચાલ્યા. કાફરોને મુસલમાન બનાવવામાં જ પોતાની સર્વ ફરજો સમાઈ જાય છે એમ માનનાર પાદશાહ ઔરંગઝેબે ગુરુ તેગબહાદુરને મુસલમાન થવા કહ્યું. શાંતિના દૂત સમા એ ગુરુએ પાદશાહની માગણી નાકબૂલી. બાદશાહે પોતાનું છેલ્લું અસ્ત્ર અજમાવ્યું : ‘તેગબહાદુર મુસલમાન નહિ બનો તો મરવું પડશે.’ ગુરુ હસ્યા ‘ઔરંગઝેબ! બસ એટલું જ કરી શકીશ કે?’ અને મહાત કરે તેવી એક દૃષ્ટિ ફેંકી. ઔરંગઝેબ ફિક્કો પડી ગયો. તરત જ ફરમાન કાઢ્યું : ‘વધ કરો આ કાફરનો, તેના શબને દિલ્હીના રાજમાર્ગ પર રઝળતું મેલો ને સડવા દો. તેની આસપાસ સખત પહેરો રાખો.’ ગુરુ તેગબહાદુર માત્ર હસ્યા! તેમના એક જ બોલ ઉપર હજારો શીખ પ્રાણ ન્યોચ્છાવર કરવા તૈયાર હતા. પણ શાંતિના એ ફિરસ્તાએ સૌને શાંતિ ઉપદેશી અને હસતાંહસતાં મોતને વધાવ્યું. ગુરુ તેગબહાદુરના મરેલા મુખ ઉપર પણ હાસ્ય ફરકતું જોઈને ઔરંગઝેબ પછાડા મારતો રહી ગયો. ગુરુપિતાનો અંત્યેષ્ઠિ સંસ્કાર કરવાના ઇરાદાથી ગુરુ ગોવિંદસિંહ દિલ્હી શબ લેવા ચાલ્યા. તેમના એકએક ડગલે મુગલ શહેનશાહત કાંપતી હતી. ગોવિંદસિંહ મળે તે જીવતો ન રહે એવી શાહી કરામત પથરાઈ ચૂકી હતી પણ આ નીડર જુવાન શત્રુના શહેરમાં એકલો જતો હતો. દિલ્હીના ઝાંખા પડતા મિનારા જોઈને એ વિચારતો હતો કે મુગલ શહેનશાહત પણ આમ જ ઝાંખી પડતી જાય છે. સિતમ ગુજારનારી કોઈ પણ શહેનશાહત અમર તપી છે? વિચારમાં ને વિચારમાં ગોવિંદસિંહને ભાન ન રહ્યું કે પોતે ક્યાં આવી પહોંચ્યો છે. ઓચિંતો કાને અવાજ આવ્યો : ‘ગુરુદેવ!’ ગોવિંદસિંહે સામું જોયું તો કલ્યાણસિંહ અને ઇન્દ્રજિત નમન કરી ઊભા હતા. દિવસ આખો પરસેવો ઉતારી સંધ્યાકાળે તેઓ ખેતરથી પાછા ફરતા હતા. ઇંદ્રજિતના ખભા ઉપર ઘઉંના પોંકની પોટલી હતી. આજે તે પહેલો પોંક આખું કુટુંબ સાથે બેસીને ખાવાનું હતું. ‘કોણ કલ્યાણસિંહ?’ ‘હા, ગુરુદેવ!’ કલ્યાણસિંહે ફરી નમન કર્યું. ‘પણ આપ અત્યારે અહીં? જાણો છો ને કે આપ દિલ્હીની નજીકમાં જ છો?’ ‘હા કલ્યાણસિંહ, જાણું છું.’ ‘તો આપ એકલા ક્યાં જાઓ છો? શત્રુઓ તો આપની પાછળ જ ભમ્યા કરે છે.’ ‘દિલ્હી જાઉં છું, કલ્યાણસિંહ!’ ‘દિલ્હી!’ કલ્યાણસિંહ અને ઇંદ્રજિત સાથે બોલી ઊઠ્યા. ‘આપ અત્યારે એકલા દિલ્હી જાઓ છો?’ કલ્યાણસિંહે પ્રત્યેક શબ્દ ઉપર ભાર મૂકી પ્રશ્ન કર્યો. તે બંનેના મુખ પર ચિંતામિશ્રિત આશ્ચર્યના ભાવ હતા. ‘હા, હું અત્યારે એકલો દિલ્હી જાઉં છું.’ ગુરુએ પણ પ્રત્યેક શબ્દ ઉપર ભાર દઈને ઉત્તર વાળ્યો. અને ઉમેર્યું : ‘જાણતો નથી કલ્યાણ, બાપુના શરીરને પાદશાહે દિલ્હીના રાજમાર્ગ પર ફગાવી દીધું છે ને તે ત્યાં સડે છે. કોઈ ને શબ લઈ જવાની રજા નથી. તેની આસપાસ સખત પહેરો છે; એટલે મારે જવું જ જોઈ એ ને?’ ગોવિંદસિંહના મુખ ઉપર તેવી જ શાંતિ હતી. કલ્યાણસિંહ કંપી ઊઠ્યો. ઇંદ્રજિતે મુઠ્ઠીઓ વાળી. ગુરુ ગોવંદિસંહિની પ્રત્યેક રેખામાંથી ભવ્યતા ફૂટતી હતી; શબ્દો શાંત હતા; આંખો પણ પહેલાં જેવી જ કરુણાભરી હતી. ‘કલ્યાણ, હવે મુગલ શહેનશાહત વધારે નહિ ટકે. તેના સિતમોની સામે પૃથ્વી પોકાર કરે છે. જો સામે જો, પેલાં ઉજ્જડ ખેતરો જો. બિચારા હિંદુઓ ત્રાસીને જમીન છોડી ચાલતા થયા છે. મુગલ શહેનશાહતને પણ પોતાની મહેલાતો છોડી આમ જ ચાલતાં થવું પડશે.’ ગોવિંદસિંહની આંખમાં જાણે અગ્નિ પ્રકટ્યો. હાથ મૂઠ ઉપર પડ્યો. ‘પણ ગુરુદેવ! અમે આપને નહિ જવા દઈએ.’ ‘કેમ, બાપુના દેહને હજી વધારે સડવા દેવો છે?’ ગોવિંદસિંહે કલ્યાણસિંહ તરફ એક તીક્ષ્ણ નજર માંડી. ‘ના, ના; આપને નહિ જવા દઈએ પણ અમે જઈશું.’ ‘અમે જઈશું.’ ઇંદ્રજિત આગળ આવ્યો. ‘ગુરુ તેગબહારદુરના શબને લેવા અમે-અમે જઈશું.’ ગોવિંદસિંહ કાંઈ ન બોલ્યા, કેવળ એક સ્મિતભરી દૃષ્ટિ તે બેના ઉપર નાખી. ‘આપને — શીખોની એક માત્ર આશાને આમ શત્રુના મોંમાં કેમ મુકાય? અમે જ જઈશું. આપને નહિ જવા દઈ એ.’ બાપ-બેટા બંનેનાં મુખ ઉપર આકાશના પહેલા તારાનું કિરણ પડતું હતું. ‘તમે જશોને હું શા માટે નહિ? મને નામર્દ ધાર્યો, કલ્યાણસિંહ?’ ‘ના ગુરુદેવ, આપને નામર્દ કોણ ધારી શકે? આપને દેખીને તો મર્દનીયે છાતી ફાટી જાય.’ ‘પણ બાપુનું શબ લેવા મારે જ જવું જોઈએ.’ ‘અમે પણ ગુરુજીના બેટા છીએ તો?’ ઇંદ્ર બોલ્યો. તેનું જુવાન લોહી તલસી રહ્યું હતું. ગુરુ ગોવિંદસિંહ થોડી વાર ઊંડા વિચારમાં પડી ગયા. પછી ધીમેથી પોતાની પ્રેમભરી આંખો ઊંચે ઉઠાવી. ‘ઠીક. જાઓ, ફતેહ કરી આવો. હું આટલામાં જ છું,’ આટલું બોલી ગોવિંદસિંહ ધીરેધીરે પગ માંડતા દૂરદૂર ચાલ્યા ગયા. પિતાપુત્ર ભક્તિભરી આંખે થોડી વાર ગુરુને જોઈ રહ્યા. બંને પછી ઊગતા અંધારામાં દિલ્હી તરફ ચાલી નીકળ્યા. આકાશમાં એકલો શુક્ર તારો તેમના પર હાસ્ય વરસાવતો હતો. જાગતા ઔરંગઝેબનું દિલ્હી ઊંઘતું પડ્યું હતું. ઔરંગઝેબના સિતમ શા અમાસના અંધારાએ દિલ્હીને છાવરી લીધું હતું. શહેરની ભવ્ય મહેલાતોમાંથી દીવાના પ્રકાશ આવતા હતા. આખા શહેર ઉપર મધ્યરાત્રિની શાંતિ પ્રસરી ગઈ હતી. શાહી કિલ્લામાંથી બેના ટકોરા પડ્યા અને ઝોલાં ખાતા પહેરેગીરોએ સલામતી સંભળાવી. ચાંદની ચોક પર જ્યાં ચાર રસ્તા ભેગા થતા હતા, ત્યાં ગુરુ તેગબહાદુરસિંહનું શરીર સડતું પડ્યું હતું. માથું ફાટી જાય તેવી દુર્ગંધથી ત્રાસી સિપાહીઓ દૂર જઈ બેઠા હતા ને શરાબના ઘેનમાં ઝોલાં ખાતા હતા. થોડી વારમાં સૌ ઢળી ગયા, એટલે પાસેના ઝાડ પાછળથી કલ્યાણસિંહ અને ઇંદ્રજિત આગળ આવ્યા. ‘ઇંદ્ર! જો પણે ગુરુજીના શબની ગાંસડી છે.’ ‘હા બાપુ! ગુરુકૃપાથી તક સારી છે.’ બંનેએ આકાશ તરફ દૃષ્ટિ કરી અહેશાન માન્યો. ‘વખત બહુ કીમતી છે. ક્ષણ પછી સલામત નહિ રહીએ. માટે સત્વર આપણું કામ આટોપી લઈએ.’ અંધારું આકાશ અસંખ્ય આંખોથી આ બે શીખ મર્દોની હિંમતને નવાજી રહ્યું હતું. સાવધાનીથી બંને શબ પાસે ગયા અને ગુરુના મૃતહેદને નમસ્કાર કર્યા. ક્ષણવાર તેઓ એકબીજા સામે જોઈ રહ્યા. ‘ઇંદ્ર! વિચારે છે શું? ઉપાડી લે.’ ‘પણ બાપુ, પહેરેગીરો જો અહીં ગુરુના શબની ગાંસડી નહિ દેખે તો અવશ્ય આપણી પાછળ પડશે અને આપણે સૌ જોખમમાં આવી પડીશું. રજા આપો તો હું ગુરુજીની જગ્યાએ સૂઈ જાઉં.’ વૃદ્ધ કલ્યાણસિંહ ઊંડા વિચારમાં પડી ગયા. ઇંદ્રજિત તેની સામે જોઈ રહ્યો. ‘ઇંદ્ર બેટા! વાતો કરવાનો આ વખત નથી, દરેક પળ આપણી ઉપર ભયંકર છે.’ વૃદ્ધ અટક્યો અને ઇંદ્રજિત તરફ જોયું, ‘બેટા! તું તો હજી જુવાન છે. તું ઝડપથી ગુરુજીનું શબ ઉપાડી જઈ શકીશ. હું તો વૃદ્ધ થયો. રસ્તામાં થાકી જાઉં તો? અને હજી તો તારે સતના આ સંગ્રામમાં ગુરુની પડખે ઊભા રહી લડવું છે ને? મારા જેવા વૃદ્ધો શા ખપના?’ કલ્યાણસિંહે ઇંદ્રજિતને પાસે ખેંચ્યો. ‘મૂંઝાતો નહિ, બેટા! હું તો તારા શરીરને જન્મ આપનાર; તારો ખરો જન્મ તો ગુરુ ગોવિંદસિંહ દેશે. જોજે પ્રાણ જાય તોય ગુરુની સેવા કરવી ચૂકતો નહિ.’ ઇંદ્રજિતે પિતાની છાતીમાં મોઢું દાબી દીધુ; તેનાથી સામે જોવાયું જ નહિ. પિતાએ પુત્રને છાતીએ ચાંપ્યો. પવનની એક ઠંડી લહરી બંનેને અડીને ચાલી ગઈ. ગુરુ તેગબહાદુરના શબની ગાંસડીનું કપડું પવનમાં હાલ્યું અને બંનેએ નમસ્કાર કર્યા. ‘બેટા હું જાઉં છું, પણ તને તારા ખરા પિતાને સોંપતો જાઉં છું. તું એકલો નથી, તારે પડખે તો ગુરુજી છે.’ ઇંદ્રજિત પગમાં પડ્યો. કલ્યાણસિંહે કટારી છાતીમાં ભોંકી દીધી. ઇંદ્રજિતે પિતાના શબને પડવા ન દીધું — ઝીલી લીધું. એક ક્ષણ પણ થોભ્યા વિના તેણે શબને બાંધી લીધું અને છેલ્લું વંદન કરી ગુરુ તેગબહાદુરના શબને ઉપાડી આથમતા અંધારામાં ચાલી નીકળ્યો. એ વખતે તેની આંખોમાં આંસુ નહોતાં; પગ પાછા નહોતા પડતા. એ તો આવ્યો તે કરતાં વધારે ઉલ્લાસભેર ચાલતો હતો. એ વખતે એક તારો ખર્યો — પિતાપુત્ર બંને ઉપર!

[કુમાર’ 1928]